ગુજરાતમાં ડિસે.૨૦૨૨ સુધીમાં ઘરે ઘરે શુદ્ધ પાણી પહોંચાડી નલ સે જલ યોજના સાર્થક કરાશે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

0

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગીર સોમનાથના વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારના રૂા.૧૬ કરોડના વિકાસ કામોનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ કરી જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૮૫% ઘરે ઘરે પીવાના પાણી માટે નળ કનેકશન આપી સરકારે જનસુખાકારીની ઉત્તમ કામગીરી કરી હવે ઉત્તમથી સર્વોત્તમ તરફ પ્રયાણ કરી ૧૦૦ ટકા નળ કનેક્શનની સુવિધા  આપીને  નલ સે જલ યોજનાને સાર્થક કરાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૌને શુદ્ધ પાણી આપવાના નિર્ધારને સાકાર કરી ગુજરાતમાં ડિસેમ્બર ૨૦૨૨ પહેલા આ સિદ્ધિ હાંસલ કરાશે અને તે માટે દર મહિને એક લાખ નવા નળ કનેક્શન પીવાના પાણીની બહુ આયામી યોજનાઓ થકી અપાય છે. ગુજરાત સરકારે કોરોના સંક્રમણને કાબુમાં લેવા બીજી લહેરમાં રાતદિવસ કામગીરી કરી છે. સરકાર અને  પ્રશાસનના પરિશ્રમ થકી ૪૧૦૦૦ ઓક્સિજન યુક્તબેડ માંથી ૯૦,૦૦૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. પહેલી લહેરમાં ૩૦૦ ટન ઓક્સિજન ની જરૂરિયાત સામે બીજી લહેર માં ૧૧૦૦ ટનથી વધુ ઓક્સિજનની વ્યવસ્થા કરીને ગુજરાતમાં એક પણ માણસનું મૃત્યુ માત્ર ઓક્સિજનના અભાવે થયું  નથી. મુખ્યમંત્રીએ કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકોને  શ્રદ્ધા સુમન વ્યક્ત કરી સ્વજનો ગુમાવનાર પરિવારોને ઈશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી પ્રાર્થના કરવા આવ્યો છું. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર અને પછી તુરંત તાઉતે વાવાઝોડુ આવ્યું પરંતુ સરકારે પૂરતું પૂર્વ આયોજન કર્યું અને આગચેતીને લીધે જાનહાનિ નહીવત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બીજા દિવસે ગુજરાત આવીને રૂપિયા એક હજાર કરોડની મદદ કરી છે.  તાઉતે વાવાઝોડાની નુકશાનીમાં રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે રાહત-બચાવ પૂર્નઃ સ્થાપન કામગીરી કરી છે. માછીમારો અને ખેડૂતોની સાથે સરકાર ઉભી છે તેમ જણાવીને ગુજરાતના માછીમારોને પ્રથમ વખત ૧૦પ  કરોડનું પેકેજ આપવામાં આવ્યું છે તેમ પણ જણાવ્યું હતું. માછીમારોનો વ્યવસાય ફરી શરૂ થાય તે માટે વ્યાજમાં રાહત સહિતની જાેગવાઈઓ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ  જ્યાં માનવી ત્યાં સુવિધા અને વિવાદ નહીં પણ સંવાદ એ રાજ્ય સરકારનો વિકાસ મંત્ર છે તેમ જણાવીને શહેરોમાં તમામ માળખાગત સુવિધા માટે નગરપાલિકાઓને પૂરતું ફંડ ફાળવવામાં આવ્યું છે તેમ પણ કહ્યું હતું. ગામડાઓમાં પણ સુવિધા શહેરની અને આત્મા ગામડાંનો એવો નિર્ધાર કરીને વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે. વેરાવળ ખાતે મુખ્યમંત્રીએ વેરાવળ પાટણ નગરપાલિકા વિસ્તારના શહેરી જનોને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે રૂપિયા  પ.૬૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલની ૫૩ એમ.એલ.ડી  કેપેસીટીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત રૂા.૧૦.૨૬ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ સ્ટ્રોમ  વોટર ડ્રેઈન  અને પંદર જેટલા સ્થળોએ ફુટપાથ સહિત વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સાથેના પ્રોજેકટનું ખાતમુહુર્ત મળી એકંદરે કુલ રૂપિયા ૧૬ કરોડના કામોનું લોકાર્પણ ખાતમુહુર્ત કર્યું હતું. પાણીના પ્રોજેક્ટમાં વેરાવળની બે લાખની વસ્તીને લાભ મળશે અને ૨૫ વર્ષની વસ્તીનું આયોજન કરીને આ યોજના નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી છે. મુખ્યમંત્રીએ વેરાવળમાં ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા વેરાવળમાં રૂા.૩૧.૯૭ લાખના ખર્ચે બનેલ નવનિર્મિત ડીવાયએસપી કચેરીનું પણ લોકાર્પણ કર્યું હતું. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા વેરાવળમાં અદ્યતન કચેરી બનતા પોલીસ મથકે સુવિધામાં વધારો થશે. સોમનાથ ખાતે શ્રી રામ મંદિર ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી વેરાવળ નગરપાલિકાનાં પ્રમુખ પિયુષભાઈ ફોફંડીએ વેરાવળમાં રાજ્ય સરકારની સહાયથી ચાલી રહેલા અંદાજે રૂપિયા ૫૦ કરોડના કામોની રૂપરેખા આપી હતી અને આભારવિધિ સંચાલન ચીફ ઓફિસર જતીનભાઈ મહેતાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ રાજેશભાઇ  ચુડાસમા, પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, જિલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન વાઝા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર, જૂનાગઢના રેન્જ આઇ.જી મનીન્દર સિંઘ પવાર, ઇન્ચાર્જ કલેકટર ડી.ડી.ઓ. રવીન્દ્ર ખતાલે, પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, પૂર્વ ધારાસભ્ય રાજસીભાઇ જાેટવા તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અધિકારીઓપદાધિકારીઓ સાથે બેઠક યોજી

ગીર સોમનાથ જિલ્લાનાં પ્રવાસે આવેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. અધિકારીઓ સાથેની બેઠકમાં મુખ્યમંત્રીએ કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલું આયોજન અને રસીકરણની કામગીરીની વિગતો જાણી રાજ્ય સરકારની માર્ગદર્શિકા પ્રમાણે આયોજન પૂર્ણ થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. વેરાવળની કોવીડ હોસ્પિટલમાં ૧૦૦ બેડની જગ્યાએ ૨૦૦ બેડની વ્યવસ્થા કરવા પણ આયોજન હાથ ધરવામાં ચર્ચા કરવામાં આવી હતી.

error: Content is protected !!