પ્લમ્બીંગ કામનાં રૂા. ર લાખ ન ચૂકવતાં વંથલીના યુવાને કરેલ આપઘાત કરવાનાં બનાવને પગલે ગુનો દાખલ

0

વંથલીના ઓઝત વિયર ડેમમાંથી ત્રણ દિવસ પહેલાં ગુમ થયેલ યુવાનની લાશ મળી આવતાં પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી મળીતી વિગતો મુજબ મૃતક યુવાને કોડીનારમાં કરેલ પ્લમ્બીંગ કામના રૂા. ર લાખ ન મળતાં અને વંથલીનો એક શખ્સ તેને પૈસા આપવામાં ગલ્લાતલ્લા કરતો હોવાથી યુવાને આપઘાત કરતાં પહેલાં પોતાનો વિડીયો ઉતારી અને ડેમમાં ઝંપલાવી જીંદગી ટૂંકાવી દીધી હતી. વંથલીના દલિતવાસમાં રહેતા રીક્ષા ચાલક રાજેશભાઈ મંગાભાઈ વાણવીએ અત્રેના વણકરવાસમાં રહેતા સંજય મંગાભાઈ મકડીયા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે રાજેશનો ભાઈ રમેશ મંગાભાઈ વાણવી પ્લમ્બીંગનું કામ કરતો હતો અને સંજય સાથે કોડીનારમાં કરશન સોલંકીની શાળાનાં પ્લમ્બીંગનું કામ રાખ્યું હતું. દોઢ માસ પહેલાં આ કામ પુરૂં થયું હતું અને બાદમાં તેની મજુરીના નીકળતા રૂા. ર લાખ આપવામાં સંજય ગલ્લાતલ્લા કરતો હતો જેને લઈ કંટાળી રમેશે તા. ૧૩ ના રોજ ઘરેથી નિકળી ગયો હતો. રમેશ લાપત્તા બનતાં તેના ગુમ થયાની જાણ પોલીસમાં કરવામાં આવી હતી. દરમ્યાન જય ભીમ નામના એક વોટ્‌સએપ ગૃપમાં રમેશે એક વિડીયો મુકયો હતો જેમાં સંજય મકડીયા રૂા. ર લાખ આપતો ન હોવાથી આપઘાત કરી રહ્યાનો વિડીયો ઉતારીને આપઘાત કરી રહ્યો હોવાનું જણાવતાં તપાસ કરવામાં આવી હતી. રમેશનું બાઈક, મોબાઈલ, ચંપલ ઓઝતવિયર ડેમના પાળા ઉપરથી મળી આવતાં તરવૈયાની મદદથી પાણીમાં શોધખોળ કરતાં ડેમમાંથી રમેશનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવનાં અનુસંધાને રાજેશભાઈ મંગાભાઈ વાણવીએ સંજય મંગાભાઈ મકડીયા વિરૂધ્ધ પોતાના ભાઈ રમેશભાઈને મરવા માટે મજબુર કરવા અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૩૦૬ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ વંથલીના પીએસઆઈ બી.કે.ચાવડા ચલાવી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews