કેશોદ નગરપાલિકા ચુંટણી માટે રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ પુરજાેશમાં ચાલુ

0

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરી દીધી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા કુલ ૯ વોર્ડનાં ઉમેદવારોને મેદાનમાં ઉતારવા પ્રાથમિક પ્રક્રિયા પુર્ણ કરી દેવામાં આવી છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા હજુ સુધી આખરી મતદારયાદી અને મતદાન મથકોની પ્રસિદ્ધ કરવાની કામગીરી થઈ નથી. કેશોદ નગરપાલિકામાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં કુલ ૬૧૬૩૨ મતદારો ૫૮ મતદાન મથકો ઉપર પોતાની પસંદગીનાં નગરસેવકને પસંદ કરવા મતદાનનો ઉપયોગ કરશે. કેશોદ નગરપાલિકાનાં વોર્ડ નં-૧ માં કુલ મતદારો ૭૯૧૭ વોર્ડ નં-૨ માં કુલ મતદારો ૬૦૮૬ વોર્ડ નં-૩ માં કુલ મતદારો ૬૫૫૯ વોર્ડ નં-૪ માં કુલ મતદારો ૭૧૮૬ વોર્ડ નં-૫ માં કુલ મતદારો ૬૫૨૮ વોર્ડ નં-૬ માં કુલ મતદારો ૭૮૬૨ વોર્ડ નં-૭ માં કુલ મતદારો ૬૧૮૫ વોર્ડ નં-૮ માં કુલ મતદારો ૭૫૧૨ અને વોર્ડ નં-૯ માં કુલ મતદારો ૫૭૯૭ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતા અમલમાં આવી હોવાની જાહેર કરી છે પરંતુ સ્થાનિક તંત્ર જાહેરનામું પ્રસિદ્ધ થયાં બાદ અમલવારી કરશે એવું લાગી રહ્યું છે. કેશોદ નગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ, કેશોદ હિતરક્ષક સમિતિના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવશે ત્યારે અન્ય પક્ષો અને નારાજ કાર્યકરો, આગેવાનો અપક્ષ ઉમેદવાર તરીકે આવશે એવું વર્તાઈ રહ્યું છે. કેશોદ નગરપાલિકા ચૂંટણીમાં એક વોર્ડમાં વીસેક ઉમેદવારો મેદાનમાં આવશે તો બે ઇવીએમ મશીનનો ઉપયોગ કરાશે. કેશોદ નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીમાં ભાજપના અડધાથી વધારે વર્તમાન સભ્યોની ટીકીટ કપાવાની પુરેપુરી શક્યતાઓ વચ્ચે ટીકીટ નક્કી કરાવવા દોડાદોડી ચાલુ થઈ ગઈ છે ત્યારે અમુક આગેવાનો દ્વારા પોતાના સમર્થકોને સામા પક્ષે ગોઠવાઈ જવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે. કેશોદ નગરપાલિકાની મુદત ત્રણેક માસ અગાઉ પુરી થયા બાદ કોવીડ-૧૯નાં કારણે ચૂંટણી પાછી ઠેલાતા વર્તમાન સભ્યોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. કેશોદ નગરપાલિકામાં વર્તમાન સભ્યોની સ્થિતિ મુજબ કુલ ૩૬ સભ્યોમાંથી ૨૬ સભ્યો ભાજપના અને ૧૦ સભ્યો કોંગ્રેસ પક્ષના હતાં. સભ્યોની બહુમતી ભાજપ પાસે હોવાં છતાં સભ્યોનાં અસંતોષને કારણે સામાન્ય સભા કે બજેટ બેઠક બોલાવતાં પહેલાં જીલ્લાનાં આગેવાનોને સમજુતી માટે દોડીને આવવું પડતું હતું. કેશોદ નગરપાલિકાનાં ભાજપના ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી જેમાં ૩૬ બેઠકો માટે ૧૭૦ જેટલાં દાવેદારોએ માંગણી કરી હતી. ભાજપા પ્રદેશ પ્રમુખ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે જાહેર કરેલી નીતિ-રીતિ મુજબ સંખ્યાબંધ કાર્યકરો ટીકીટમાં કપાઈ રહ્યાં છે ત્યારે નારાજગી વિસ્ફોટ બને તો નવાઈ નહીં. કેશોદ નગરપાલિકામાં છેલ્લી ત્રણેક વખત યોજાયેલી ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ થતાં ભાજપને બેઠકોનો ફાયદો થાય છે ત્યારે આ વખતે મતદારો કોનાં ઉપર રીઝશે એ તો આવનારા દિવસોમાં ખબર પડશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!