જૂનાગઢ જીલ્લા પંચાયતનાં પ્રમુખ પદે શાંતાબેન ખટારીયા અને ઉપપ્રમુખ પદે વિપુલકુમાર કાવાણીનાં નામોની જાહેરાત

0

જૂનાગઢ સહીત રાજયભરમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત થયા બાદ હોદેદારોની વરણીની પ્રક્રિયા શરૂ થઈ છે અને જેના ભાગરૂપે જૂનાગઢ જીલ્લા પંચાયત તેમજ જૂનાગઢ તાલુકા પંચાયતના હોદેદારોની વરણીનો તખ્તો તૈયાર કરવામાં આવેલ છે. આજે જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલનાં અધ્યક્ષ સ્થાને જીલ્લા પંચાયતનાં ચુંટાયેલા સભ્યોની બેઠક યોજાઈ હતી. અને કિરીટભાઈ પટેલ દ્વારા પ્રદેશ કક્ષાએથી મળેલા વ્હીપનાં આધારે જૂનાગઢ જીલ્લા પંચાયત અને જૂનાગઢ તાલુકા પંચાયતનાં હોદેદારોનાં નામોની જાહેરાત કરી હતી જેમાં જૂનાગઢ જીલ્લા પંચાયતનાં પ્રમુખ તરીકે કણજા બેઠકનાં શાંતાબેન દિનેશભાઈ ખટારીયા, ઉપપ્રમુખ પદે સરસઈ બેઠકનાં વિપુલકુમાર છગનભાઈ કાવાણી, કારોબારી ચેરમેન તરીકે સરદારગઢ બેઠકનાં કંચનબેન લખમણભાઈ ડઢાણીયા, પક્ષનાં નેતા તરીકે ચુડા બેઠકનાં કુમારભાઈ સુરગભાઈ બસીયા, દંડક તરીકે કુકસવાડા બેઠકનાં હીરાભાઈ લખમણભાઈ સોલંકીનાં નામોની સત્તાવાર જાહેરાત કરી હતી.
જયારે જૂનાગઢ તાલુકા પંચાયતનાં પ્રમુખ પદે ડુંગરપુર બેઠકનાં મુકતાબેન હરીભાઈ પરમાર, ઉપપ્રમુખ પદે ચોરવાડી બેઠકનાં દયાબેન દિલીપભાઈ ઠુંમર, કારોબારી ચેરમેન તરીકે સુખપુર બેઠકનાં રસીકભાઈ વેલજીભાઈ ગજેરા, પક્ષના નેતા તરીકે ગોલાધર બેઠકનાં કેતનભાઈ ભનુભાઈ સુખડીયા, દંડક તરીકે ઈવનગર બેઠકનાં મધુબેન વેલજીભાઈ પાથરનાં નામોની સત્તાવાર જાહેરાત કરી હતી. આવતીકાલે જૂનાગઢ જીલ્લા પંચાયત અને જૂનાગઢ તાલુકા પંચાયતનું બોર્ડ મળશે અને તેમાં સત્તાવાર રીતે જાહેર થયેલા પ્રમુખ, ઉપપ્રમુખ સહીતનાં હોદેદારો પોતાનો ચાર્જ સંભાળશે એમ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું.
આજે જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે એક પત્રકાર પરીષદમાં કિરીટભાઈ પટેલે સ્પષ્ટ બહુમતી વાળી જૂનાગઢ જીલ્લા પંચાયતની નવી ટીમ માટેની તૈયારીના ભાગરૂપે પ્રમુખના નામની જાહેરાત કરી હતી. આ ઉપરાંત જૂનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય ૮ તાલુકા પંચાયતનાં હોદેદારોની નામોની પણ જાહેરાત થનાર છે. ગત તા.ર૯ ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચુંટણી યોજવામાં આવી હતી અને ત્યારબાદ તા.ર ના રોજ મતગણતરી પ્રક્રીયા હાથ ધરાઈ હતી જેમાં સ્થાનીક સ્વરાજની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ સોળે કળાએ ખીલી ઉઠયું હતું. જૂનાગઢ જીલ્લા પંચાયતની કુલ ૩૦ બેઠકો પૈકી એક બેઠક ચુંટણી પહેલા જ બીનહરીફ થઈ હતી અને ર૯ બેઠકોની ચુંટણી યોજાઈ હતી. ચુંટણી પરીણામ બાદ કુલ ૩૦ બેઠકો માંથી ભાજપને રર, કોંગ્રેસને ૬ અને અપક્ષને બે બેઠક મળી હતી. આમ જૂનાગઢ જીલ્લા પંચાયતમાં ભાજપની શાસન આવ્યું છે અને આજે જૂનાગઢ જીલ્લા પંચાયતના પ્રમુખના નામની જાહેરાત જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલે કરી હતી. આ ઉપરાંત જૂનાગઢ તાલુકા પંચાયતની કુલ ૧૮ બેઠકો પૈકી ૧૩ બેઠક ભાજપને બે બેઠક કોંગ્રેસને અને ત્રણ બેઠક આમ આદમી પાર્ટીને મળી છે.
આજે ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલનાં અધ્યક્ષ સ્થાને મળેલી મીટીંગમાં જૂનાગઢ મનપાનાં મેયર ધીરૂભાઈ ગોહેલ, કેશોદનાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, વંદનાબેન મકવાણા, માધાભાઈ બોરીચા, નટુભાઈ પટોળીયા સહીતનાં ભાજપનાં આગેવાનો અને કાર્યકરો તેમજ ચુંટાયેલા તમામ સદસ્યો ઉપસ્થિત રહયા હતાં.
સ્વાગત પ્રવચન હિરેનભાઈ સોલંકી દ્વારા કરાયું હતું. જૂનાગઢ જીલ્લા પંચાયત અને જૂનાગઢ તાલુકા પંચાયતનાં હોદેદારોનાં નામોની જાહેરાત થયા બાદ આ સદસ્યોનું અભિવાદન કરાયું હતું તેમ જૂનાગઢ જીલ્લા ભાજપ મિડીયા સેલનાં ઈન્ચાર્જ ભરતસિંહ વાંકની યાદીમાં જણાવાયું
છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews