સૌરાષ્ટ્રનાં કાશ્મીરનું બિરૂદ પ્રાપ્ત કરનાર માંગરોળની ‘શ્રી શારદાગ્રામ’ સંસ્થા

0

ભારતની આઝાદી પહેલા આ શૈક્ષણિક સંસ્થા કરાંચીમાં હતી અને તે શ્રી શારદા મંદિર તરીકે ૧૯૨૧માં સ્થપાઈ હતી.  એક સ્વપ્નદ્રષ્ટા કેળવણીકાર શ્રી મનસુખ રામ જાેબનપુત્રા આ શારદા મંદિરના સ્થાપક હતા. સ્વતંત્રતા લડતના યુગ દરમ્યાન, વર્ષ ૧૯૨૧ માં, શ્રી શરદગ્રામ પહેલી વખત અનેક અવરોધો વચ્ચે કરાંચીમાં  એક જાહેર ઉદ્યાનના મેદાન ઉપર “શ્રી શારદા મંદિર” તરીકે અસ્તિત્વમાં આવ્યો હતો. ધીરે ધીરે, આ શારદા મંદિર એક પ્રગતિશીલ અને રાષ્ટ્રીય કદની આધુનિક શિક્ષણ સંસ્થામાં વિકસિત થઈ હતી. આ શૈક્ષણિક સંસ્થાએ પોતાના વિદ્યાર્થીઓમાં જે સારા મૂલ્યોનું રોપણ કર્યું હતું તેનાથી હિન્દુસ્તાનમાં આ સંસ્થાની કીર્તિ એક “સંસ્કાર મંદિર” તરીકે સ્થાપિત થઇ હતી. મહાત્મા ગાંધીજીની આ પ્રિય સંસ્થા  હોવાને કારણે ગાંધીજીના આશીર્વાદ આ સંસ્થાને મળેલ હતાં. આ સંસ્થાના મકાનનો શિલાન્યાસ પણ ગાંધીજીએ જ કર્યો હતો. મહાત્મા ગાંધીજીએ અનેક પ્રસંગોએ આ સંસ્થાની પ્રવૃત્તિઓમાં ઊંડો રસ લીધો હતો. આ સંસ્થા શિક્ષણનું એક પવિત્ર ધામ માનવામાં આવતું હતું.  મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, પંડિત જવાહરલાલ અને લગભગ તમામ રાષ્ટ્રીય નેતાઓ જ્યારે પણ કરાંચીની મુલાકાત લેતા હતા ત્યારે તે સંસ્થામાં રોકાતા હતા. આ બધા નેતાઓએ આ સંસ્થામાં વૃક્ષારોપણ કરેલ હતું. સને ૧૯૪૫માં, સિલ્વર જ્યુબિલી ઇવેન્ટ દરમ્યાન, ડો.રાધાકૃષ્ણને આ સંસ્થાને એક અસાધારણ કોટિની વર્ણવીને બહુમાન કર્યું હતું. ગુજરાતના મોટાભાગનાં લોકો સંસ્થાના ઉત્કૃષ્ટ રેકોર્ડથી પરિચિત હતા, કારણ કે  આ સંસ્થાએ ૨૮ વર્ષો સુધી ગુજરાતના લોકોનાં સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને રાજકીય ઉછેરમાં ઐતિહાસિક રીતે ભાગ ભજવ્યો હતો. આ સંસ્થામાં ૧૨૦૦  વિદ્યાર્થીઓ હતા, જે ખુશીથી શીખતા હતા, આનંદ કરી રહ્યા હતા અને કેમ્પસની અંદર પોતાનાં જીવન અને આત્માઓને સમૃદ્ધ બનાવતા હતાં, તેના ઉપર પાકિસ્તાનની રચના થવાથી એક વિરામ આવ્યો હતો. મહાત્મા ગાંધીજીએ તેમના મૃત્યુંના ૧૨ દિવસ પહેલા શારદા મંદિરનાં મેનેજમેન્ટને સલાહ સૂચન આપ્યા હતા, તેને અનુસરીને, સંસ્થાના સંચાલક મંડળે  સ્વતંત્ર ભારતમાં શિક્ષણ પ્રવૃત્તિઓ ચાલુ રાખવાનું નક્કી કર્યું અને તે દિશામાં કામ શરૂ કર્યું હતું. સંચાલકોએ તે સમયની સૌરાષ્ટ્ર સરકારને વિનંતી કરતાં, સૌરાષ્ટ્ર સરકારે સંસ્થાને  માંગરોળ નજીક જે હાલના ગુજરાત રાજ્યના જૂનાગઢ  જિલ્લામાં અને સૌરાષ્ટ્રના સોરઠનાં ગ્રામીણ વિસ્તારમાં  જમીન ઓફર કરી હતી અને આ જમીનમાં એક મોટી વાડી જેવી ૧૧૦ વિઘા જમીન અને બીજી ૧૦૦૦  વિઘા જંગલની જમીનનો સમાવેશ થયો હતો. ૧લી એપ્રિલ ૧૯૪૯ નાં રોજ આ  સ્થળ ઉપર “શ્રી શારદાગ્રામ” શિક્ષણ સંસ્થા તરીકે ફરીથી બાંધવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. આજે આ જગ્યાએ  “સૌરાષ્ટ્રના કાશ્મીર”નું બિરૂદ પ્રાપ્ત કર્યું છે, આ મનોહર સ્થાન પૃથ્વી ઉપરનાં સ્વર્ગ જેવું છે, જેમાં એક શૈક્ષણિક કેમ્પસ, બગીચાઓ, કેરી અને નાળિયેરનાં વૃક્ષોની મોટી વાવેતર વસાહત, તરણ સુવિધાઓ અને કેટલાય એકર જમીનમાં અદ્દભુત કુદરતી પ્રકૃતિક સોૈંદર્ય ફેલાયેલું નજર આવે છે. મહાત્મા ગાંધીજીની દ્રષ્ટિ અનુસાર શહેરી અને ગ્રામીણ વાતાવરણને સંમિશ્રિત અને સંયોજિત કરતી આ શારદાગ્રામ સંસ્થાનો ઉદ્દેશ્ય એ છે કે, તેના વિદ્યાર્થીઓને તેમની જીવનયાત્રામાં તંદુરસ્ત શિક્ષણ આપવું અને સંસ્થાને એક ઉચ્ચતમ સ્તરની સંસ્થામાં વિકસિત અને સ્થાપિત કરવી.

નોંધ : આ લેખની માહિતી અને પ્રોત્સાહન શ્રીમતી ફાતિમા ખાન મારફતે મળી છે, જેઓએ શ્રી શારદાગ્રામમાં અભ્યાસ કરેલ છે અને તેઓનું અંગ્રેજી ભાષા ઉપર સારૂ પ્રભુત્વ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!