ગીરગઢડામાં અદ્યતન બસ સ્ટેશન બન્યું પણ એસટી બસોના રૂટો શરૂ ન થતા પંથકવાસીઓ પરેશાન

0

રાજય સરકારે ગીરગઢડામાં અદ્યતન એસટી બસ સ્ટેશન તો બનાવી આપ્યું પરંતુ લાંબા અંતરની તથા પંથકવાસીઓની જરૂરીયાત મુજબની એસટી બસોની પૂરતી સુવિધા ન આપી હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. જે અંગે ગીરગઢડા ચેમ્બર ઓફ કોમર્સના હોદેદારોએ એસટીના ઉચ્ચ અધિકારીઓ અને રાજય સરકારને ૧૨ મુદાની લેખીત રજુઆત કરી નવા બસ રૂટો શરૂ કરવા માંગણી કરી છે.
ગીરગઢડા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુકેશભાઇ ગાંધી, ઉપપ્રમુખ અનિલભાઇ વિઠલાણી, ભાવેશભાઇ હિરપરાએ કરેલ લેખીત રજુઆતમાં જણાવેલ કે, છ વર્ષ પૂર્વે ગીરગઢડા તાલુકો અસ્તિત્વમાં આવતા રાજય સરકારે ત્વરીત ગીરગઢડામાં અદ્યતન બસ સ્ટેેશન પણ બનાવેલ હતુ. પરંતુ તેને ઘણો સમય થઇ ગયો હોવા છતાં ગીરગઢડા તાલુકાને એસટી બસોની પુરતી સુવિધા મળી શકી નથી. ગીરગઢડા ગામ અને તાલુકો મોટો હોવાની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પથરાયેલો હોય લાંબા અંતરની તથા ગ્રામ્ય વિસ્તારોને જાેડતી બસ સુવિધા હજુ ખુટે છે. જેથી પંથકના લોકોને બહારગામ, તાલુકા કે જીલ્લા મથકે આવન જાવન કરવા અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે.
જેને ધ્યાને લઇ સુચવ્યા મુજબના એસટી રૂટો ગીરગઢડાથી શરૂ કરવા માંગણી છે. જેમાં ગીરગઢડાથી વડોદરા, સુરત અને અંકલેશ્વર જવાની સીધી એકપણ બસ ન હોય તે શરૂ કરવા, ગીરગઢડાથી વાયા અમરેલી થઇ વડોદરા બસ જે ઉનાથી સાંજે ૬ વાગ્યે ઉપડે છે તેને ગીરગઢડા રૂટથી ચલાવો, ઉના-રાજકોટ સવારે ઉપડતી બસને રીટર્નમાં વાયા વેરાવળના બદલે તાલાલા-ગીરગઢડાના રૂટ ઉપરથી ચલાવો તો જૂનાગઢ-તાલાલા રૂટના ગ્રામ્ય વિસ્તારના લોકોને સાંજે સુવિધા મળે, ઉના-અમરેલી-કૃષ્ણનગર બસને ઉનાના બદલે ગીરગઢડાથી ઉપાડી ચલાવી, ઉના-ભાવનગર-વડોદરા બસને ગીરગઢડાથી ઉપાડવી જાેઇએ, અગાઉ રાત્રીના ૮ઃ૩૦ વાગ્યે ગીરગઢડાથી તાલાલા, કેશોદ બસ ચાલતી તે બંધ હોય તે ફરી શરૂ કરવી, ગીરગઢડા-ગાંધીનગર બસ રીટર્નમાં ગઢડા આવવાના બદલે સીધી દિવ જતી હોય તેને ઉના-ગીરગઢડા રૂટ ઉપર ચલાવો, ઉના-ગીરગઢડા-સાસણ-સતાધાર રૂટની બસ જંગલના રસ્તાના બહાના હેઠળ ઘણા સમયથી બંધ હોય તે ચાલુ કરો, ગીરગઢડાથી જીલ્લા-મથક વેરાવળ જવા માટે હાલ એક પણ સીધી બસ ન હોય તે રૂટ પર સવાર-સાંજ બે અપડાઉન બસ શરૂ કરો, વેરાવળ-ભગુડા રૂટની બસ લાંબા સમયથી ખરાબ રસ્તાના કારણે બંધ હોય તે ચાલુ કરો, વર્ષો પહેલા ગીરગઢડાથી વાયા ભાવનગર-અમદાવાદ બસ દોડતી તે બસ હાલ ઉનાથી ઉપડતી હોય જેને ગીરગઢડાથી ઉપાડો, ઉના-ગીરગઢડા, ખીલાવડ, ધોકડવા, તુલસીશ્યામ રૂટ ઉપર એસટી બસો શરૂ કરવા માંગણી છે.
ઉપરોકત જણાવ્યા મુજબના રૂટો ઉપર એસટી બસો શરૂ થશે તો ગીરગઢડા શહેર અને તાલુકાની પ્રજાને રાહત થવાની સાથે ખાનગી વાહનોમાં જાેખમી મુસાફરી કરવામાંથી છુટકારો મળશે. આ સાથે વેપારીઓને કામકાજ અર્થે બહારગામ જવામાં સાનુકુળતા રહેશે. જેથી માંગણી મુજબની એસટી સેવા વહેલીતકે ગીરગઢડાને મળતી થાય તેવી કાર્યવાહી કરવા અંતમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews