શ્રી જાગનાથ જૈન સંઘનાં ઉપક્રમે આગમ સૂત્ર આચારાંગ સૂત્રનાં ૧ર ભાગોનું વિમોચન કરાયું

0

ભગવાન મહાવીરનો અદ્દભૂત અને ગંભીર ઉપદેશ જે ગ્રંથોમાં સમાયેલો અને સચવાયેલો છે તેને ‘આગમ’ કહેવાય છે. હાલના સમયમાં આવા ‘૪પ’ આગમો ઉપલબ્ધ છે. આ આગમોમાં સૌથી પહેલું આગમ એટલે આચારાંગ સૂત્ર, આ સૂત્રોમાં પ્રભુવીરની વાણી સાક્ષાત પડઘાય છે. અધ્યાત્મ માર્ગે આગળ વધવા ઈચ્છતા સાધકોને બહુ અદ્દભૂત માર્ગદર્શન આ સૂત્રોમાં આપવામાં આવ્યું છે. સાથે જૈન સાધુઓના આચાર અને વ્યવહારને પણ સુરેખ રીતે નિરૂપવામાં આવ્યો છે. આ સૂત્રો ‘અર્ધમાગધી’ ભાષામાં ૨૫૦૦ વર્ષ પૂર્વે રચાયા છે અને ખૂબ ગૂઢ-ગંભીર રહસ્યોથી ભરેલા છે. પ્રભુવીરનો સંદેશ આ આગમ સૂત્રો દ્વારા જ વર્તમાન સમય સુધી પહોંચ્યો છે. આ આગમને સ્પષ્ટ કરવા માટે, તેના રહસ્યોને ઉજાગર કરવા માટે અનેક પ્રકારનું વ્યાખ્યાસાહિત્ય લખાયું છે. તેમાં સૌથી પ્રાચીન વ્યાખ્યા એટલે ‘ચૂર્ણિ’. આ પ્રાકૃત ભાષામાં લખાઈ છે અને તેમાં ઘણા જ ઐતિહાસિક-ધાર્મિક-વૈજ્ઞાનિક રહસ્યો છૂપાયેલા છે. આ સાહિત્યને પ્રાચીન હસ્તપ્રતો/ હાથે લખાયેલ પ્રાચીન સાહિત્યના આધારે સંશોધિત કરવાની વર્ષોથી જરૂર હતી. ઘણું જ શ્રમસાધ્ય આ કાર્ય કોઈ સંશોધકની વાટ જાેઈ રહ્યું હતું. શ્રીજાગનાથ જૈન સંઘમાં બિરાજમાન પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશોવિજયસુરીશ્વરજી મહારાજાના આશિર્વાદથી તેમના જ પ્રથમ શિષ્યરત્ન પૂજ્ય મુનિ અનંતયશવિજયજી મહારાજે આ કાર્ય કરવાનું બીડું ઝડપ્યું અને આખરે બાર વર્ષની ભારે જહેમત પછી આચારાંગ સૂત્ર-પહેલા આગમની ચૂર્ણિ તથા વ્યાખ્યા-બન્ને ગ્રંથોનું સંશોધન તેમણે પરિપૂર્ણ કર્યું. આ રવિવારે તે ગ્રંથનું બાર વિભાગમાં ભવ્ય વિમોચન શ્રીજાગનાથ જૈન સંઘના આંગણે યોજાઈ ગયું. શ્રી જાગનાથ જૈન સંઘના ટ્રસ્ટીગણ, શ્રી પ્રહલાદપ્લોટ જૈન સંઘના ટ્રસ્ટીગણ તથા શ્રી પંચવટી જૈન સંઘના ટ્રસ્ટીગણ-આદિના હસ્તે આ વિમોચન સંપન્ન થયું. આ તકે પૂજ્ય આચાર્યભગવંતએ જણાવ્યું કે, આજના જ દિવસે આ ગ્રંથોનું વિમોચન અમદાવાદ મુકામે પણ થઈ રહ્યું છે. ત્યાં પૂજ્ય ગચ્છાધિપતિ રાજેન્દ્રસુરીશ્વરજી મહારાજ, પૂજ્ય સંઘ શાસન કૌશલ્યાધાર જયસુંદરસૂરીશ્વરજી મહારાજ આદિના આશિર્વાદથી ભવ્ય મહોત્સવનું આયોજન થયું છે. મુનિશ્રી હાલ અમદાવાદમાં જ બિરાજમાન છે. તેમના સંયમજીવનના ૨૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. સાથે વર્ધમાન તપની ૧૦૦મી ઓળીનું પારણું પણ તેમનું થવા જઈ રહ્યું છે. તપની દુનિયામાં વર્ધમાન તપની ૧૦૦ ઓળી એક અઘરૂ અને લાંબું તપ છે જે કરતા કમ સે કમ ૧૫ વર્ષ જેટલો સમય લાગી જાય છે. મુનિરાજ અનંતયશવિજયજીના સંયમજીવનના ૨૫ વર્ષ પૂર્ણ કરી, વર્ધમાન તપની ૧૦૦ ઓળી પૂર્ણ કરી આચારાંગ સૂત્રના કાર્યને પણ સંપન્ન કરી શકયા છે તે તેમની ધીરજ, સાત્વિકતા, દ્રઢ નિશ્ચય વગેેરેના કારણે શક્ય બન્યું છે. આ પ્રસંગે સર્વેએ મુનિભગવંતના પુરૂષાર્થની અનુમોદના કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!