જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના બરવાળા ગામે રહેતા અને ભેંસાણ માર્કેટ યાર્ડ ખાતે નોકરી કરતા ગાંગજીભાઈ કેશુભાઈ ગોંડલીયા (જાતે પટેલ ઉવ. ૫૪) નું છ થી સાત અજાણ્યા ઈસમો દ્વારા ઇકો ગાડીમાં અપહરણ કરી, લઈ જતા તેમના પત્ની હંસાબેન ગાંગજીભાઈ ગોંડલીયા દ્વારા ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા, તેઓની અપહરણની ફરિયાદ નોંધી ભેંસાણ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.ડી.વાળા તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટી દ્વારા ભેંસાણ તાલુકાના બરવાળા ગામ ખાતેથી અપહરણ થયેલ ગાંગજીભાઈ પટેલની તપાસ બનાવની ગંભીરતા આધારે તેમજ આ પ્રકારના બનાવમાં અપહૃતને છોડાવવાની પ્રાથમિકતા સમજી પહેલેથી જ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ભેસાણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.ડી.વાળા, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ.ભાટી, ટેકનિકલ સેલના પીએસઆઇ ડી.એમ.જલું તથા સ્ટાફની જુદી જુદી ત્રણ ટીમ બનાવી તપાસ સોંપાઈ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ પોલીસની સ્થાનિક ભેંસાણ, ક્રાઇમ બ્રાન્ચ, ટેક્નિકલ સેલ જેવી જુદી જુદી તપાસ ટીમો દ્વારા પૂછપરછ કરતા જાણવા મળેલ કે, અપહૃત ગાંગજીભાઈ પટેલનો મોટો દીકરો હરેશ સુરત ખાતે એમ્બ્રોઇડરીનું કામ કરતો હોય અને દોઢેક માસ પહેલા સુરત વરાછા ખાતે રહેતા સવજીભાઈ મંગાભાઈ સરસિયા ભરવાડની દિકરી ધારા સાથે પ્રેમલગ્ન કરેલ હોઈ તેને પાછી લાવવા દબાણ કરતા હોય અપહરણના ગુન્હામાં તેઓ કે તેઓના સંબંધી હોવાની શક્યતા છે. આ લોકો મૂળ બગસરા તાલુકાના હડાળા ગામના વતની હોવાની વિગત પણ પોલીસને મળેલ હતી. જેથી પોલીસની એક ટીમ તાત્કાલિક હડાળા ખાતે પહોંચી હતી અને સવસીભાઈ ભરવાડના કુટુંબીજનોને પૂછપરછ કરતા તેઓ ભાંગી પડયા હતા. બીજી તરફ, બીજી ટીમ દ્વારા ઇકો કારમાં અપહરણ કરવામાં આવેલ હોઈ, ઇકો કારની તપાસ દરમ્યાન ઇકો કારનો નંબર જીજે -૧૪-એએ- ૭૦૭૬ હોવાનું અને પોકેટ કોપ એપ્લિકેશન મારફતે માહિતી મેળવતા આ કાર બગસરા તાલુકાના ખીજડિયા ગામની હોવાનું અને ડ્રાઈવર શરદભાઈ નાથાભાઇ વિરાણી હોવાનું જાણવા મળતા, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ.ભાટી તથા સ્ટાફે તપાસ કરતા, ઇકો કાર ભાડે કરેલ હોઈ અને અપહૃત ગાંગજીભાઈ પટેલને લઈ, વિસાવદર પાસે આવેલ આશ્રમમાં મૂકી આવેલ હોવાની હકીકત જૂનાગઢ પોલીસને આપેલ હતી. અપહરણ થયેલ ગાંગજીભાઈ પટેલના કુટુંબીજનો સ્વાભાવિક ચિંતાતુર હોઈ, અપહૃત ગાંગજીભાઈને હેમખેમ છોડાવવા જરૂરી હોય તેઓના પરિવારજનો સાથે જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એચ.આઈ.ભાટી, પીએસઆઇ એ.ડી.વાળા તથા સ્ટાફના રમેશભાઈ, પિન્ટુભાઈ, બળવંતસિંહ, કલ્પેશભાઈ, સંજયભાઈ, કાનકસિંહની ટીમ દ્વારા સતત સંકલન રાખી તેઓએ તથા જૂનાગઢ પોલીસના તમામ સ્ટાફ દ્વારા પોતાના કુટુંબનાં વ્યક્તિનું અપહરણ થયેલ હોય તે રીતે સંવેદના દેખાડી ટેક્નિકલ સોર્સથી માહિતીઓ મેળવવાનું ચાલુ રાખેલ હતું. જૂનાગઢ પોલીસની તપાસમાં વિસાવદર વિસ્તારમાં અપહરણકારો અપહૃત યુવાનને રતાંગ ગામના આશ્રમ ખાતે રાખેલ હોઈ, જૂનાગઢ પોલીસ ટીમ દ્વારા અપહરણકારોનું પગેરૂં દબાવેલ હતું. તાત્કાલિક પોલીસની એક ટીમને વિસાવદર પાસેના રતાંગ ગામના આશ્રમ ખાતે મોકલતા, અપહૃત ગાંગજીભાઈ પટેલ અને આરોપીઓ સવજીભાઈ મંગાભાઈ સરસીયા (રહે.હાલ સુરત મૂળ હડાળા), વિનુભાઈ ભીખુભાઈ સરવૈયા (રહે.હડાળા તા. બગસરા જી. અમરેલી), હસમુખભાઈ ઉર્ફે હસુભાઈ ભીખુભાઈ સરવૈયા (રહે.હડાળા તા. બગસરા જી. અમરેલી) તથા પ્રફુલ લાલજીભાઈ સરવૈયા (રહે.હડાળા તા. બગસરા જી. અમરેલી) મળી આવ્યા હતા. પકડાયેલ આરોપીઓની પૂછપરછમાં આરોપીઓ પૈકી સવસીભાઈ ભરવાડની દીકરીને અપહૃત ગાંગજીભાઈ પટેલનો દીકરો ભગાડી જઈ પ્રેમલગ્ન કરેલ હોઈ અપહૃતને તેઓની તપાસમાં સાથે બળજબરીથી લઈ ગયા હોવાની કબૂલાત કરી હતી. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટી દ્વારા પણ અપહરણ થયેલ ગાંગજીભાઈ પટેલના કુટુંબીજનો સાથે ેસંવેદના પૂર્ણ વર્તન કરી, તાત્કાલિક કાર્યવાહી કરી, અપહૃત ગાંગજીભાઈ પટેલને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવી, અપહરણ કરનાર આરોપીઓને પકડી પાડવા બદલ ક્રાઇમ બ્રાન્ચ, ટેક્નિકલ સેલ અને ભેંસાણ પોલીસ ટીમને અભિનંદન આપ્યા હતા. જૂનાગઢ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી, ગણત્રીના સમયમાં તપાસ આધારે અપહરણનો ગુન્હો ડીટેક્ટ કરી, ચાર આરોપીઓને પકડી પાડી અપહૃત ને શોધી કાઢી, છોડાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવેલ છે. ભેસાણ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.ડી.વાળા તથા સ્ટાફ દ્વારા ચારેય આરોપીઓની ધરપકડ કરી અને બાકીના આરોપીઓને પકડી પાડવા વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews