મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લેતું જૂનાગઢનું પ્રતિનિધિ મંડળ, જૂનાગઢ શહેરના વિવિધ પ્રશ્નો અંગે સફળ રજુઆત કરી

0

જૂનાગઢનાં જૈન અગ્રણીઓ અને હિન્દુ સમાજના અગ્રણીઓએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને જૂનાગઢનાં કેટલાક પ્રશ્નો રજુ કર્યા હતા. જૂનાગઢના જૈન અગ્રણી પ્રો. વી.એસ. દામાણીની આગેવાનીમાં જૂનાગઢના અગ્રણી એડવોકેટ અને વનમેન આર્મીના કિરીટભાઈ સંઘવી, જૈન દાર્શનીક સુરેશભાઈ કામદાર, મૂર્તિપૂજક સંઘના પ્રમુખ દિનેશભાઈ શેઠ, લલીતભાઈ સંઘવી, વિજયભાઈ શાહ, માકાભાઈ સુખડીયા, રામચંદ્ર મઠના મહંત તથા ગિરનાર અંબાજીના લઘુ મહંતના ડેલીગેશને મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મેંદરડાનાં મહિલા અગ્રણી અને ભાજપના સંનિષ્ઠ કાર્યકર ડોલીબેન અજમેરાએ મુખ્યમંત્રીનો સમય મેળવી આપી મુલાકાત માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરાવી આપી હતી. જૂનાગઢના કેટલાક પાયાના પ્રશ્નોની રજુઆત વકીલ કિરીટભાઈ સંઘવીએ કરી હતી અને ખાસ કરીને ગીરનાર ડેવલપમેન્ટ કમિટીમાં જૈન પ્રતિનિધી લેવા સંબંધે જૈન અગ્રણી પ્રો. દામાણી, સુરેશભાઈ કામદારે અસરકારક રજુઆત કરી હતી. મુખ્યમંત્રીએ હકારાત્મક અભિગમ દાખવી આ બાબતે યોગ્ય કરવા જણાવ્યું હતું. અંબાજીના લઘુમહંત અને રામચંદ્રજી મંદિરના મહંતે માં અંબાની પ્રસાદી મુખ્યમંત્રીને આપી હતી. આ તકે વિજયભાઈ અને અંજલીબેને રોપવેના ઓપનીંગ વખતે આવેલ ત્યારે પૂજા વિધી કરાવેલ હતી તેની સ્મૃતિ કરાવી હતી. મુખ્યમંત્રીએ હળવા વાતાવરણમાં સમગ્ર ડેલીગેશનની રજુઆત સાંભળી હતી. એડવોકેટ કિરીટભાઈ સંઘવીએ જૂનાગઢના રસ્તા બાબતે ઉગ્ર રજુઆત કરી હતી કે જૂનાગઢની જનતા હવે રસ્તાના પ્રશ્ને ત્રાહીમામ પોકારી ગઈ છે ત્યારે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે હજુ ગેસની પાઈપલાઈન અને નર્મદાનું કનેકશન આપવાનું છે માટે થોડો સમય તકલીફ રહેશે. આમ છતાં આ બાબતે તાત્કાલીક કાર્યવાહી કરવા જૂનાગઢ મનપા કમિશ્નરને સુચના આપશે તેમ જણાવ્યું હતું. વિધાનસભા સત્ર ચાલુ હોવા છતાં રિસેષના સમયમાં શાંતિપૂર્વક મુખ્યમંત્રીએ ડેલીગેશનની રજુઆત સાંભળી હતી એટલું જ નહીં પરંતુ શુભેચ્છા મુલાકાતની યાદગીરીરૂપે ફોટોગ્રાફરને બોલાવી સમુહ ફોટોગ્રાફ પણ લેવડાવેલ હતો. મેંદરડા વિસ્તારના ભાજપનાં મહિલા કાર્યકર અને જૂનાગઢ જિલ્લાના વગદાર મહિલા કાર્યકર ડોલીબેન અજમેરાએ મુખ્યમંત્રીને સુચન કર્યું હતું કે, કોરોનાને કારણે સ્કુલ, કોલેજાે બંધ કરી દીધી છે પરંતુ જૂનાગઢ શહેર અને જીલ્લામાં ટયુશન કલાસીસ હજુ ચાલુ જ છે અને તેમાં વિદ્યાર્થીઓને ઠસોઠસ ભરવામાં આવે છે. આ અગે મુખ્યમંત્રીએ આશ્ચર્ય વ્યકત કરી તાત્કાલીક કાર્યવાહી કરાશે તથા ટયુશન કલાસીસ ઉપર કોરોનાને લઈ રાજય સરકારે કડક પ્રતિબંધ મુકયો હોવાનું જણાવ્યું હતું. મુલાકાત દરમ્યાન જૈન મુખ્યમંત્રી સંવેદશનશીલ છે તેવું જણાયું હતું. મુખ્યમંત્રીની ચેમ્બરમાં મુલાકાત સમયે કિરીટભાઈ સંઘવીને જાેઈ મુખ્યમંત્રીએ પુછયું કે તમે પણ આવેલ છો ત્યારે કિરીટભાઈ સંઘવીએ ‘ઓળખાણ પડી?’ કહેતાં જ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાલનાં સંઘવીને કઈ રીતે ભૂલાય? અને રાજકોટના સંઘવી પરિવારના સભ્યો સાથેનો નાતો પણ તેમણે વગોળ્યો હતો. આ તકે અંબાજીના મહંતે માં અંબાના સતત આશીર્વાદ વરસે તેવા આશીર્વાદ આપ્યા હતા. મુખ્યમંત્રીએ જાણે ઘરના જ સભ્યો હોય તે રીતે ડેલીગેશનને સાંભળી આવેદનપત્ર ઉપર સંબંધિત વિભાગને જરૂરી સુચનાઓ આપવાનું જણાવ્યું હતું. જૂનાગઢના રસ્તાઓ બાબતે રજુઆત દરમ્યાન રાજય સરકાર પણ ચિંતિત હોવાનું જણાયું હતું અને ટુંક સમયમાં જ જૂનાગઢ શહેરના રસ્તાઓ એકદમ સરસ બની જશે તેવી આશા પણ મુખ્યમંત્રીએ વ્યકત કરી હતી. મુલાકાત પૂર્ણ થતાં મુખ્યમંત્રીએ ટકોર કરી હતી કે રોપવેમાં બધા જઈ આવ્યા કે
કેમ ? રોપવે કેવું ચાલે છે? ત્યારે પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતું કે રજાના દિવસોમાં બે થી ત્રણ કલાક લાઈન રહે છે અને દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે. આ સાંભળી મુખ્યમંત્રીએ સંતોષ વ્યકત કર્યો હતો કે જૂનાગઢની જનતાનું લાંબા સમયનું સ્વપ્ન પુરૂં થયું તેનો આનંદ છે. રાજયના મુખ્યમંત્રી સમગ્ર ગુજરાત રાજયના પ્રશ્નોથી ઘેરાયેલા હોય ત્યારે પણ જૂનાગઢ પ્રત્યેનો તેનો લગાવ સ્પષ્ટ દેખાતો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews