સમાજના નામે મતો માંગીને સમાજને ઠેંગો દેખાડતા ખખડધજ નેતાઓના બદલે યુવાનોને મળે તક

0

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હજુ એકાદ વર્ષ બાદ યોજાવાની છે. જાે કે રાજકારણીઓએ અત્યારથી જ તેની તૈયારીઓ આરંભી દીધી છે. જ્ઞાતિગત સમીકરણોની સોગઠાબાજી ગોઠવવાના દાવપેચ શરૂ થયા છે. ત્યારે દરેક સમાજ તરફથી માંગણી ઉઠી રહી છે કે, મુખ્યમંત્રી તો અમારા સમાજનો જ હોવો જાેઈએ. અલબત્ત આમાં મુખ્ય અને પરિવર્તનલક્ષી વાત વિસરાઈ જવાની આશંકાને લઈને ઉનાના રસિક ચાવડા અને રાજુલા (વિક્ટર)ના અજય શિયાળે દરેક સમાજને સચેત કરવાની મશાલ પ્રજ્વલિત કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કહેવાતા નેતાઓએ સમાજ, સમાજની બૂમો પાડવાનું શરૂ કરી દીધું છે. દરેક સમાજમાંથી નેતાગીરી કરવા વાળા મોભીઓ ગમે તેમ કરીને ચૂંટણી પૂર્વે ચર્ચામાં રહેવા માટે અને જે તે પક્ષ તરફથી મળે તે ફાયદો લેવા માટે ફૂટી નીકળે છે. આમાંથી કોળી સમાજ પણ બાકાત નથી. કોળી સમાજની અલગ-અલગ મિટિંગો થઈ રહી છે. જાે કે  સમજવાની જરૂર છે કે આ મિટિંગ શા માટે ? ચૂંટણી આવે અથવા તો કોઈ રાજકીય ઉથલપાથલની શક્યતા હોય ત્યારે જ કેમ મિટિંગ મળે છે ? રાજકીય હોદ્દા અને પદ ઉપર સંકટ આવે ત્યારે જ શા માટે સમાજ યાદ આવે છે ? સમાજને ઘોર અન્યાય થયાનો રાગ આલાપવામાં આવે છે અને ચૂંટણી પતે ત્યાર બાદ સમાજને યાદ પણ કરવામાં આવતો નથી. ઉનાના રસિક ચાવડા અને રાજુલા (વિક્ટર)ના અજય શિયાળે આ સંદર્ભે યુવાનોને સમાજના કહેવાતા રાજકીય મોભીઓથી ચેતવતા વધુમાં જણાવ્યું હતું કે, આ પહેલાં પણ કોળી સમાજની એક મિટિંગ મળી હતી અને સમાજના જ રાજકીય બુદ્ધિચાતુર્ય ધરાવતા લોકો સમાજનો રોટલો ચાંઉ કરી ગયા હતા. જાે આ વખતે એ ભૂલમાંથી સમાજ નહીં શીખે તો ભૂલ દોહરાવાશે. સમાજના નામે સમાજના ભાગલાં પાડતાં લોકોથી સાવધાન રહેવું પડશે. આવા લોકો સમાજના નથી હોતા એ ક્યારેય ન ભૂલવું જાેઈએ. ગુજરાતમાં કોળી સમાજનો મોટો વર્ગ છે, પરંતુ રાજકીય ક્ષેત્રે સમાજના ગણ્યાં ગાંઠ્‌યા લોકો જ છે. કેટલાક લોકોને આ વાતનો ફાયદો ઉઠાવી, સમાજનો ઉપયોગ કરી પોતાના રોટલા શેકવા છે. હવે સમાજને અને ખાસ કરીને શિક્ષિત યુવા વર્ગને જાગૃત થવાની જરૂર છે. વધુમાં બન્ને યુવા અગ્રણીઓએ જણાવ્યું હતું કે, બહોળી સંખ્યા ધરાવતા કોળી સમાજમાંથી યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષિત યુવાનોએ હવે આગળ આવવાની તાતી જરૂર છે. યુવાનોનું સંગઠન મજબૂત બને એ સમયની માંગ છે. કોળી સમાજના ગણ્યા ગાંઠ્‌યા નેતાઓ સમાજના ખભે બંધુક મૂકી પોતાના અંગત સ્વાર્થ સાધવા માટે નિશાન તાકે છે. વિશાળ સમાજના મતના ધ્રુવીકરણની ખાતરી આપી જે તે સત્તાધારીઓ કે વિપક્ષો પાસેથી પોતાનું કામ કઢાવી લ્યે છે. સમાજના નામે ચરી ખાતા વિરોધીઓની આ માનસિકતાને બદલાવવાની છે. યુવાનોએ એકતાની તાકાત બતાવવાની છે. હવે સમય આવી ગયો છે કે, સમાજના યુવાનોના હાથમાં સતાનું કેન્દ્ર આવે, યુવાનોના હાથમાં કમાન આવશે એટલે સમાજ આપોઆપ આગળ આવશે, જમીની લેવલે કામ થશે, યુવાનો દોડી શકશે, મુદ્દાઓને ઉઠાવી શકશે,  સમાજમાં જ કેટલાક એવા યુવાનો છે જેઓએ સમાજ માટે અત્યાર સુધી ઘણું કર્યું છે પરંતુ સમાજે તેમની નોંધ નથી લીધી. સમાજના યુવાનો સાચા મુદ્દા સાથે આંદોલન કરે કે વિરોધ કરે ત્યારે સમાજના બની બેઠેલા અમુક કહેવાતા નેતાઓ તે યુવાનોને યેનકેન પ્રકારે નિષ્ફળ કરાવવા કામે લાગી જાય છે. ગુજરાતમાં દરેક સમાજના એવા કેટલા નેતાઓ છે જેઓ ચાલીસીથી નીચેની ઉંમરના હોય ? શા માટે ભણેલા-ગણેલા યુવાનોના હાથમાં સમાજને આગળ લઈ જવાની ડોર નથી આપવામાં આવતી ? જેઓને કાયદાનું જ્ઞાન છે સાથોસાથ જેઓ રાજકીય સોગઠાઓને સમજી અને સમાજને મુર્ખ બનાવી જતાં લોકો સામે ખુમારી બતાવી શકે તેમને શા માટે તક આપવામાં નથી આવતી. અમુક નેતાઓ ચૂંટાયા પછી સમાજના મટી પાર્ટીના બની જતા હોય છે. જેને કારણે સમાજનો વિકાસ રૂધાય છે.  રસિક ચાવડા અને અજય શિયાળ બંને યુવાનોએ આજના રાજકારણમાં સમાજને હાથો બનાવતા નેતાઓ સામે અનેક પ્રશ્નો ઉપસ્થિત કરી યુવાનોને રાજનીતિમાં પ્રવેશવા માટે અને તેના દ્વારા સમાજને આગળ લઈ આવવા આહવાન કર્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!