જગવિખ્યાત સોમનાથ આવતા લાખો પ્રવાસીઓની ન્યુનત્તમ ખર્ચ દિવ ફરવા જવાની તમન્ના સોમનાથ મંદિર ટ્રસ્ટ પુરી કરશે. જેના માટે ટ્રસ્ટ દ્વારા સોમનાથથી દિવ ટુરીસ્ટ બસ સેવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં યાત્રીક માત્ર રૂા.૫૦૦ની ટિકીટ લેશે એટલે સોમનાથથી બસમાં લઇ જઇ દિવના તમામ ફરવા લાયક સ્થળો બતાવી ભોજન કરાવી પરત સોમનાથ લઇ આવશે. નહીં નફો નહીં નુકશાનના ધોરણે આ સેવા સુવિધાનો યાત્રીકોને લાભ આપવાનો ટ્રસ્ટનો હેતુ હોવાનું જાણવા મળેલ છે.
સોમનાથ આવતા પ્રવાસીઓ માટે શરૂ કરાયેલ નવી સુવિધા અંગે ટ્રસ્ટના અધિકારી અજય દુબેએ જણાવેલ કે, સોમનાથ આવતાં યાત્રીકો નજીકના પ્રખ્યાત પ્રવાસન સ્થળ દિવ જવા માટે આતુર હોય છે પરંતુ અહીથી ખાનગી વાહનો અને સરકારી બસોની સુવિધા બાબતે પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જેને ધ્યાને લઇ પ્રવાસીઓને મુશ્કેલી ન થાય અને ફરવાનો આનંદ માણી શકે તે માટે ગાઈડ સાથેની સોમનાથ-દિવ બસ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રતિ યાત્રીક દીઠ રૂા.૫૦૦ નો ટિકીટ દર નકકી કરાયો છે. આ બસ સોમનાથથી સવારે ૮ વાગ્યે યાત્રીકો સાથે ઉપડી સવારે ૧૦ વાગ્યે દિવ પહોંચશે. દિવના ફરવાલાયક સ્થળો ગંગેશ્વર મહાદેવ, નાગવા બીચ, ચર્ચ તથા પ્રાચીન કિલ્લો, ખુખરી સ્મારકના સ્થળોએ લઇ જશે. બાદમાં બપોરના પ્રવાસીઓને ભોજન પણ અપાશે. આ સેવા નહી નફો નહી નુકશાનના ધોરણે ચલાવી પ્રવાસીઓને સુવિધા આપવાનો હેતુ છે. આ બસ સેવામાં ટિકીટ માટે સોમનાથ ટ્રસ્ટ બુકીંગ ઓફીસનો સંપર્ક કરવાનો રહેશે. પ્રથમ દીવસે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમારએ નવી બસમાં દિવ ફરવા જઇ રહેલા પ્રવાસીઓના મોઢા મીઠા કરાવી શ્રીફળ વધારી પુજાવીધી સાથે જય સોમનાથના નાદ સાથે પ્રથમ ટ્રીપનો પ્રારંભ કરાવ્યો હતો. નવી શરૂ થયેલ બસ સેવામાં પ્રથમ દિવસે જ ૨૦ થી વધુ પ્રવાસીઓ દિવ ફરવા રવાના થયેલ હોવાનું જાણવા મળેલ છે. સોમનાથ ટ્રસ્ટ આગામી સમયમાં જીલ્લામાં આવેલા તુલસીશ્યામ, પ્રાંચી, જમદગ્ની આશ્રમ, ગુપ્ત પ્રયાગ જેવા અન્ય તીર્થસ્થળોને જાેડતી બસ સેવા શરૂ કરશે. એક મુસાફરના સંબંધીએ જણાવેલ કે, સોમનાથથી દિવ ખાનગી વાહનો જવાનો ખર્ચ બે થી ત્રણ હજારનો થતો હોવા ઉપરાંત ત્યાં પણ ફરવાલાયક સ્થળોએ જવા તેની જાણકારી મેળવવા અંગે ભારે મુશ્કેલી પડતી હતી ત્યારે સોમનાથ ટ્રસ્ટે શરૂ કરેલ નવી સુવિધા બહારથી આવતા પ્રવાસીઓ માટે સારી સાબિત થશે તેમાં શંકાને સ્થાન નથી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews