આજથી સોમનાથ મહાદેવની આરતીનો ભાવિકો પ્રત્યક્ષ લાભ લઇ શકશે

0

કોરોના મહામારીના કારણે સોમનાથ મંદિરે દિવસ દરમ્યાન થતી ત્રણ ટાઇમ આરતીમાં ભાવિકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ હતો જે દુર કરી આજથી તા.૬ ફેબ્રુ.થી ભાવિકો આરતીના સમયે મંદિરમાં પ્રવેશ સાથે દર્શન કરી શકશે પરંતુ આરતીમાં ઉભા નહીં રહી શકે ચાલતા ચાલતા આરતીના દર્શનનો લ્હાવો લઇ શકશે તેવો ર્નિણય સોમનાથ ટ્રસ્ટે લીધો છે.
આ અંગે સોમનાથ ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ માહિતી આપતા જણાવેલ કે, કોરોના મહામારીના કારણે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ સોમનાથ મંદિરમાં દર્શનની વ્યવસ્થા અને સમયમાં ફેરફાર કરાતો આવ્યો છે. અનલોક સાથે જુન માસથી મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલવામાં આવેલ ત્યારે ત્રણ વખત થતી આરતીના સમયે પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ હતો. હાલ વેકસીન આવી ગયા બાદ કોરોના મહામારીના ઘટતા જતા પ્રકોપને ધ્યાનમાં લઇ સરકારની ગાઈડલાઈન મુજબ આજે તા.૬ ફેબ્રુઆરી-૨૦૨૧થી સોમનાથ મંદિરમાં ત્રણ ટાઇમ થતી મહાદેવની આરતીના સમયે ભાવિકોને પ્રવેશ આપવાનો ર્નિણય ટ્રસ્ટી મંડળની સુચનાથી કરવામાં આવેલ છે. આ ર્નિણયથી સોમનાથ ટ્રસ્ટ હેઠળના સોમનાથ મુખ્ય મંદિર ઉપરાંત અહલ્યાબાઈ મંદિર, ભાલકા મંદિર, રામ મંદિર, ગીતા મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, ભીડીયા સહિતના મંદિરોમાં દિવસ દરમ્યાન થતી આરતીના સમયે ભાવિકોને પ્રવેશ મળશે.
આજ તા.૬ ફેબ્રુઆરી ૨૦૨૧થી સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે સવારે ૬ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. સોમનાથ મંદિરે સવારે ૭, બપોરે ૧૨ અને સાંજે ૭ વાગ્યે મહાદેવની ત્રણેય આરતી સમયે ભાવિકો ઉભા નહીં રહી શકે પરંતુ ચાલતા ચાલતા આરતીના દર્શન કરી શકશે. ચાલુ આરતીના સમયે કોઈપણ ભાવિક મંદિરના સભામંડપ કે નૃત્યમંડપમાં પણ ઉભા રહી શકશે નહીં. આ ઉપરાંત મંદિરે આવતા ભાવિકોએ કોવીડની ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરવું ફરજીયાત રહેશે સાથે પ્રવેશદ્વાર ઉપર ટેમ્પરેચર મશીનમાં ચેક કરાવી હેન્ડ સેનીટાઈઝ કર્યા બાદ જ પ્રવેશ કરવાનો રહેશે. મંદિરે દર્શન માટે ઓનલાઈન તથા ઓફલાઈન પાસ મેળવીને જ દર્શન કરી શકશે. મંદિરમાં દર્શન માટે જે વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે તેનું ભાવિકોએ પાલન કરવાનું રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews