આઈએએસ અધિકારીઓને ફાળવેલા જિલ્લામાં પાંચ દિવસ રોકાવવા રાજય સરકારની તાકીદ

0

ગુજરાતમાં ફાટી નીકળેલાં કોરોનાના કેસોને તથા સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે રાજય સરકાર તરફથી જિલ્લામાં મૂકાયેલા અધિકારીઓને આગામી પાંચ દિવસ સુધી સંબંધિત જિલ્લામાં રોકાણ કરીને વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવા તાકીદ કરાઇ છે. આ સૂચનાનો તાત્કાલિક અસરથી અમલ કરવાનો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા હુક્મ કરવામાં આવ્યો છે. એક વર્ષ પહેલાં દેશમાં પ્રવેશેલા કોરોનાએ માર્ચ ૨૦૨૧માં ફરી ઉથલો માર્યો છે. પરિણામ સ્વરૂપે કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાતો જાય છે. જેના પગલે સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાજય સરકાર દ્વારા આઇ.એ.એસ. અધિકારીઓને સુપરવિઝન માટે જિલ્લાઓમાં નિમણુંકો કરી હતી. તેમ છતાં કેસોનું પ્રમાણ સતત વધતાં રહેતાં ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથ તથા ન્યાયમૂર્તિ ભાર્ગવ કારીઆની ખંડપીઠે પણ સરકારને આ માટેના યોગ્ય અને કડક પગલાં ભરવા માટે મંગળવારે નિર્દેશ આપ્યા હતા. આ નિર્દેશના પગલે સરકારે વધુ આકરાં પગલાં લીધાં છે. તેની સાથોસાથ ૭મી માર્ચના રોજ સામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવ(સેવા) અશોક દવેએ રાજયપાલની સૂચનાથી હુકમ જારી કર્યા છે. તેમાં નોવેલ કોરોના વાઇરસ(કોવિડ-૧૯)ના સંક્રમણને નિયંત્રણમાં રાખવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવતાં પગલાં/કામગીરીનું સુપરવિઝન, અસરકારક અમલીકરણ અને જિલ્લા વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવા તેમજ કોવિડ વેક્સિનેશનની કામગીરીની સમીક્ષા કરવા તથા અન્ય આનુષાંગિક કામગીરી માટે વિવિધ આઇ.એ.એસ. અધિકારીઓની સંબંધિત જિલ્લાઓમાં નિમણુંકો કરવામાં આવેલી છે. આ અધિકારીઓને તેઓને ફાળવવામાં આવેલા જિલ્લાઓમાં અચુક મુલાકાત લેવા તથા નોવેલ કોરોના વાયરસ(કોવીડ-૧૯)ના સંક્રમણને અસરકારક રીતે નિયંત્રણમાં લેવા માટે આગામી પાંચ દિવસ સુધી સંબંધિત જિલ્લા ખાતે રોકાણ કરી/ઉપસ્થિત રહી વહીવટીંત્રને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવા ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews