સોરઠ પંથકનું નજરાણું ગણાતાં અને જયાં વનરાજ કેસરીની સિંહ ગર્જનાથી એક અનેરો આનંદ અને રોમાંચ અનુભવોમાં આવતો હોય છે. અને સિંહનાં દર્શન માટે લોકો દુર-દુરથી આવી પહોંચતા હોય છે. તાજેતરમાં જ જૂનાગઢ ખાતે પણ ગિરનાર નેચર સફારી પાર્ક શરૂ થયું છે. સિંહોના રહેઠાણ એવા અભ્યારણોમાં સિંહ દર્શન માટે સફારીપાર્ક કાર્યરત છે. અને દર વર્ષે પ્રવાસી જનતા તેનો લાભ લીયે છે. જૂનાગઢ ખાતે આવેલા સકકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે પણ સિંહોના દર્શન થાય છે. આમ સિંહોને નિહાળવા માટે પ્રવાસી આવી શકે તેને માટેની આગવી વ્યવસ્થા એટલે સફારી પાર્ક થાય છે. પ્રવાસી જનતાને આકર્ષવા માટે ગુજરાત સરકાર અને પ્રવાસન વિભાગ દ્વારા વિકાસની પ્રક્રિયા પુરજાેશથી ચાલી રહી છે. અઢળક નાણાંનો ખર્ચ કરી અને સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તે આવકાર્ય છે તો બીજી તરફ છેલ્લા કેટલાક વર્ષો થયાં જંગલનાં રાજા વનરાજને જંગલ મુકી અને બહાર નિકળી જવું પડે તેવી સ્થિતિ સતત સર્જાઈ રહી છે. ખોરાકનાં અપુરતા સાધનો જંગલમાં રહયા છે. જેને કારણે અવાર-નવાર ખોરાકની શોધમાં સિંહ પરિવાર આવી જતો હોય છે. તાજેતરમાં જ જૂનાગઢનાં જુદા-જુદા શહેરી વિસ્તારોમાં સિંહે દેખા દીધી છે. આ દરમ્યાન તાજેતરમાં પકડાયેલી શિકારી ગેંગે આઠ માસ પૂર્વે ડુંગરપુરનાં રેવન્યુ વિસ્તારમાં સિંહબાળને ફસાવી તેનો શિકાર કરી નાંખ્યો હોવાની કબુલાત આપતા સનસાટી મચી ગઈ છે અને વન વિભાગ દ્વારા તપાસનાં ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે. આ સાથે એક બાબત સાબીત થઈ છે કે જંગલનાં રાજા સિંહો સલામત છે અને તેમની સુરક્ષા પ્રત્યે પગલા લેવાઈ રહયા છે તેવા વન વિભાગનાં દાવાઓ પોકળ સાબીત થયા છે. અને જેની ગંભીર નોંધ પણ લેવાઈ રહી છે. સુત્રાપાડા તાલુકાના પ્રાંચી નજીક આવેલા ખાંભા ગામની સીમમાં એક સિંહબાળ ફાંસલામાં ફસાયું હતું. અને એ દરમ્યાન વિફરેલી સિંહણે શિકારી ટોળકીના સભ્ય ઉપર હુમલો કર્યો હતો. આ શિકારી ટોળકીનો સભ્ય તાલાલા સારવાર દરમ્યાન નાસી જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. અને વન વિભાગ દોડતું થયું હતું અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યુ હતું. બાદમાં ભાવનગર, સિહોર, બગદાણા તથા જૂનાગઢ વિસ્તારમાંથી ડુંગરપુર તથા થાનગઢ ગામના શિકારી ટોળકીના ૩૮ સભ્યોની અટક કરી હતી. અને તેની પાસેથી ફાંસલા, છરી, સાંકળ તેમજ વન્ય પ્રાણીઓના માંસ તથા અવશેષો મળી આવ્યા હતા. આ શખ્સોની રિમાન્ડ દરમ્યાન ફાંસલાઓ દ્વારકા બનતા હોવાનું અને ત્યાંથી લઈ આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આથી વનતંત્રના સ્ટાફે દ્વારકા જઈ ફાંસલા બનાવનાર વ્યકિતને શોધી તેની પુછપરછ કરતા તેની પાસેથી ફાંસલા લઈ જનાર શખ્સોના નામ મળ્યા હતાં. જેના આધારે વન વિભાગે જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામના સોનૈયા ગુલાબ પરમાર (ઉ.વ.૩૩), વિજય હીરા પરમાર (ઉ.વ.રર), સુલેમાન ગોપી પરમાર (ઉ.વ.૩૭) તથા સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢના લાલજી ગંગા પરમાર (ઉ.વ.૪ર) અને જીવણસિંહ લાલજી પરમાર (ઉ.વ.રર)ની ધરપકડ કરી હતી. આ પાંચેય શખ્સો પાસેથી ફાંસલો મળી આવ્યો હતો. તેની પુછપરછ કરતા તેઓએ સાત-આઠ માસ પૂર્વે ડુંગરપુરના રેવન્યુ વિસ્તારમાં સિંહબાળને ફાંસલામાં ફસાવી તેને મારી નાંખ્યું હતું અને તેના નખ કાઢી ડેમ નજીક કેનાલ કાંઠે વૃક્ષ નીચે દાટી દીધું અથવા પાણીમાં ફેંકી દીધું હોવાની તેમજ સિંહબાળના નખ કરીમ પરમાર નામના શખ્સને પાલનપુર વેંચી નાંખ્યાની કબુલાત આપતા સિંહો સલામત હોવાની તેમજ પુરતું પેટ્રોલીંગ થતું હોવાની ગુલબાંગો ફેંકતા વનતંત્રનો સ્ટાફ પણ ચોંકી ઉઠયો હતો. શિકારી ટોળકીએ સાત-આઠ માસ પહેલા સિંહ બાળનો શિકાર કરી તેના નખ વેંચી નાંખ્યા અને સિંહબાળના અવશેષો દાટી દીધા અથવા ફેંકી દીધાની કબુલાત આપી છે. સિંહબાળના શિકાર થયો અને તેના અવશેષો સગેવગે પણ થઈ ગયા છતાં વન તંત્ર ત્યારે તો ઉંઘતું જ રહયું હતું અને ગુજરાતના ગૌરવ સમાન સિંહો સલામત હોવાના દાવાઓ કરતું રહયું હતું. ત્યારે શિકારી ટોળકીએ સિંહ બાળનો શિકાર કર્યાની કબુલાતથી જ વનતંત્રના દાવાઓ પોકળ સાબીત થયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews