જૂનાગઢની ખ્યાતનામ સ્વામિ વિવેકાનંદ હાઈસ્કૂલમાં સાયન્સનાં અભ્યાસક્રમનો મૃત્યુંઘંટ

0

આજે શિક્ષણ એટલું બધુ મોંઘું બની ગયું છે કે વિદ્યાર્થીને ભણતરની સાથે આર્થિક બોજ પણ તેમનાં પરિવારને મારી નાખે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. શિક્ષણનાં વેપારીકરણ વચ્ચે સરકારની એવી કેટલીક શાળાઓ છે કે જયાં આજે પણ વિદ્યાર્થીઓને પુરતું શિક્ષણ પ્રાપ્ત થાય છે. આવી જ એક શિક્ષણ વ્યવસ્થા જૂનાગઢમાં પણ કાર્યરત રહેલી હતી. પરંતુ આજે આ શિક્ષણ આપતી શાળાની સ્થિતિ ખૂબ જ કફોડી બની ગઈ છે. એક સમયે જેનો ગોૈરવવંતો ઈતિહાસ રહેલો છે તેવી જૂનાગઢની સ્વામિ વિવેકાનંદ હાઈસ્કૂલમાં સાયન્સનાં અભ્યાસક્રમનો મૃત્યું ઘંટ વાગી ગયો છે. દેશના ટોચના ઉદ્યોગપતિ સ્વ. ધીરૂભાઇ અંબાણીથી લઇને હાલના શહેરના પ્રથમ નાગરિક એવા મેયર ધીરૂભાઇ ગોહેલે જ્યાં અભ્યાસ કર્યો છે તે શહેરની પ્રતિષ્ઠિત સરકારી હાઇસ્કૂલની સ્થિતી દયનીય બની રહી છે. એક સમયે જ્યાં હજારો વિદ્યાર્થીઓ સાયન્સમાં અભ્યાસ કરતા હતા ત્યાં આજે સાયન્સનો અભ્યાસક્રમ બંધ કરવાની નોબત આવી છે ! વાત છે એક સમયે રાજ્યની બીજા નંબરની સાયન્સ હાઇસ્કૂલ ગણાતી સ્વામિ વિવેકાનંદ હાઇસ્કૂલની કે, જ્યાં આજે સાયન્સના અભ્યાસક્રમનો મૃત્યુંઘંટ વાગી ગયો છે. સરકારી હાઇસ્કૂલને તાળા મારવાની નોબત આવી છે. હાલ આ શાળામાં સાયન્સનો અભ્યાસક્રમ બંધ કરવામાં આવ્યો હોય શહેરના છાત્રોને મળતી એક સારી સુવિધા પણ છીનવાઇ ગઇ છે. પરિણામે છાત્રોને હવેના છૂટકે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં મોંઘું દાટ શિક્ષણ મેળવવું પડશે. શહેરના અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ આ શાળામાં શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. ત્યારે હવે આ શાળામાં બંધ થયેલા સાયન્સના અભ્યાસક્રમને ફરી શરૂ કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે તે જરૂરી છે.
શાળામાં અભ્યાસ કરી ગયેલા છાત્રો શાળાનું ઋણ ચૂકવે
શાળામાં વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ બંધ થવા ઉપરાંત પણ અનેક પ્રકારની સમસ્યા છે. શાળાનું કેમ્પસ સુરક્ષિત નથી, હાઇસ્કૂલની લેબોરેટરી અને ઓફિસ વચ્ચેથી રોડ પસાર થયા છે જેથી છાત્રોને અકસ્માતનું જાેખમ રહે છે, ભારે વાહનો પસાર થાય છે, હાઈસ્કુલની બાજુમાં પેશકદમી વધી ગઇ છે. ત્યારે આ શાળામાં અભ્યાસ કરી ગયેલા શાળાનું ઋણ ચૂકવવા આ સમસ્યાનું નિરાકરણ કરવા પ્રયાસ કરે તે જરૂરી છે. પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ, સહકારી બેંકના અગ્રણી ડોલરભાઇ કોટેચા, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા, શહેર ભાજપ પ્રમુખ પુનીત શર્મા, મેયર ધીરૂભાઇ ગોહેલ સહિતના અનેક અગ્રણીઓએ અહિં અભ્યાસ કર્યો છે.
કયારથી શરૂ, કેટલા છાત્રો હતા ?
સ્વામિ વિવેકાનંદ હાઇસ્કૂલમાં ૧૯૭૬થી સાયન્સનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. એક સમયે ધોરણ ૧૧ના ૬ અને ધોરણ ૧૨ના ૬ કલાસ ચાલતા હતા. શરૂઆતમાં એક વર્ગખંડમાં ૧૦૦ જેવી સંખ્યા થતી જેને કારણે એક વર્ષમાં ૧,૨૦૦થી વધુ છાત્રો સાયન્સમાં અભ્યાસ કરતા હતા. આમ, આટલા વર્ષોમાં હજારો છાત્રોએ સાયન્સનો અભ્યાસ કર્યો છે.
છેલ્લે કયારે બંધ, કેટલા છાત્રો ?
સ્વામિ વિવેકાનંદ હાઇસ્કૂલમાં છેલ્લે જાન્યુઆરી ૨૦૨૧થી સાયન્સનો અભ્યાસક્રમ બંધ કરાયો છે. જ્યારે અભ્યાસ બંધ કરાયો ત્યારે માત્ર ૧૪ છાત્રો હતા.
છેલ્લા ૪ વર્ષથી પ્રક્રિયા ચાલુ હતી
સ્વામિ વિવિકાનંદ હાઇસ્કૂલમાં રાતોરાત સાયન્સનો અભ્યાસક્રમ બંધ નથી થયો. છેલ્લા ચાર વર્ષથી આ પ્રક્રિયા ચાલુ જ હતી. સંખ્યા સતત ઘટતી જતા આ ર્નિણય કરવામાં આવ્યો છે.
બંધ કરવાનું કારણ શું ?
આ હાઇસ્કૂલમાં પુરતી સંખ્યા થતી ન હતી જેના કારણે વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ બંધ કરવાની ફરજ પડી છે. સંખ્યા ઓછી થવામાં પણ ખાસ કરીને છાત્રોનું સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો તરફનું વધતું જતું આકર્ષણ, શાળામાં પૂરતી હાજરી નોંધવાનો આગ્રહ તેમજ ટ્યુશન કલાસીસ ગણી શકાય. ટ્યુશનમાં જતા છાત્રો સ્કૂલમાં હાજરી આપવાનું યોગ્ય સમજતા નથી અને અહિંયા પૂરતી હાજરીનો આગ્રહ રાખવામાં આવે છે. આવા કારણોસર છાત્રોની સંખ્યામાં સતત ઘટાડો થતો ગયો અને પરિણામે આજે એવો સમય આવ્યો છે કે, વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસક્રમ બંધ કરવો પડ્યો છે.
– પ્રતિભાબેન નાગ્રેચા, પ્રિન્સીપાલ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!