વેરાવળ પાટણ નગરપાલીકાની ચુંટણીમાં ઉમેદવારોની પસંદગી થાય તે પૂર્વે સત્તાધારી ભાજપની વધુ એક ફટકો પડયો છે. ભાજપના નગરપાલીકાના પૂર્વ પ્રમુખ અને પૂર્વ યુવા ભાજપ પ્રમુખે ૫૦ કાર્યકરો સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કરી પ્રવેશ કર્યો છે. ભાજપ છોડનાર પૂર્વ હોદેદારોને સ્થાનીક ભાજપના નેતાઓની નિતી-રિતીથી નારાજ થઇ પાર્ટી છોડી હોવાનું જાણવા મળી રહેલ છે. થોડા દિવસો અગાઉ ભાજપના નગરસેવકે કોંગ્રેસનો હાથ પકડયા બાદ વધુ એેક ભાજપી નેતાના કોંગ્રેસ પ્રવેશને લઇ સ્થાનીક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
વેરાવળ પાટણ નગરપાલીકાની ચુંટણીને લઇ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રીયા શરૂ થઇ છે. બંન્ને પક્ષો ઉમેદવારોની પસંદગીમાં વ્યસ્ત છે એવા સમયે ભાજપને બાય બાય કરી પાર્ટીના વર્ષોથી વફાદાર રહેલા પૂર્વ હોદેદારો અને કાર્યકરોએ કોંગ્રેસનો હાથ થામ્યો છે. જેની વિગતો મુજબ સ્થાનીક નગરપાલીકાની ચુંટણી અનુસંધાને યોજાયેલ એક કાર્યક્રમમાં ભાજપના નગરપાલીકાના પૂર્વ પ્રમુખ કિરણબેન ભીમજીયાણી, પૂર્વ યુવા ભાજપ પ્રમુખ હરસુખભાઇ ભીમજીયાણી ૫૦ કાર્યકરોને સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઇ બારડે ખેસ પહેરાવી કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો હતો. આ તમામ હોદેદારો અને કાર્યકરોએ આગામી નગરપાલીકાની ચુંટણીમાં કોંગ્રેસને વિજય અપાવવા અત્યારથી જ તન-મન-ધનથી કામે લાગી જશું તેવી લાગણી વ્યકત કરી હતી.
ચુંટણીમાં સત્તાધારીને પરાસ્ત કરવા કોંગ્રેસે કમ્મર કસી હોવાની ચર્ચા
અત્રે નોંધનીય છે કે, ભાજપ છોડી કોંગ્રેસમાં પ્રવેશેલા ભાજપના પૂર્વ હોદેદારો અને કાર્યકરોએ સ્થાનીક પાર્ટીના નેતાઓની નિતી-રિતીથી નારાજ થઇને પક્ષ છોડયાનું જાણવા મળેલ છે. તો આવા જ કારણોસર ભાજપના નગરસેવકે પક્ષને છોડી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. આમ લાંબા સમયથી સત્તાનો વનવાસ ભોગવી રહેલ કોંગ્રેસે ટુંકા દિવસોમાં જ ભાજપને વર્તમાન અને પૂર્વ હોદેદારોને પક્ષમાં પ્રવેશ કરાવી ઉપરા છાપરી બે ઝટકા આપી આગામી નગરપાલીકાની ચુંટણી જીતવા કમ્મર કસી એડીચોટીનું જાેર લગાવી રહી હોવાની રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાઓ થઇ રહી છે.
હજુ અનેક વંડી ઠેકવા તૈયાર હોવાની ચર્ચા
હાલ બંન્ને રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી કરવા મથી રહયા છે. એવા સમયે હજુ પણ સત્તાધારી ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં નારાજગીનો ચરૂ ઉકળી રહયો છે. હજુ પણ અનેક નારાજ નેતાઓ અને કાર્યકરો વંડી ઠેકવા તૈયાર બેઠા છે. હાલ આ નારાજ લોકો વિપક્ષી પાર્ટી સાથે બેઠકો કરી ભાવ તાલ કરી રહયા હોવાનું જાણવા મળેલ છે. તો બીજી તરફ અમુક નારાજ નેતાઓ ભાજપની ટીકીટ ફાળવણીની રાહ જાેઇ રહયા છે જે ફાળવણીમાં તેમના ગ્રુપની માંગણી મુજબ મળશે તો પક્ષમાં રહેશે બાકી વંડી ઠેકી જશે તેવી જાેરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews