Tuesday, September 27

મોંઘવારી વધી ખેડુતોની ખુશીઓ છીનવાઈ

0

વર્ષો જુની કહેવત છે કે મે (વરસાદ) મરણ અને મોંઘવારી ક્યારે આવે કોઈને ખબર ન પડે પણ હાલ જાણે મોંઘવારી ઝડપી ગતિએ વધી રહી છે ખરેખર જે વસ્તુઓમાં મોંઘવારી આવવી જાેઈએ તેના બદલે જીવન જરરીયાતની વસ્તુઓ સસ્તી થઈ રહી છે અને જે જીવન જરૂરી વસ્તુઓનું દિવસ રાત મહેનત કરી તૈયાર કરે છે તેવા અન્નદાતાની ખેત પેદાશોમાં વર્ષોથી ભાવ વધારો જાેવા મળતો નથી. છેલ્લાં એક વર્ષની વાત કરીએ તો ઘરેલું ઉપયોગી રાંધણગેસના ભાવ ગત વર્ષે ૭૧૬ ભાવ હતો જે હાલમાં ૭૮૮ એ પહોંચ્યો છે જે એક વર્ષમાં ૭૧ રૂપિયાના ભાવ વધારા સાથે ગ્રાહકોને કેન્દ્ર સરકાર તરફથી મળતી ૨૧૬ રૂપિયા સબસીડી બંધ કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને મફત ગેસ કનેકશન આપી ગરીબોને મળતું કેરોસીન બંધ કર્યું. હવે સબસિડી બંધ કરી ગરીબોને લૂંટી રહી છે. કેન્દ્ર સરકારે ગેસની સબસીડી બંધ કરી તેમાંથી જ ૩૧૮ કરોડ રૂપિયાની આવક કરી રહી છે, ખરેખર દેશ બદલ રહા હૈ? ઘર ઉપયોગી રાંધણગેસના ભાવ બાબતે કેશોદના ગૃહીણી સલમાબાનુ શાહમદારે જણાવ્યું હતું કે, ઘર ઉપયોગી ગેસ સિલિન્ડરનો ભાવ ૫૦૦ રૂપિયા સુધી હોવો જાેઈએ. પેટ્રોલ ડીઝલના ભાવ બાબતે વાત કરીએ તો એક વર્ષમાં ૧૮થી ૧૯ રૂપિયા જેટલો પ્રતી લીટરે ભાવ વધારો થયો છે. ગત વર્ષે પેટ્રોલના ભાવ રૂા. ૭૦.૧૩ પ્રતિ લીટર હતો જે હાલમાં રૂા.૮૭.૫૭ છે. ડીઝલનો ભાવ ગત વર્ષે રૂા.૬૮.૪૪ હતો જે હાલમાં રૂા. ૮૬.૯૫ છે. હજુ પણ ભાવ વધારો આવશે લોકોના માનવા પ્રમાણે ટુંક સમયમાં પ્રતિ લીટર ૧૦૦ રૂપિયા થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે વાહન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા લોકોને તથા ખેત ઉપયોગી વાહનોમાં ડીઝલનો ભાવ વધારો મોટી આર્થિક નુકશાની વેઠવી પડે છે. આ બાબતે કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામના ખેડુતે પોતાના અભિપ્રાયમાં જણાવ્યું હતું કે મારે ૧૬ વિઘા જમીનછે જેમાં ખેતી માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરૂ છું. દર વર્ષે બસ્સો લીટરથી વધુ ડીઝલનો ઉપયોગ થાય છે જેનો એક વર્ષનો માત્ર ભાવ વધારો ગણીએ તો ચારથી પાંચ હજાર સુધીનો ગણી શકાય. મોટા ભાગના ખેડુતો દ્વારા ઘઉંનું વાવેતર કરવામાં આવે છે પણ ખેડુતોને ઘઉંના પોષણક્ષમ ભાવ મળતા નથી. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પણ ઘઉના બજાર યથાવત જ છે. ગત વર્ષે ઘઉના ઉત્પાદનની શરૂઆતમાં પ્રતિ મણ રૂા.૩૧૫ થી ૩૫૦ સુધીનો ભાવ હતો જે હાલમાં રૂા.૩૨૦થી રૂા.૩૪૦ ભાવ ખેડુતોને મળી રહ્યો છે. જે ગત વર્ષની સરખામણીએ ઘઉંના ભાવમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે જે ખેડુતોની ખુશી છીનવી રહ્યો છે.ઘઉંના ભાવ બાબતે કેશોદ તાલુકા ભારતીય કિસાન સંઘ મંત્રી હરીભાઇ મેનપરાના જણાવ્યા મુજબ ખેતરની ખેડ ખાતર બિયારણ વાવેતર નિંદામણ નાશક દવા, સાતથી આઠ પાણી, મજુરી, વિજળી, ઘઉંની કાપણી અને ફરીથી ખેતરની ખેડ સહિત પ્રતી વિઘે ચારથી પાંચ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે જેની સામે પ્રતી વિઘે ૩૦ થી ૪૦ મણ સુધીનું ઉત્પાદન થાય છે. તે જાેતા ખેડુતોને ઓછામાં ઓછો પ્રતી મણ સરેરાશ ૪૦૦ રૂપીયાથી વધુ ભાવ મળવો જાેઈએ ક્વોલિટી મુજબ રૂા. ૫૦૦ સુધીનો ભાવ હોવો જાેઈએ મોટાભાગના ખેડુતો ખેતી સાથે પશુ પાલન સાથે સંકળાયેલા છે. દુધાળા પશુને ખોળ કપાસીયા ઘાસચારો અને દિવસ રાત દેખભાળ કરે છે. દુધનું વેંચાણ કરે તો સરેરાશ પ્રતી લીટર ૪૦ રૂપિયા ભાવ મળે છે. સુકો તથા લીલો ઘાંસચારો ખોળ કપાસીયા સહીત એક દુધાળા પશુ પાછળ દર મહિને ઓછામાં ઓછો રૂા.૧૦ થી૧૨ હજારનો ખર્ચ થાય છે. જેની સામે એક દિવસનું બે સમયનું દશ લીટર દુધ ગણીએ તો એક દિવસનું ૪૦૦ રૂપિયાનું દુધ થાયછે જે એક મહીનાનું રૂા.૧ર હજારનું દુધ થાય છે એટલે કે જેટલો ખર્ચ એટલી આવક. પશુપાલન કરતા અને કેશોદમાં ગ્રાહકોના ઘરે જઈને દુધનું છુટક વેંચાણ દેવાભાઈ પીઠીયાએ જણાવ્યું હતું કે પ્રતી લીટર ૭૦થી૮૦ રૂપિયા ભાવ મળવો જાેઈએ. લોખંડ હાર્ડવેર સિમેન્ટ ખેત ઓજારો સહિતમાં સતત ભાવ વધારો થઇ રહ્યો છે જેની સામે ખેત ઉત્પાદનોની કિંમતમાં વધારો જાેવા મળતો નથી જ્યારે વર્ષમાં એકાદ વખત શાકભાજીના ભાવમાં તેજી આવે છે તો મોંઘવારી ફાટી નિકળી છે તેવી વાતો થવા લાગે છે પણ આઠ મહીનાથી વધુ સમયથી શાકભાજી મફતના ભાવમાં મળે છે ત્યારે ખેડુતને મજુરી પણ મળતી નથી તેનો કોઈ વિચાર કરતું નથી. હાલમાં પાન મસાલા સોપારીના ભાવમાં પ્રતી મણ બે હજારથી વધુનો ભાવ વધારો ઝીંકાયો છે ૧૮ રૂપિયામાં પાન મસાલો ખાવો પરવડેછે પણ ધાણા જીરૂ ચણા તુવેર મગ અડદમાં ભાવનો ચમકારો આવે તો લોકો કહેછે કે ગૃહીણીઓનું બજેટ ખોરવાયું ભાવ આસમાને પહોંચ્યા પણ તેમાં ભાવ વધારો થશે તો ખેડુતોને પણ તેનો લાભ મળશે તે ન ભુલવું જાેઈએ. સરકાર દ્વારા ખેડુતો માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે. પણ મીસ્ટર ઈન્ડીયાના અનિલ કપુરની જેમ કેમ ક્યાંય દેખાતું નથી? એવું લાગી રહ્યું છે ડીઝીટલ ઇન્ડીયામાં જમાના સાથે તાલ મીલાવતા ખેડુતો આધુનિક ખેતી અપનાવી રહયા છે પણ શું ખરેખર સમૃધ્ધ બન્યાછે ? ખેડુતોની હરીયાળી ક્રાંતિ ક્યારે આવશે? દેશ બદલ રહા હૈ? ખેડુતોને સમૃદ્ધિ તરફ લઈ જવા માટે ખેડુતોના નસીબ ક્યારે બદલશે?

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!