કોરોના સંક્રમણને નાથવા જૂનાગઢમાં નાઈટ કર્ફયુનો કડક અમલ

0

જૂનાગઢ સહીત ર૦ શહેરોમાં ૮ કોર્પોરેશનોમાં કોરોના સંક્રમણને રોકવા માટે રાજય સરકાર દ્વારા નાઈટ કર્ફયુ અમલી બનાવાયો છે. ગઈકાલ તા. ૭ એપ્રીલથી રાત્રીનાં ૮ વાગ્યાથી નાઈટ કર્ફયુનો અમલ શરૂ થઈ ગયો છે અને સવારનાં ૬ સુધી આ કર્ફયુ અમલમાં રહેશે. જૂનાગઢ શહેરનાં તમામ મુખ્ય માર્ગો ઉપર ગઈકાલ રાત્રીથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો. અને બીન જરૂરી હેરાફેરી કરતાં લોકો અને વાહન ચાલકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલે જાહેરનામા ભંગનાં ગુના કરનાર વ્યકિતઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ગઈકાલે પ્રથમ દિવસે મોતીબાગ સર્કલ વિસ્તારની તમામ દુકાનો સહીતનાં વ્યવસાય સંકુલો રાત્રીનાં ૮ વાગ્યાથી જ બંધ જાેવા મળ્યા હતાં. પરંતુ શહેરનાં હાર્દસમા ગાંધીચોક, બસ સ્ટેશન વિસ્તારમાં ૮ વાગ્યા પછી પણ દુકાનો ખુલી જાેવા મળી હતી અને વાહનોની સતત અવર-જવર પણ જાેવા મળી હતી. જાે કે કોરોનાનાં સંક્રમણને રોકવું હશે અને કોરોનાની સંક્રમણની ચેનને તોડવી હશે તો દરેક વ્યકિતઓએ સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે. પોલીસ પણ સતર્ક અને સાવધાની સાથે પોતાની ફરજ બજાવે એ પણ જરૂરી છે.
કોરોના મહામારીને લઈ રાજય સરકારે કરેલ જાહેરાત બાદ જૂનાગઢ શહેરમાં રાત્રિ કર્ફયુુનો અમલ શરૂ કરાયો છે. પોલીસતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. કર્ફયુને પગલે સાંજે ૭ વાગ્યા પછી એસટી બસ શહેરમાં નહીં પ્રવેશે તેમજ દૂધની ડેરી, વિજ તંત્ર, દૂધનું વિતરણ કરતા લોકો, પેટ્રોલ પમ્પ, મેડીકલ સ્ટોર, ફાર્મસી, એમ્બ્યુલન્સ તથા પત્રકારોને તથા અખબરી કર્મચારીઓ વગેરેને કરફયુનો અમલ નહીં લાગુ પડે. કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા રાજય સરકારની ગાઈડલાઈન મુજબ જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારધીએ જાહેરનામું બહાર પાડયું છે જેનો અમલ
૭ એપ્રિલથી ૩૦ એપ્રિલ, ર૦ર૧ સુધી રહેશે. જાહેરનામા મુજબ રાત્રિના ૮ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફયુ રહેશે. જૂનાગઢ બહારથી આવતી એસટી બસો કે જેનો જૂનાગઢમાં સ્ટોપ છે તે બાયપાસથી પસાર થશે. જૂનાગઢ શહેરમાં આવનાર લોકોએ રાત્રીના સાત વાગ્યા પહેલાં જ પ્રવેશ મેળવી લેવાનો રહેશે. જૂનાગઢ જિલ્લા કલેકટરે બહાર પાડેલ જાહેરનામાનો અમલ કરાવવા પોલીસતંત્ર દ્વારા શહેરના તમામ માર્ગો ઉપર ચાંપતો બંદોબસ્ત રાખવા આયોજન કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!