‘ખેડૂત વિરોધી કાળો કાયદો પાછો ખેંચો’ સહિતના સૂત્રોચ્ચારો સાથે કોંગ્રેસનો વિધાનસભા ગૃહમાંથી વોક આઉટ

0

વિધાનસભા ગૃહમાં વિરોધ પક્ષ કોંગ્રેસે દિલ્હીમાં આંદોલન ચલાવી રહેલ ખેડૂતો અને તેમના મૃત્યુનો મુદ્દો ઉછાળ્યો હતો. જેમાં શહીદ દિનના શહીદો સહિત મૃત્યુ પામનારા રપ૦ જેટલા ખેડૂતોને શ્રધ્ધાંજલિ આપવાનું કહેતા ભાજપ સરકાર તરફથી ડે. સીએમએ વાંધો ઉઠાવી કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા આવું કરી રહી હોવાના આક્ષેપો કરવાની સાથે તેમણે ૧૯૮૭માં કોંગ્રેસના શાસનમાં આંદોલન કરી રહેલ ૧૯ ખેડૂતોને તેમણે ગોળીએ દીધા હોવાનું યાદ અપાવી પ્રતિ આક્ષેપો કરતા ગૃહમાં સામસામા આક્ષેપો સાથે દેકારો મચી ગયો હતો. કોંગ્રેસના ધારાસભ્યો ભારે સૂત્રોચ્ચારો સાથે ગૃહ ગજવી આખરે ગૃહમાંથી વોઆઉટ કરી ગયા હતા. વિધાનસભામાં ચાલી રહેલ બજેટ સત્રમાં બજેટ ઉપરની માગણીઓની ચર્ચા દરમ્યાન મંત્રી જવાબ આપી રહ્યા હતા. ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ આજના શહીદ દિવસે શહીદ ભગતસિંહ, રાજગુરૂ વગેરેની સાથે દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોથી આંદોલન ચલાવી રહેલા ખેડૂતો કે જેમાંના રપ૦ જેટલા ખેડૂતો મૃત્યુ પામ્યા છે તેમને શ્રધ્ધાંજલિ આપવાની માગણી રજૂ કરતા કહ્યું હતું કે, સભાગૃહ બે મિનિટ મૌન પાળી તમામ શહીદોને શ્રધ્ધાંજલિ પાઠવે. આ સામે સરકાર તરફે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે, શહીદ ભગતસિંહ વગેરે શહીદો માટે શ્રધ્ધાંજલિ સામે કોઈ વાંધો નથી પરંતુ બાકીની ખેડૂતો અંગેની જે વાત છે. તે કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધિ માટે દિલ્હીના આંદોલનકારી ખેડૂતોના મૃત્યુ અંગે શ્રધ્ધાંજલિની જે વાત કરી રહી છે. તે યોગ્ય નથી. કોંગ્રેસ ઉપર વધુ આકરા પ્રહારો કરતા તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનકાળમાં ૧૯૮૭માં આંદોલન કરી રહેલા ૧૯ ખેડૂતોને ગોળીએ દેવાયા હતા ત્યારે તે વખતે તમે ખેડૂતોને શ્રધ્ધાંજલિ આપી હતી ? ડે. સીએમના આક્ષેપોને લઈ ઉશ્કેરાયેલા કોંગ્રેસના ધારાસભ્યોએ ઉગ્ર વિરોધ નોંધાવી ગૃહમાં ભારે સૂત્રોચ્ચારો કરી ધમાલ મચાવી મૂકી હતી. સામે પક્ષે ભાજપના સભ્યો પણ ઉભા થઈ પ્રતિ આક્ષેપોનો મારો ચલાવતા ગૃહમાં ધાંધલ-ધમાલના દૃશ્યો સર્જાયા હતા. કોંગ્રેસે કૃષિ બિલ પાછા ખેંચો, અન્યાયી ખેડૂત વિરોધી કાળાકાયદા પાછા ખેંચો, જય જવાન જય કિસાન જેવા સૂત્રોચ્ચારો કરતા ગૃહમાં વેલ તરફ કેટલાક સભ્યો ધસી આવતા અધ્યક્ષે તેમને વેલમાંથી પાછા જવા સૂચના આપી હતી અને ભારે સૂત્રોચ્ચારો કરતા કોંગ્રેસના તમામ સભ્યો વિરોધ દર્શાવતા ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!