જાે તમે પાણી બચાવશો તો પાણી તમને બચાવશે

0

આજે ૨૨ માર્ચ એટલે વિશ્વ જળ દિવસ. પાણી બચાવવું એ આપણી નૈતિક ફરજ છે. જાે આ ફરજ આપણે અત્યારે ચૂકી જઈશું તો ભાવિ પેઢી માટે ખતરો સમાન રહેશે. સમગ્ર દુનિયામાં દર વર્ષે ૨૨ માર્ચના દિવસે વિશ્વ જળ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવે છે. ૧૯૯૨માં બ્રાઝિલના રિયો ડી જાનરોમાં પાણી અંગેની વૈશ્વિક પરિષદ યોજવામાં આવી હતી અને યુનોના નેજા હેઠળ વર્લ્ડ વોટર કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં દર ૨૨ માર્ચ વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવાનું એવું નક્કી કરવામાં આવ્યું હતું. પાણીનું રક્ષણ અને તેની જાળવણી ઉપર લોકજાગૃતિ કેળવવા માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાય છે. એક કહેવત છે કે, પાણીની બચત એજ ભાવિ પેઢીની હયાતીનું પ્રમાણ છે. જાે આપણે પાણીનો બેફામ ઉપયોગ કરીશું તો આવનારા દિવસોમાં જળ સંકટની પરિસ્થિતિ ઊભી થશે. આમ જાેઈએ તો પૃથ્વી ઉપર ૭૦ ટકાથી પણ વધારે પાણી છે પરંતુ આ પાણી પીવા યોગ્ય નથી શહેરીકરણ ઉદ્યોગીકરણ વધતી જતી વસ્તી વગેરે પરિબળોને કારણે પાણીના સ્ત્રોતો દિનપ્રતિદિન ઘટી રહ્યા છે અને પાણી પણ પ્રદૂષિત થઈ રહ્યું છે. તે માટે લોકો પોતે જ જવાબદાર છે. પાણી બચાવવું એ આજની વૈશ્વિક સમસ્યા બની છે અને આ સમસ્યાનો ઉકેલ માત્રને માત્ર પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જ રહ્યો. જ્યાં પાણી હશે ત્યાં ખુશી અને સમૃદ્ધિ હશે તો આ ખુશી અને સમૃદ્ધિ કાયમી ટકાવી હોય તો એનું આયોજન આજથી જ કરવું પડશે એટલે કે પાણી બચાવવું પડશે. આપણે દર વર્ષે કુદરત તરફથી મળતા કુદરતી પાણીનો સ્ત્રોત જાળવી રાખવો જાેઈએ અને વરસાદી પાણીનો સંગ્રહ કરવો જાેઈએ. સાથોસાથ વધુમાં વધુ વૃક્ષારોપણ કરી વરસાદી પાણીનો સંગ્રહ કરવાની અને તેનો પ્રચાર-પ્રસાર કરવાની આવશ્યકતા રહે છે. પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવો તે માટે લોકજાગૃતિ કેળવવા ધર્મના વડાઓ શૈક્ષણિક સંસ્થાઓના વડાઓ સમાજના આગેવાનોએ નેતૃત્વ પુરૂ પાડવું જાેઈએ. જળ એજ જીવન છે પરંતુ એનું સંચય કરી માવજત કરવું એ આપણા મનુષ્યના હાથમાં રહેલું છે. આપણા દેશની દરેક વ્યક્તિ જાે સ્વેચ્છાએ પાણી બચાવવાની ઝુંબેશ હાથ ધરે તો ભાવિ જળ સંકટની સ્થિતિ ટાળી શકાય છે. પાણી અમૂલ્ય છે દુનિયાની દરેક જીવ સૃષ્ટિ પાણી ઉપર ર્નિભર છે. પાણી બચાવવા અંગે જાગૃતિ લાવવા માટે વિશ્વ જળ દિવસ ઉજવાય છે. વિશ્વ જળ દિવસ ત્યારે જ સાર્થક થઈ શકે જ્યારે આપણે પાણીના રક્ષણનું ખરેખર મહત્વ સમજીએ અને તેને પોતાના જીવનમાં ઉતારીને તેના પ્રત્યે આભારી રહીએ. ૨૨ માર્ચ વિશ્વ જળ દિવસને જળ સંરક્ષણના સંકલ્પનો દિવસ તરીકે ઉજવાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!