સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ જૂનાગઢમાં ફરી એક વખત પાટીદાર મતદારો બની શકે છે નિર્ણાયક

0

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાટીદાર મતદારો કોઇ પણ પક્ષની તરફેણ કે વિરૂધ્ધમાં સામે આવીને ચૂંટણી પરિણામો બદલવા માટે સક્ષમ હોવાનું જૂનાગઢના પત્રકારો માની રહ્યા છે. છેલ્લા કેટલાય વર્ષોથી જૂનાગઢ જીલ્લાનું રાજકારણ પાટીદાર સમાજની આસપાસ ફરતુ જાેવા મળે છે, ત્યારે બે દિવસ અગાઉ જૂનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને વર્ષ ૨૦૧૭માં વર્તમાન કેબિનેટ પ્રધાન જવાહરભાઈ ચાવડા સામે ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા નિતીન ફળદુએ ભાજપ પક્ષની નીતિ સામે પોતાનો વાંધો રજૂ કરીને તેમના કાર્યકરો સાથે ભાજપમાંથી રાજીનામું આપી દેતા જૂનાગઢ જિલ્લાના સ્થાનિક રાજકારણમાં ચૂંટણીઓ પૂર્વે હલચલ જાેવા મળી હતી ત્યારે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં જાે પાટીદાર મતદારો એકજૂથ થઇને કોઇ પણ પક્ષની તરફેણ કે વિરોધમાં બહાર આવે તો પાટીદાર સમાજ ચૂંટણીના પરિણામો બદલવા માટે સક્ષમ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં પાટીદાર સમાજ
વર્ષોથી કેન્દ્ર બિંદુ સમાન
જૂનાગઢ જિલ્લાનું રાજકારણ પાટીદાર સમાજ અને તેના નેતાઓના કેન્દ્ર બિન્દુ સમાન સતત જાેવા મળે છે. જૂનાગઢ જિલ્લાની જૂનાગઢ, વિસાવદર, માણાવદર, કેશોદ અને માંગરોળ, વંથલી, મેંદરડા, ભેંસાણ વિધાનસભા બેઠક ઉપર પાટીદાર સમાજ મહત્વનો અને નિર્ણાયક મતદાર તરીકે વર્ષોથી સ્થાપિત થયો છે. એજ રીતે પોરબંદર લોકસભા બેઠક માટે પણ પાટીદાર સમાજ ખૂબ જ નિર્ણાયક અને મહત્વનો મતદાર માનવામાં આવે છે. જૂનાગઢ જિલ્લાની માણાવદર, કેશોદ અને મેંદરડા વિધાનસભામાં આવતા મતવિસ્તારો પોરબંદર લોકસભામાં સામેલ થયા છે, ત્યારે પોરબંદર લોકસભાની સાથે જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર પાટીદાર મતદારો નિર્ણાયક સાબિત થઈ રહ્યા છે અને કોઈ પણ ઉમેદવાર કે પક્ષને રાજકીય રીતે પછડાટ આપી શકાય એટલી હદે મજબૂત પણ જાેવા મળી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં વંથલી-માણાવદર વિધાનસભા કે જે પાટીદાર બહુમતીની વિધાનસભા માનવામાં આવે છે, તેમાંથી પાટીદાર અગ્રણીએ ભાજપ સામે પોતાની નારાજગી વ્યક્ત કરીને પક્ષના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું ધરી દેતા વર્ષ ૨૦૧૯ની વિધાનસભાની પેટાચૂંટણી બાદ ફરી એક વખત જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાટીદાર કાર્ડ ધીરે ધીરે બહાર આવી રહ્યું છે. વર્ષ ૨૦૧૫માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઇ હતી, બરાબર તે જ સમયે પાટીદાર અનામત આંદોલન પણ તેની ચરમસીમા ઉપર જાેવા મળતું હતું. આવી પરિસ્થિતિમાં સમગ્ર રાજ્યના પાટીદાર મતદાર સત્તાધારી ભાજપ સામે લડી લેવાના મૂડમાં હતા, આવા સમયે આયોજિત થયેલી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપના સુપડા સાફ થઈ ગયા હતા. કેટલીક પંચાયતોમાં તો ભાજપના સભ્યોને ચૂંટણી જીતવા માટે ફાંફા પડી ગયા હતા. જૂનાગઢ જિલ્લા પંચાયતની વાત કરીએ તો વર્ષ ૨૦૧૫માં જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપના ગણીને ત્રણ સદસ્યો ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. કોંગ્રેસે પ્રચંડ બહુમતિ સાથે જૂનાગઢ જિલ્લા પંચાયત ઉપર કબજાે જમાવી દીધો હતો અને મોટાભાગની તાલુકા પંચાયતોમાં પણ કોંગ્રેસનું શાસન પુર્નઃ સ્થાપિત થયુ હતું. આવી પરિસ્થિતિમાં વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં પણ જૂનાગઢ જિલ્લાની પાંચ પૈકી ચાર વિધાનસભા બેઠકો ઉપર પણ ભાજપના ઉમેદવારને જીતાડવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને પરિણામના દિવસે ભાજપ કેશોદ વિધાનસભા બેઠક જીતવામાં સફળ રહી હતી. આ સિવાય જૂનાગઢ, વિસાવદર, માંગરોળ અને માણાવદર, વિસાવદર, ભેંસાણ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારો વિજય બનીને ધારાસભા સુધી પહોંચ્યા હતાં. હવે જ્યારે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેનું મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે વર્ષ ૨૦૧૫ની માફક પાટીદાર અનામત આંદોલન સક્રિય જાેવા મળતુ નથી, પરંતુ પાટીદાર સમાજના અગ્રણીઓ અને પક્ષને વરેલા ચુસ્ત કાર્યકરોને સાઈડલાઈન કરી દેવામાં આવ્યાં છે તેવો આક્ષેપ ભાજપ ઉપર ભાજપમાં રહેલા પાટીદાર અગ્રણીઓ અને કાર્યકરો કરી રહ્યા છે, આવી પરિસ્થિતિમાં જાે પાટીદાર મતદારો અંડર કરંટ સાબિત થાય તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં કોઈ પણ મોટા ઉલટફેર કરવા માટે સમાજ સક્ષમ જાેવા મળી રહ્યો છે. જે રીતે કોંગ્રેસના કાર્યકરોને ભાજપમાં સામેલ કરવામાં આવ્યાં છે, ત્યારથી ભાજપને વરેલા અને વર્ષોથી કાર્યકર તરીકે પક્ષની સાથે મતદારોની સેવા કરતા નેતાઓમાં હવે કચવાટ જાેવા મળી રહ્યો છે. આ કચવાટ આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કાર્યકર તરીકે નિષ્ક્રિયતાના રૂપમાં જાેવા મળે તો એવું કહી શકાય કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરી એક વખત પાટીદાર સમાજ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!