કોરોના કાળ દરમ્યાન પ્રજાએ ભોગવેલી હાડમારી પોલીસનો ખાધેલો માર, અસહનિય દંડની અસર, અને તહેવારોની ઉજવણી કરવા ન દેવાની અસર ચૂંટણીનાં મતદાન ઉપર પડી હતી આથી પ્રજાએ કોરોના વખતે વડાપ્રધાને આપેલી સલાહ ઘરમાં રહો સુરક્ષિત રહો તેના ઉપર અમલ કરી મતદાન માટે પણ બહાર ન નીકળતા રાજકીય પક્ષોના આગેવાનો દોડતા થઈ ગયા હતા અને પાંચ વર્ષ પ્રજાની વાત કાને ન ધરનાર આગેવાનો પ્રજાના કાનમાં જઈ મતદાન કરવા અપીલ કરતા જાેવા મળ્યા હતા. રાજયની ૬ મહાનગરપાલિકા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં ગઈકાલે વહેલી સવારથી મતદાન શરૂ થઈ ગયું હતું. પરંતુ પ્રજા જાણે કોરોના કાળના કરફયુમાં હોય તેમ બહાર ન નીકળતા રાજકીય પક્ષો અને ઉમેદવારોની ચિંતામાં વધારો થયો હતો આથી નેતાઓએ લોકોને મતદાન કરવા બહાર કાઢવા કાર્યકરોને દોડાવ્યા હતા તેમ છતાં તેઓની પણ મતદારો ઉપર કોઈ અસર થઈ ન હતી. ખાસ કરીને ભાજપના નેતાઓ ઓછા મતદાનથી બેબાકળા થઈ જતાં ખુદ અમિત શાહે મતદાન વધારવા સુચના આપી હતી. કોરોના મહામારીના નામે પ્રજાને સતત નવથી દસ મહિના સુધી ભારે હાડમારીનો સામનો કરવો પડયો હતો. આ સમય દરમ્યાન એકપણ તહેવારોની ઉજવણી કરવા દેવામાં આવી ન હતી. માસ્કના નામે પ્રજા પાસેથી તોતિંગ દંડ ફટકારી લૂંટયા હતા. બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવો સતત વધી રહ્યા છે. મોંઘવારી આસમાનને આંબી રહી છે. ત્યારે પ્રજાએ ભોગવેલી અને હાલ પણ ભોગવી રહેલી હાડમારીનો જવાબ મતદાન નહીં કરીને આપ્યો હોય તેમ જણાય છે. પ્રજાનું કહેવું છે કે જયારે અમારે તહેવારોની ઉજવણી કરવી હતી ત્યારે કોરોનાનો ડર બતાવાતો હતો અને હવે જયારે ચૂંટણી યોજવાની થઈ ત્યારે કોરોના ગાયબ કરી દેવાયો. પ્રજા માસ્ક ન પહેરે તો દંડ અને ભીડ ભેગી કરે તો દંડા પડે જયારે નેતાઓ ભીડ ભેગી કરી માસ્ક વિના ખુલ્લે આમ ફરે અને કોરોના ફેલાવે તેમની સામે કોઈ કાર્યવાહી ન થાય ? આવા બેવડા માપદંડથી પ્રજાએ મતદાન કરવાનું ટાળ્યું હતું. એટલે કે કોરોના કાળ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘરમાં રહો સુરક્ષિત રહો એવી આપેલી સલાહનું જાણે કે પ્રજાએ પાલન કરી ઘરમાં રહી મતદાન કરવા જ ગયા ન હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews