પંચાયતી રાજ અને તેની અસરો

0

પંચાયતી રાજ ભારત, નેપાળ વગેરે દક્ષિણ એશિયાઈ દેશોની રાજકીય પ્રથા છે. ભારતમાં ૨૪ એપ્રિલ ૧૯૯૩માં ૭૩મો બંધારણીય સુધારો અમલમાં આવતા પંચાયતી રાજને બંધારણીય દરજ્જાે પ્રાપ્ત થયો. પંચાયતની રચનામાં ગ્રામ પંચાયત પાયાનું સ્વશાસનનું એકમ છે. ગ્રામ વિકાસના કામોની જવાબદારી અને સત્તા પંચાયતો સંભાળે એને પંચાયતી રાજ તરીકે ઓળખવામાં આવે છે. લોકશાહી માર્ગે સામૂહિક વિકાસના કામો કરવાની સત્તા સંભાળતા અને લોકો દ્વારા ચૂંટાયેલા પંચાયતોની વ્યવસ્થાને પંચાયતી રાજ કહેવાય છે. ભારત વિશાળ લોકશાહી દેશ છે. દેશની મોટાભાગની વસ્તી ગામડામાં વસે છે આથી લોકો લોકશાહી પ્રક્રિયાને ભાગીદારી બને અને પોતાની અપેક્ષાઓ પ્રમાણે પોતાનો વિકાસ કરવાની સત્તા મળે એ હેતુથી પંચાયતી રાજની સ્થાપના કરવામાં આવી છે. પંચાયતી રાજની સ્થાપના થતાં ગ્રામીણ સમાજ ઉપર તેની વ્યાપક અસર જાેવા મળે છે. પંચાયતી રાજને લીધે ગ્રામીણ નાગરિકોને પોતાના પ્રતિનિધિઓ પસંદ કરવાની તેમજ પોતાના મતનો ઉપયોગ કરવાની અમૂલ્ય તક મળે છે. પંચાયતના સભ્યો તરીકે ઉમેદવારી કરવાની ગામડાની વિવિધ જ્ઞાતિઓને તક મળે છે. પંચાયતની લોકશાહી ચૂંટણીઓમાં ગ્રામીણ યુવાનો અને શિક્ષિત મહિલા અને પુરૂષોને પણ ઉમેદવારી કરવાની અને ચૂંટાવાની અમૂલ્ય તક પ્રાપ્ત થાય છે. પંચાયતી રાજની સ્થાપના થતાં હવે પંચાયતો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તરીકે કાર્ય કરે છે. પંચાયતોની ચૂંટણી સમયે જુદા જુદા રાજકીય પક્ષો ગામમાં પ્રચાર કરે છે, રાજકીય પક્ષોના અગ્રણીઓ પણ ગામડાઓની મુલાકાત લે છે, સભાઓનું આયોજન કરે છે, પરિણામ ગ્રામીણ લોકો પક્ષપ્રથા, રાષ્ટ્રીય પક્ષો, પક્ષોની સામાજિક આર્થિક નીતિ વગેરે રાજકારણના પ્રશ્નોથી પરિચિત થાય છે. એટલે કે ગામડાના લોકોની રાજકીય સૂઝ સમજણ અને સભાનતામાં વધારો થાય છે. પંચાયતી રાજમાં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોમાં અનામત બેઠકોની જાેગવાઇ હોવાથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને પંચાયતમાં ચૂંટવાની અને સત્તા મેળવવાની એક અમુલ્ય તક પ્રાપ્ત થાય છે. પંચાયતી રાજની સ્થાપના પાછળનો મુખ્ય હેતુ ગ્રામ વિકાસના કાર્યોમાં લોકભાગીદારી કેળવવાનો છે. પંચાયતના સભ્યો સ્થાનિક વિસ્તારના હોય છે આથી તેઓ લોકોની જરૂરિયાતો અને લોકોના પ્રશ્ન વધુ સારી રીતે જાણતા હોય છે. પંચાયતોએ વિકાસકાર્યો સંભાળ્યા પછી ગ્રામ વિસ્તારમાં ખેતીવિષયક સાધનો અને વસ્તુઓ સરળતાથી પહોંચાડવાનું શક્ય બન્યું છે. પરિણામે ખેડૂતો સમૃદ્ધ બન્યા છે. પંચાયતોએ સહકારી પ્રવૃત્તિઓને વેગવંતી બનાવવામાં અગત્યનો ફાળો આપ્યો છે. આમાં પંચાયતી રાજ એ પ્રજાની ઉન્નતિ માટેનો રસ્તો છે. પંચાયતી રાજ એ વિશ્વ સમક્ષ લોકશાહીનો એક નવો જ દ્રષ્ટિકોણ રજુ કરે છે. ટૂંકમાં પંચાયતી રાજ એટલે સત્તાનું વિકેન્દ્રીકરણ. જેમાં જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ અને ગ્રામકક્ષાએ લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી પંચાયતો સ્થાપવી અને ગામડાના વિકાસને લગતા કામો ચલાવવાની સત્તા તેમને સોંપવી. આમ ગ્રામ વિકાસના કામોની જવાબદારી અને સત્તા પંચાયતો સંભાળે એને પંચાયતીરાજ તરીકે ઓળખવામાં આવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!