વેરાવળ પાટણ નગરપાલીકાની રસપ્રદ બની રહેલ ચુંટણી જંગમાં ગઈકાલે ફોર્મ પરત ખેંચવાના દિવસે ત્રીજા મોર્ચા તરીકે ઉભરેલ રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટીના બે સહિત સાત ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા રાજકારણ ગરમાયુું છે. જેથી હવે નગરપાલીકાની ૪૪ બેઠકો ઉપર ૧૧૪ ઉમેદવારો મેદાનમાં રહયા હોવાનું જાણવા મળેલ છે. નગરપાલીકાની ચૂંટણીમાં ત્રીજા મોર્ચા તરીકે ઝંપલાવનાર રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટીની બે પેનલ તુટતા ઝટકો પડયો હોવાનું રાજકીય જાણકારો જણાવી રહયા છે.
વેરાવળ પાટણ નગરપાલીકાની ૪૪ બેઠકો માટે ચુંટણી યોજાનાર છે. ત્યારે સત્તાધારી ભાજપમાંથી ટિકીટ ફાળવણીથી નારાજ થઇ પૂર્વનગરપતિ રવિભાઇ ગોહેલ, પૂર્વઉપપ્રમુખ ઉદયભાઇ શાહની આગેવાની હેઠળ ૧૨ સભ્યોએ ત્રણ વોર્ડમાં પેનલ બનાવી રાષ્ટ્રવાદી પાર્ટીમાંથી નગરપાલીકા ચુંટણી જંગમાં ઝંપલાવેલ હતું. જેના કારણે નગરપાલીકાનો ચુંટણી જંગ ત્રીકોણીયો બની ગયો હતો. દરમ્યાન ગઇકાલે ફોર્મ ચકાસણીમાં ૪૪ ફોર્મ અમાન્ય થયા હતા. જેમાં વોર્ડ નં.૫ ના ભાજપના ઉમેદવાર કેશરબેન ભાનુભાઇ ચુડાસમાએ શૌચાલયનો દાખલો રજુ ન કરતાં ફોર્મ રદ કરાયેલ હતું. જયારે બહુજન સમાજ પાર્ટીના ઉષાબેન લાલજીભાઇ ચાવડાએ યોગ્ય મેન્ડેટ રજૂ ન કરતા ફોર્મ રદ કરાયેલ અને આપના ઉમેદવાર દેવેન્દ્ર માંડા ચોપડાએ ફોર્મ પરત ખેંચેલ હતું.
આ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાં
દરમ્યાન ગઈકાલે ફોર્મ પરત ખેંચવાના દિવસે સાત ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે. જેમાં વોર્ડ નં.૧ માંથી અર્ચના ભાર્ગવભાઇ ભટ, વોર્ડ નં.૩ માંથી હસન અલી મલંગ, વોર્ડ નં.૭ માંથી મનસુખ રામજીભાઇ સુયાણી, વોર્ડ નં.૯ માંથી વિજય સામતભાઇ ગઢીયા, વોર્ડ નં.૧૦ માંથી દિપક નારણ ચાંડેગરા, વોર્ડ નં.૧૧ માંથી દેવીબેન ચુનીલાલ ગોહેલ, અમીત તુલસીદાસ કોટીયાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યાં છે.
અત્રે નોંધનીય છે કે, સોમનાથ ભૂમિની નગરપાલીકા ચુંટણીનો જંગમાં ભાજપથી નારાજ અમુક નેતાઓએ કોંગ્રેસ તો અમુકે અન્ય પાર્ટી અને અપક્ષો તરીકે ઝંપલાવ્યું છે. નગરપાલીકાની ચુંટણીમાં કિંગ મેકર બનવા માટે પૂર્વનગરપતિએ ત્રણ વોર્ડમાં ૧૨ સભ્યો સાથે પેનલ બનાવી રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટીમાંથી ચુંટણી જંગમાં ઝંપલાવતા ત્રીજા મોર્ચા તરીકે ઉપસી રહયુ હતું. એવા સમયે પૂર્વનગરપતિની બે વોર્ડની પેનલના એક-એક સભ્યએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews