જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નં.૧પની પેટાચૂંટણીમાં ગઈકાલે પ્રચારાર્થે ગયેલા રાજકીય પક્ષનાં કાર્યકર્તાઓ ઉપર હુમલાનો બનાવ બનવા પામેલ હતો અને જેને લઈને પોલીસ ફરીયાદ પણ નોંધાઈ છે આ બનાવ પ્રદીપનાં ખાડીયા વિસ્તારમાં બનવા પામ્યો હતો. કોંગ્રેસનો પ્રચાર કરવા નીકળેલા કોંગ્રેસ ઉમેદવારનાં પુત્ર સહિતનાં કાર્યકરો ઉપર સોડા બોટલ અને પથ્થરો ફેંકાયા હતા જેમાં પાંચ મહિલાઓને ઈજા થઈ હતી. આ બનાવ અંગે ત્રણ મહિલા સહિત ૯ સામે પોલીસ ફરીયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસમાંથી મળેલી વિગત અનુસાર જૂનાગઢનાં બિલખા રોડ રામનિવાસ સ્પે. આઈ.જી.નાં બંગલા પાછળ રહેતા ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધમો લાખાભાઈ પરમાર ઉ.વ.૪૭એ કમલેશ ઉર્ફે મચ્છર સોલંકી, મેહુલ કાંતીલાલ પરમાર, વિજય ઉર્ફે લંગડો, અશોક કાળાભાઈ સાઉ, શાહીલ મોહન સોલંકી, એક અજાણ્યો શખ્સ અને ત્રણ અજાણી મહિલાઓ રહે. તમામ પ્રદિપ ખાડીયા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે આ કામનાં ફરીયાદી તથા સાહેદો ચૂંટણી પ્રચાર માટે ગયા હતા ત્યારે આ કામનાં આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી અને ફરીયાદી તથા સાહેદો પાસે જઈ ઝઘડો કરી, બિભત્સ શબ્દો કહી સોડા બોટલો તથા પથ્થરના ઘા ઝીંકી હુમલો કરતા લીલાબેન, સોનીબેન, રામુબેન, ગલાબેન, વિજયાબેન નામની પાંચ મહિલાઓને શરીરે ઈજા થઈ હતી તેમને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પીટલે ખાતે ખસેડાઈ હતી. દરમ્યાન આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મારામારી અટકાવી દીધી હતી તેમજ વધુ પોલીસ ફોર્સ મંગાવવામાં આવી હતી. ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા અને પોલીસ સ્ટાફે તાત્કાલીક પગલા ભર્યા હતા અને મામલો થાળે પાડયો હતો. આ બનાવનાં હુમલાખોરો સામે ધર્મેન્દ્ર લાખાભાઈ પરમારની ફરીયાદનાં આધારે પોલીસે ઈપીકો કલમ ૩ર૩, ર૯૪ (ખ) ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૩૩૭ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ વોર્ડ નં.૧પની પેટાચૂંટણીમાં એક બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ત્રિપાંખીયો જંગ છે અને ચૂંટણીનું ગરમાગરમ વાતાવરણ પ્રસરી રહેલ છે. ગઈકાલે બનેલા આ હુમલાની ઘટના બાદ આ વિસ્તારમાં કોઈપણ જાતનાં અનિચ્છનીય બનાવ બને નહી અને શાંતિ પ્રવર્તી રહે તે માટે પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews