જૂનાગઢ જીલ્લા કોર્ટમાં હવે ૫૦ ટકા સ્ટાફની જ હાજરી રહેશે

0

જૂનાગઢ જિલ્લાની કોર્ટમાં હવે ૫૦ ટકા સ્ટાફ સાથે કોર્ટની ફિઝીકલ કામગીરી કરવા આદેશ કરાયો છે. ગુજરાત હાઇકોર્ટ અને સરકારની વખતો વખતની સૂચનાને પગલે જૂનાગઢ જિલ્લા મુખ્ય ન્યાયાધીશ રિઝવાના બુખારીએ આ અંગે જૂનાગઢ જિલ્લાની કોર્ટને આદેશ કર્યો છે. આદેશમાં જણાવાયું છે કે, મર્યાદિત સંખ્યામાં સ્ટાફની હાજરી સાથે કોર્ટની ફિઝીકલ કાર્યવાહી કરવા આદેશ થયો છે. ત્યારે જૂનાગઢ જિલ્લાની તમામ કોર્ટમાં ફરજ બજાવતા કર્મીઓ પૈકી ૫૦ ટકા કર્મીઓની હાજરી રાખવાની રહેશે. સાથોસાથ કોર્ટની કામગીરીનો સમય સવારના ૧૧ઃ૩૦ થી સાંજના ૪ સુધીનો રહેશે. દરમ્યાન ૧ઃ૩૦ થી ૨ દરમ્યાન કોર્ટની કાર્યવાહીમાં રિસેસ રહેશે. સાથોસાથ અધિકારી, કર્મચારી, વકિલ, હાજર રહેલા પક્ષકારો વગેરેએ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે તેમજ સોશ્યલ ડિસ્ટન્સનું પણ પાલન કરવાનું રહેશે તેમ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ રિઝવાના બુખારીએ જણાવ્યું છે.
બાર એસો.નાં વકીલો કામગીરી બંધ રાખશે
જૂનાગઢ બાર એસોસિએશન દ્વારા જીલ્લા ન્યાયાધીશને કરવામાં આવેલી રજૂઆત બાદ આગામી તા.૧પ એપ્રિલ સુધી અનિવાર્ય કામગીરી સિવાયની કામગીરી બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. બાર એસો.નાં હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, કોરોનાની ચેન તોડવા માટે સામાન્ય પક્ષકારોને કોર્ટમાં પ્રવેશબંધી કરવામાં આવી છે. માત્ર જરૂરી કામગીરી માટે જ કોર્ટ ચાલું રાખવા જણાવ્યું છે. આ અંગે કોર્ટ બહાર પોલીસ બંદોબસ્ત પણ મુકવામાં આવ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews