રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પ માર્ચે ૧૮પ૩૭ ઓરડાની ઘટ અને હવે ૯૪૦પની ઘટ દર્શાવાઈ !

0

રાજ્ય સરકારના દરેક ક્ષેત્રે વિકાસમાં અગ્રેસરના દાવાની પોલ ખોલતી હકીકત જ નહીં પરંતુ રાજ્યની સ્થિતિનું ખરૂ ચિત્ર એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે, ઉત્સવો-તાયફાઓમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરતી સરકાર પાસે શિક્ષણ જ્યાંથી અપાય છે તેવી શાળાઓમાં ઓરડાઓ બનાવવાના પૈસા જ નથી. ધારાસભ્યો પ્રશ્નો પૂછે તેના જવાબમાં સરકારી દફતરેથી જે વિગત અપાય છે તેમાંથી જ અસલ હકીકત બહાર આવે છે તો તેમાં પણ વિરોધાભાસ જાેવા મળે તો શું સમજવું ? સરકાર પોતાની સ્થિતિ છૂપાવવા માંગે છે તે સ્પષ્ટ થાય છે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ર૦૧પમાં ૮૩૮૮ ઓરડાઓની ઘટનો જવાબ આપનાર સરકારે ર૦૧૮માં ૧૬૦૦૮ ઓરડાની ઘટ જણાવી હતી. તે બાદ વર્તમાન બજેટ સત્રમાં તા. પ માર્ચે રાજ્યમાં કુલ ૧૮પ૩૭ ઓરડાની ઘટ હોવાનો જવાબ આપનાર સરકારના મંત્રી હવે તા.૧પ માર્ચે ૯૪૦પ ઓરડાની ઘટ જણાવે છે. એટલે કે પ્રથમ નજરે જ રાજ્યમાં ઓરડાઓની ઘટ વધી હોવાનું જણાય છે તે છૂપાવવા આવા વિરોધાભાસી જવાબ અપાયાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના જવાબમાં શિક્ષણ મંત્રીએ આપેલ વિગત પ્રમાણે રાજ્યભરની સરકારી પ્રાથમિક શાળાઓમાં કુલ ૯૪૦પ ઓરડાઓની ઘટ છે. જેમાં સૌથી વધુ આદિવાસી બહુમતીવાળા બનાસકાંઠા જિલ્લામાં ૧૦૮૭ ઓરડાની ઘટ તે પછી બીજા ક્રમે આવા જ અન્ય આદિવાસી જિલ્લા દાહોદમાં ૬૬ર ઓરડાની ઘટ દર્શાવાઈ છે. જ્યારે ચાલુ બજેટ સત્રમાં ગત તા.પમી માર્ચના રોજ પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં શિક્ષણમંત્રીએ લેખિતમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં કુલ ૧૮પ૩૭ ઓરડાઓની ઘટ છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠામાં ૧પપપ, બીજા ક્રમે દાહોદમાં ૧૪૭૭ અને ત્રીજા ક્રમે પંચમહાલમાં ૧૧૯૪ ઓરડાની ઘટ દર્શાવાઈ હતી. આ બંને દિવસોના પ્રશ્નોમાં તા.૩૧-૧ર-ર૦ર૦ની સ્થિતિએ શું સ્થિતિ છે તે પૂછવામાં આવેલ હોવા છતાં બંનેમાં અલગ-અલગ વિરોધાભાસી જવાબ અપાતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ તા.પ-૩-ર૦૧૮માં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણમંત્રીએ રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ૧૬,૦૦૮ ઓરડાઓની ઘટ જણાવી હતી. જે ર૦૧પ કરતાં લગભગ ડબલ થઈ ગઈ હતી. આમ રાજ્યની શાળાઓમાં ઓરડાઓની ઘટ વધી રહી હોઈ સરકારને ઓરડા બનાવવામાં રસ છે કે કેમ તેવો પ્રશ્ન ઊભો થાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!