Friday, August 6

જીવલેણ બિમારીમાંથી ‘શ્વાન’ને મુક્ત કરી નવજીવન આપતા ડો. મિથુન ખટારીયા

0

જૂનાગઢનાં નવયુવાન અને પશુ ચિકિત્સા ક્ષેત્રે ખુબ જ મોટી સિધ્ધી મેળવનાર વેટરનરી ડો. મિથુન ખટારીયાએ ખુબ જ ટુંકા ગાળામાં ગંભીર અને જીવલેણ કહી શકાય તેવા કેસોનું સચોટ પરિક્ષણ અને ઉત્તમ સારવાર પધ્ધતિને કારણે ગંભીર બિમારીમાં સપડાયેલા શ્વાનને નવજીવન આપવામાં સફળતા પ્રાપ્ત કરી અને અનેરી સિધ્ધી મેળવી છે. પશુ ચિકિત્સકની ડિગ્રી પ્રાપ્ત કર્યાનાં થોડા સમયમાં જ જટિલ કેસોમાં પણ શ્વાન ઉપર સફળ સર્જરી કરી અને જીવતદાન આપવાનો વિક્રમ સ્થાપ્યો છે. એકલા જૂનાગઢ જ નહીં પરંતુ સોરઠ પંથકના વિવિધ વિસ્તારોમાંથી લોકો પોતાના પ્રિય શ્વાનને બિમાર પડયે તેની સારવાર માટે જૂનાગઢ આવે છે અને ડો. મિથુન ખટારીયાની કાબેલીયત, કૌશલ અને ઉપચાર પધ્ધતિનાં કારણે તેમનાં શ્વાનને ખિલખિલાટ હાસ્ય સાથે બિમારીમુક્ત લઈ જઈ શકે છે.
ભગવાન કૃષ્ણનાં વંશજાે એવા યાદવ કુળ (આહીર)માં માતા રાણીબેન અને પિતા દેવદાનભાઈ ખટારીયા(કેશોદ)ને ત્યાં જન્મ ધારણ કરી અને અભ્યાસમાં રત રહીને પોતાની તેજસ્વી કારકિર્દી તરફ પ્રયાણ કર્યું હતું અને ધો. ૧રનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વેટરનરીનો અભ્યાસક્રમ શરૂ કર્યો હતો. ર૦૧પમાં પશુ ચિકિત્સકની ડિગ્રી પ્રાપ્ત કરી અને ર૦૧૭માં માસ્ટર ઓફ વેટરનરી સર્જન તરીકે પોતાની સ્વતંત્ર હોસ્પીટલ ‘ડોગ કેર હોસ્પીટલ’ કૃષિ યુનિવર્સિટીના બીજા ગેટ સામે શરૂ કરી અને ખુબ જ ટુંકા ગાળામાં ડોગ સ્પેશ્યાલીસ્ટ વેટરનરી ડોકટર તરીકે નામના પ્રાપ્ત કરી છે. તેમની પાસે આવતા કેસોમાં શ્વાનને થતા વિવિધ રોગોનાં કેસો આવે છે. દેશી અને વિદેશી બંને જાતનાં શ્વાનને સારવાર માટે લાવવામાં આવે છે અને અત્યાર સુધીમાં રપ હજાર જેટલા શ્વાનનું પરીક્ષણ, યોગ્ય સારવારને પગલે તંદુરસ્તી બક્ષવામાં આવી છે. ડો. મિથુન ખટારીયાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, તેઓને તો એમબીબીએસ થવું હતું પરંતુ પેમેન્ટ સીટ ઉપર પ્રવેશ મળતો હોય આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમને પોષાય તેમ ન હતું અને જેને કારણે તેઓએ કૃષિ યુનિવર્સિટીમાં વેટરનરીનાં અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી અને પશુ ચિકિત્સકની ડિગ્રી હાંસલ કરી અને સારવાર પધ્ધતિ શરૂ કરી દીધી છે. સ્વભાવે મિલનસાર તેમજ સતત કામગીરીમાં ઓતપ્રોત અને મેડીકલ સાયન્સ ખાસ કરીને પશુ ચિકિત્સા ક્ષેત્રે જુદા જુદા પ્રયોગો કરી અને તેમની પાસે આવેલા વિવિધ કેસોમાં સફળ સારવારને પગલે શ્વાનને નવી જીંદગી પણ આપી છે. જેમ માનવીને તાવ, લોહી ઓછું હોવું, ઝેરી ફીવર, ડાયેરીયા સહિતના અનેક પ્રકારના રોગો થતા હોય છે તેમ શ્વાનને પણ અનેક પ્રકારની બિમારીઓ થતી હોય છે. તેમની પાસે આવેલા રેર કેસમાં કુતરીને સિઝેરીયન કરી અને તેમના પેટમાંથી મરેલા બચ્ચા બહાર કાઢી લઈ અને કુતરીને નવજીવન આપ્યું છે. ગુજરાતમાં સૌ પ્રથમવાર કૃત્રિમ બીજદાનનો પ્રયોગ પણ સફળ રહ્યો છે તેમજ લોહી ચડાવવાનાં પ્રયોગમાં શ્વાનને સફળ રીતે લોહી ચડાવી અને તેમની જીંદગી વધારી આપવામાં આવી છે. ત્યારબાદ તો અનેક કેસોમાં જુદા જુદા પ્રયોગ કરી અને મેડીકલ સાયન્સના સથવારે ડો. મિથુન ખટારીયાએ આશ્ચર્યજનક પરિણામો મેળવી અને સિધ્ધી મેળવી છે. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, શ્વાનને લોહી ચડાવતી વખતે જે તે ગૃપનું લોહી ટેસ્ટ કરવા માટે પરિક્ષણ કરવું પડે છે પરંતુ કોઈ લેબોરેટરી ન હોવાથી નિદાન બાદ યોગ્ય પરિક્ષણ કરી અને પ્રથમ કેસમાં ર૦૧૮માં એક શ્વાનને લોહી ચડાવવાનાં સફળ પ્રયોગ બાદ અનેક કેસોમાં સિધ્ધી મળેલી છે. દરમ્યાન બહારગામથી એટલે કે જેતપુરથી આવેલા સંજયભાઈ કાપડીએ પોતાના અનુભવ વિષે જણાવ્યું હતું કે, જેતપુરમાં શેરીઓમાં રખડતા-ભટકતા શ્વાન પૈકી એક કુતરી ગંભીર રીતે બિમાર જણાતાં તેને તેઓ ડો. મિથુન ખટારીયા પાસે લાવ્યા હતા અને તાત્કાલીક તેનું નિદાન કરવામાં આવતાં આ કુતરીને વજાઈનલ કેન્સર (ટી.વી.ટી.)જેવી અસાધ્ય બિમારી હતી પરંતુ ડો. મિથુન ખટારીયાએ ઉપચાર પધ્ધતિ શરૂ કરી અને એક ઈંજેકશન જરૂરીયાત મુજબનું આપતાં આ કુતરીની બિમારી ૧પ દિવસમાં જ નાબુદ થઈ છે અને તેને નવી જીંદગી મળી છે તેમ કહી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે, ડો. મિથુન ખટારીયાની ડોગ કેર હોસ્પીટલમાં સવારથી મોડી રાત સુધી દૂરદૂરથી લોકો પોતાનાં પ્યારાં શ્વાનોને લઈ અને સારવાર માટે આવે છે અને તેમને યોગ્ય સારવાર પુરી પાડવામાં આવી રહી છે. આંખ, કાન, આંતરડાનાં રોગો, આંતરડાની આંટી, ફ્રેકચર થવા અને ઈજાગ્રસ્ત બનેલા શ્વાનોને પણ પોતાની અતિ આધુનિક હોસ્પીટલમાં આધુનિક શસ્ત્ર-સરંજામ દ્વારા બ્લડલેસ સર્જરી કરી રોગમુકત બનાવવામાં આવે છે. તેમજ બધા જ પ્રકારના વાયરસનાં રોગોની રેપિડ ફાસ્ટ ટેસ્ટ કિટ દ્વારા શ્વાનને યોગ્ય સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. શ્વાનની અનેક જાતો છે જેમાંથી સૌથી ઉંચી કિંમતનું વ્હાઈટ જર્મન શેફર્ડ રૂા. ૧.૭પ લાખનું શ્વાન તેમની પાસે સારવાર માટે આવે છે. જીવદયા પ્રેમી ઉપરાંત નિષ્ણાંત પશુ ચિકિત્સક ડો. મિથુન ખટારીયાએ શેરીઓમાં રઝળતા, રખડતા બિનવારસુ શ્વાન કે જેઓ ગંભીર પ્રકારના રોગોમાં સપડાયેલા હોય તેમને પણ મુકત કરવા માટે જહેમત ઉઠાવતા હોય છે તેમજ એક દાનપેટી રાખી છે જેમાં ચોક્કસ રકમ અઠવાડીયાની ઉપલબ્ધ થાય તે શ્વાનની સેવા અને સારવારમાં વાપરવામાં આવે છે તેમજ રખડતા, ભટકતા શ્વાનને માટેના વિશેષ બિસ્કીટો પણ તેઓ લાવી અને આવા શ્વાનોને ખવરાવતા હોય છે. આવી શ્વાનની ઉમદા સેવા, ફરજ અને પશુ ચિકિત્સકની કામગીરી કરી રહેલા ડો. મિથુન ખટારીયા કોઈપણ જાતની ફળની આશા રાખ્યા વિના ભગવાન કૃષ્ણના આદેશ અનુસાર કર્મ કર્યા રાખે છે તે તેમની મહત્વની સિધ્ધી છે.
દરમ્યાન તાજેતરમાં જામનગર ખાતે યોજાયેલ નેશનલ કક્ષાના ડોગ શો માં દેશ-વિદેશનાં ર૦૦થી વધુ જાતનાં શ્વાનએ ભાગ લીધો હતો જેમાં જામનગર કેનલ યુનિયન દ્વારા જૂનાગઢનાં વેટરનરી ડો. મિથુન ખટારીયાને અબોલ પશુ પ્રત્યે કરૂણા અને સેવા દ્વારા સમાજનું ઋણ અદા કરવાનાં સાચા માર્ગ ઉપર ચાલવા બદલ રિયલ લાઈફ હીરોનાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. આ ઉપરાંત જૂનાગઢની વિવિધ સામાજીક સંસ્થાઓએ પણ તેઓનું બહુમાન કરેલ છે. વિશેષમાં જે કોલેજમાંથી ડો. મિથુન ખટારીયાએ અભ્યાસ કરી અને ડિગ્રી પ્રાપ્ત કરી છે તે જ કોલેજમાં ૩-૧ર-ર૦૧૮ના રોજ તેઓને વેટરનરીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટેનું આમંત્રણ મળ્યું હતું અને તેઓએ ત્યાં લેકચર આપ્યું હતું. હૈદરાબાદ, મુંબઈ, દિલ્હી અને ચેન્નાઈ જેવા સ્થળોએ જયારે પણ તબીબોની કોન્ફરન્સ યોજાય છે તેમાં પણ ડો. મિથુન ખટારીયાએ અવારનવાર ભાગ લઈ અને પોતાના રિસર્ચ અને સારવાર અંગે અસરકારક ભૂમિકા અદા કરી છે. અંતમાં માવતરનાં આશીર્વાદથી જૂનાગઢ, કેશોદ, જેતપુર અને રાજકોટ જેવા સેન્ટરોમાં ડોગ કેર હોસ્પીટલ કાર્યરત કરનાર ડો. મિથુન ખટારીયાનું લક્ષ્યાંક છે કે, સૌરાષ્ટ્રમાં પ્રથમ નંબરની શ્વાનની સારવાર માટેની હોસ્પીટલ બની રહે તેમ જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!