ધોરણ ૧૦ અને ૧રની પરીક્ષા રમઝાન ઈદના તહેવાર બાદ લેવાય ઃ કોંગી ધારાસભ્યોની શિક્ષણમંત્રીને રજૂઆત

0

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મે મહિનામાં લેવાનારી ધોરણ ૧૦ અને ધોરણ ૧રની પરીક્ષા દરમ્યાન ૧૪ એપ્રિલના રોજથી રમઝાન માસ શરૂ થતો હોવાથી તેમજ ૧૪ મેના રોજ સંભવતઃ ઈદનો તહેવાર આવતો હોવાથી આ બંને ધોરણની પરીક્ષા રમઝાન ઈદના તહેવાર બાદ લેવાય તે માટે યોગ્ય નિર્ણય કરવા ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ શિક્ષણ મંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પત્રમાં જણાવ્યું છે કે વૈશ્વિક મહામારી કોરોનાના કારણે સમગ્ર દેશ અને રાજયમાં શૈક્ષણિક કાર્યો સહિત તમામ કાર્યક્રમો ખોરવાઈ ગયા છે. કોરોના મહામારીના કારણે તમામ વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર ભારે અસર પડી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧રની પરીક્ષા તા.૧૦-પ-ર૦ર૧થી તા.રપ-પ-ર૦ર૧ દરમ્યાન લેવાની જાહેરાત કરવામાં આવેલ છે. જાે કે તા.૧૪-૪-ર૦ર૧ના રોજથી સંભવતઃ પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થઈ રહ્યો છે. અને તા.૧૪-પ-ર૦ર૧ના રોજ સંભવતઃ રમઝાન ઈદનો પવિત્ર તહેવાર છે. લઘુમતી સમાજના લોકો રમઝાન માસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરે છે. ત્યારે ધોરણ-૧૦ અને ધોરણ-૧રનો જાહેર થયેલ પરીક્ષા કાર્યક્રમ રમઝાન માસની ઉજવણી ઉપર અસર કરી શકે તેમ છે. જેથી રમઝાન માસ અને રમઝાન ઈદના પવિત્ર તહેવારને ધ્યાને રાખી ધોરણ-૧૦ અને ધોરણ-૧રની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવો અત્યંત જરૂરી જણાતો હોઈ ધોરણ-૧૦ અને ધોરણ-૧રની પરીક્ષા રમઝાન ઈદના પવિત્ર તહેવાર બાદ લેવાય તે માટે યોગ્ય નિર્ણય કરવા અને પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરાવવા મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને વિનંતી કરી હતી. આ બંને ધારાસભ્યોની રજૂઆત બાદ શિક્ષણ મંત્રીએ યોગ્ય કરવા ખાતરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ કોરોનાના કારણે તમામ ધર્મના તહેવારોની ઉજવણી લોકોએ ઘરોમાં જ કરવી પડી હતી. એ જ રીતે મુસ્લિમ સમાજે રમઝાન માસ અને ઈદનો તહેવાર ઘરમાં જ મનાવ્યો હતો. આથી રાજયભરના મુસ્લિમ સમાજની પણ લાગણી છે કે ચાલુ વર્ષ પરીક્ષાના કારણે વિદ્યાર્થીઓની તહેવારની ઉજવણી ઉપર અસર ન કરે તે માટે પરીક્ષા ઈદના સપ્તાહ બાદ લેવી જાેઈએ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews