ખંભાળિયાની નયારા કંપનીમાંથી રૂપિયા ૩.૪૨ લાખના સલ્ફરને ચોરી કરીને લઈ જવાના પ્રયાસ સબબ કુલ બાર શખ્સો સામે ફરિયાદ

0

ખંભાળિયા-જામનગર હાઈવે ઉપર આવેલી આંતરરાષ્ટ્રીય સ્તરની નયારા એનર્જી કંપનીમાંથી રૂપિયા ૩.૪૨ લાખની કિંમતના સલ્ફરનો જથ્થો ત્રણ ટ્રક મારફતે ભરીને કંપનીની મંજૂરી વગર લઈ જવાના પ્રયાસ સબબ ટ્રકના ચાલક તથા અન્ય સ્થાનિક કર્મચારીઓ મળી કુલ ૧૨ શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાથી આશરે વીસ કિલોમીટર દૂર જામનગર ધોરીમાર્ગ ઉપર આવેલી નયારા એનર્જી લિમિટેડ કંપનીમાં આવેલા સલ્ફર પ્લાન્ટમાંથી સોમવારે સવારે આશરે પોણા બારેક વાગ્યે સલ્ફરનો જથ્થો ભરીને નીકળેલા ત્રણ શખ્સોને કંપની કર્મચારીઓ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. આ સ્થળે ટ્રક નંબર જી.જે.-૧૨-વાય-૯૫૨૮ના ચાલક રાણાવાવના રહીશ રામદે માલદેભાઈ ઓડેદરા તેના ક્લિનર મડીયાભાઈ ભલ્લોભાઈ શિંગાળ, અન્ય એક ટ્રક નં. જી.જે.-૩૬-ટી-૯૦૪૨ના ચાલક સોહન મેહરસિંહ બારીયા તથા ક્લીનર કિરણ નારૂભાઈ પરમાર, તથા ત્રીજા ટ્રક નંબર જી.જે.-૦૬-એક્સ.એક્સ.૧૨૬૯ના ચાલક કપિલ અમૃતલાલ પરમાર અને ક્લીનર કાંતિલાલ છગનભાઈ પરમાર, નામના શખ્સો દ્વારા રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે રહેતા રવિ નામના એક શખ્સ સાથે મળી, પૂર્વયોજીત કાવતરૂ રચીને ત્રણેય ટ્રકમાં કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી અને ગેરકાયદેસર રીતે ૨૪.૮૨ ટન સલ્ફરનો જથ્થો લઈને જતા ઝડપી લેવામાં આવ્યા હતા. આટલું જ નહીં, કંપનીમાં વે-બ્રિજ અને સાયલો ઓપરેટર (કર્મચારીઓ) એવા ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા યોગરાજસિંહ રઘુભા જાડેજા અને રાજેન્દ્રસિંહ અનોપસિંહ જેઠવા, ખંભાળિયા તાલુકાના સોડસલા ગામે રહેતા મહાવીરસિંહ નટુભા ઝાલા, બ્રિજરાજસિંહ ભીખુભા જાડેજા અને મીઠોઈ ગામના સુખદેવસિંહ નટુભા જાડેજા નામના પાંચ શખ્સોએની પણ આડકતરી રીતે આ પ્રકરણમાં સંડોવણી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. રૂા.૩,૪૨,૨૬૮/-ની કિંમતના ૨૪.૮૨ મેટ્રિક ટન સલ્ફરના જથ્થાને ગેરકાયદેસર રીતે ટ્રકમાં ભરીને લઈ જવાના પ્રયાસ અંગે કંપની કર્મચારી એવા જામનગર ખાતે રહેતા સંજય કૈલાસ કુલવામા દ્વારા ખંભાળિયા પોલીસ મથકમાં ઉપરોક્ત બારેય શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ પ્રકરણ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૦૮, તથા ૧૨૦ (બી) મુજબ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પોલિસ ઈન્સ. વી.વી. વાગડીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!