ગુજરાત રાજયમાં શિક્ષણ ક્ષેત્રે હરણફાળ પ્રગતિના સરકારના દાવા વચ્ચે પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની કેવી સ્થિતિ છે તેની હકીકતો તો અવારનવાર આપણી સમક્ષ આવતી જ રહે છે. જેમાં ખાસ કરીને શિક્ષણને વેપાર બનાવી ખાનગી સંસ્થાઓ દ્વારા શાળાઓ શરૂ કરીને ઓછા પગારે યોગ્ય લાયકાત વિનાના શિક્ષકો થકી બાળકોને ભણાવવામાં આવી રહ્યા હોય તો શિક્ષણનું સ્તર કેવું હશે તેની કલ્પના જ કરવી રહી સરકારી દફતરેથી બહાર આવેલ વિગતો મુજબ રાજયની ૩૦૬પ ખાનગી પ્રાથમિક શાળાઓમાં માન્ય લાયકાત વિનાના ૭૦૯૮ શિક્ષકો બાળકોને ભણાવી રહ્યા છે. વિધાનસભામાં ધારાસભ્યોના પ્રશ્નોના જવાબમાં એક પછી એક હકીકત રાજય સરકારની કામગીરીની બહાર આવતી રહે છે. જેમાં આજે ખાનગી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને લગતી વિગતો બહાર આવી છે. કોંગ્રેસના ધારાસભ્યોના પ્રશ્નોના જવાબમાં શિક્ષણ મંત્રીએ આપેલી વિગતો મુજબ રાજયભરની ૩૦૬પ ખાનગી પ્રાથમિક શાળાઓમાં માન્ય લાયકાત વિનાના શિક્ષકો નિમણુંક પામેલ હોવાનું બહાર આવ્યું છે. આ શાળાઓમાં કુલ મળીને ૭૦૯૮ શિક્ષકો માન્ય લાયકાત વિનાના છે. માન્ય લાયકાત વિનાના શિક્ષકો સૌથી વધુ અમદાવાદમાં ર૩૬૧ છે. જયારે કચ્છમાં ૬૮૬, સુરતમાં ૬૦૯ અને રાજકોટમાં પ૦૮ શિક્ષકો છે. આવા શિક્ષકોને તાત્કાલિક દૂર કરવાના આદેશ સરકારે કરવાના બદલે કાર્યવાહી હાથ ધરવાની વાતો કરી છે. તે જ રાજય સરકારની ખાનગી શાળાઓ પ્રત્યેની ઢીલી નીતિ દેખાતી હોવાનો કોંગ્રેસ આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે વધુમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, ખાનગી શાળા સંચાલકોને શિક્ષણ મંત્રી કે મુખ્યમંત્રીનો ડર ના હોય તે આના ઉપરથી ફલિત થાય છે. સૌથી મહત્વની વાત તો એ છે કે, ૩૩ જિલ્લાઓ પૈકી રર જિલ્લામાં આ લાયકાત વગરના શિક્ષકોની નિમણુંકો ખાનગી પ્રાથમિક શાળાઓમાં થયેલી છે. પરંતુ રાજયના ૧૧ જિલ્લા આદિજાતિ વસ્તીની બહુમતી ધરાવતા તાપી, નવસારી, વલસાડ, અરવલ્લી, મહિસાગર, નર્મદા, ડાંગ, દાહોદ અને છોટાઉદેપુર અને પોરબંદર જિલ્લામાં ખાનગી શાળાઓ જ ન હોય તો આવા લાયકાત વિનાના શિક્ષકોનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. આના ઉપરથી એ પણ સ્પષ્ટ થાય છે કે શિક્ષણનો ધંધો કરનારી ખાનગી સંસ્થાઓને આદિવાસી વસ્તીમાં કમાણી થઈ શકે તેમ ન હોય ત્યાં શાળાઓ જ શરૂ કરવામાં આવી નથી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews