Wednesday, October 27

ભગવદ્‌ કથા એ વિચારોના વાયરસ ઉપરની વેકિસન છે : પૂ. મોરારીબાપુ

0

ભગવતી ગંગાના તટ ઉપર વહેતી કથા ધારાના પાંચમા દિવસ ઉપર એક પ્રશ્ન હતો દયા અને કૃપા વચ્ચે શું અંતર છે ? દયા કારણ શોધે છે, કૃપા અકારણ ઉતરે છે. સ્કૂલ અને ગુરૂકુળમાં એટલો ફેર છે સ્કૂલમાં શિક્ષક હોય છે ગુરૂકુળમાં ગુરૂ હોય છે. બાપુએ જણાવ્યું કે, વિચારોના વાયરસ ઉપર ભગવત કથા વેક્સિન છે. બુદ્ધ પુરૂષનું નિરંતર સ્મરણ ગંગાસ્નાન છે. હા ભીતરથી, અંદરથી અભ્યંતર સ્નાન કરાવે છે. આ અંતર્ગત ગંગા છે, આ ગુરૂ ગંગા છે. બુદ્ધ પુરૂષની યાદમાં રહેવું એની સામે વૈકુંઠ પણ તુચ્છ છે. બાપુએ જણાવ્યું કે, હરિવંશ પુરાણ, વિષ્ણુપુરાણ અને ભાગવત જાેવું જાેઈએ રાસલીલાની ગુંચ તો જ ખુલશે, નહિતર ખૂબ જ ગેરસમજ થશે. કૃષ્ણએ કંસને માર્યો ત્યારે ૨૪-૨૫ વર્ષના હતા અને રાસલીલા વખતે ૧૧ વર્ષની ઉંમર હતી. ભાગવતમાં તો થોડી મર્યાદા પણ છે, આથી આધ્યાત્મિક અર્થ લગાવવા પડે છે. આ એ પુરૂષ છે જે સનાતન છે. આ રાસ પ્રક્રિયા ખૂબ જ પ્રાચીન છે. આથી ત્રણેય ગ્રંથોનું દર્શન-અવલોકન કરવું જાેઈએ. બાપુએ જણાવ્યું કે, રાસલીલાની કથા એ પચાસ જણા વચ્ચે નહીં પરંતુ પાંચ જણા વચ્ચે કહેવી જાેઈએ એવી કથા છે, નહીંતર કોઈક નિવેદનનો ખોટો અર્થ પણ કાઢી શકાય છે. ગોપી કહે છે કૃષ્ણનો રાસ આ પૃથ્વીની માટી ઉપર નહીં થઈ શકે આથી જ વૃંદાવનનો ટુકડો પણ સાથે સાથે લઈને આવેલો. કૃષ્ણનો પદચાપ પણ આ જગત સહન નહીં કરી શકે. એક પ્રશ્ન હતો કે, બીજમાંથી વૃક્ષ, વૃક્ષમાંથી ફૂલ, ફૂલમાંથી ફળ, ફળમાંથી બીજ તો આ બીજ દાતા કોણ છે ? બાપુએ કહ્યું કે, બીજ દાતા પરમાત્મા છે. જે શરીર અવ્યક્તને વ્યક્ત કરી શકે એ શરીર મનુષ્ય નહીં દેવતા હોય છે. આપણને લાગે કે, આપણે પણ તેમાં સામેલ છીએ. કહેવાય છે કે, દેવતીઓને છાંયા- પડછાયા નથી હોતા. ગીતાજીમાં દેવી સંપદાનું વર્ણન છે. ગીતાજીના સોળમાં અધ્યાયમાં ૩ શ્લોક કે જેમાં વર્ણવેલા લક્ષણો વધુમાં વધુ જેમાં છે એ દેવ અથવા તો દૈવી સંપત્તિ ધરાવતો મનુષ્ય છે. આજે પતંજલિ સેવાશ્રમની એક બાળકીએ શ્લોક પઠન કર્યું અને બાપુએ તેની ઊંડાણપૂર્વક વ્યાખ્યાઓ કરી. પ્રથમ શ્લોકમાં અભયમ-એ દૈવી કુળનું લક્ષણ છે. જે ભયથી મુક્ત છે. આપણને ભય લાગે તો સમજવું કે ક્યાંક સત્યથી દૂર છીએ. સત્યથી ર્નિભયતા-અભય પ્રગટે છે, સત્યના સંતાનનું નામ અભય છે, પ્રેમથી ત્યાગ આવે છે અને કરૂણાથી અહિંસા આવશે. અંતઃકરણની શુદ્ધિ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ દૈવીપણું છે.  યોગની પ્રાપ્તિ માટે એક લક્ષણ છે- દ્રઢતા, અહિંસા-એટલે મન, કર્મ અને વચનથી કોઈને ઠેસ ન લાગે એ. આ ભાવ જેનામાં છે એ દેવત્વ છે. દાન-શુભનું, શુધ્ધનું દાન, દમ-અભ્યાસ કરતા કરતા પોતાની ઇન્દ્રિયોનું દહન નહીં, જીભ કાપવાની નહીં, કાનમાં ખીલા નથી લગાવવાના પરંતુ દમન કરવું. એ છે એ દેવત્વ. યજ્ઞ-યજ્ઞ બે પ્રકારના છે વૈદિક અને પૌરાણિક. ગીતાએ અદભુત યજ્ઞની વાત કરી છે ઃ જપયજ્ઞ. આ યજ્ઞ એ દૈવીપણાનું લક્ષણ છે. સ્વાધ્યાય ઃ વેદ-ઉપનિષદ, રામાયણ,ભાગવત, આપણા ઇષ્ટ ગ્રંથોનો સ્વાધ્યાય એ દૈવી પણું છે. તપ- કળિયુગની અંદર ભલા બુરા સબકા સુની લીજૈ- એટલે કે સારૂ અને ખરાબ વખાણ અને ટીકા આ બંને સાંભળી શકીએ તો છે તપ અને આ તપ જેનામાં છે એ દેવ છે. બીજા શ્લોકમાં અહિંસા-મન કર્મ અને વચનથી કોઈને ઠેસ ન લાગે એ અહિંસા. સત્ય-સત્ય આપણે બોલીએ છીએ પ્રણામ ! પરંતુ બીજાના સત્યનો આપણે સ્વીકાર કરી શકતા નથી. સત્ય આપણા માટે જે બીજા માને ના માને. પ્રેમ બીજાના માટે છે અને કરૂણા બધાના માટે છે. સત્ય સાર્વભૌમ છે. અક્રોધ-ક્રોધ કરવો સારો નથી. ગીતામાં ક્રોધને નરકનું દ્વાર કહેલું છે. તો પણ આ છ(૬)સમયે ક્રોધ ન કરવો જાેઈએ, સવારે જાગીએ ત્યારે, ઘરની બહાર જઈએ ત્યારે, પૂજા-પાઠ અને સેવાના વખતે, ભોજન કરતી વખતે, ઘરે પાછા આવીએ ત્યારે અને સૂતી વખતે ક્રોધ ન કરવો જાેઈએ. ત્યાગ અનાવશ્યકનો ત્યાગ. ત્યેન ત્યક્તેન ભુંજિથા ઃ ઇશોપનિષદનો આ શ્લોક છે. ત્યાગ ઉપર બોલવું આસાન છે, ત્યાગ કઠિન છે. ત્યાગ ન ટકે રે વૈરાગ વિના… શાંતિ-રાગ અને દ્વેષ બંને સ્થિતિમાં અશાંત ન થવું, બંનેમાં સ્થિર રહેવું એ શાંતિ છે અને આ દેવ કે દેવતાઇ, દૈવી સંપત્તિ ધરાવતા માણસનું લક્ષણ છે. કોઈકની નિંદા-ચુગલી જે હાજર નથી એના વિષે કોઈ અશુભ ચર્ચા ન કરવી જાેઈએ. દયા-ધર્મ ન દયા સરિસ જાનુ. દયા ધર્મકા મૂલ હૈ. ભૌતિક-નાશવંત પદાર્થમાં લોલુપતા. તથા મન કર્મ અને વચનથની મલિનતાનો ભાવ તજેલો હોય. તેજ-તેજ બે પ્રકારના છે ઃ દૈવી તેજ અને આસુરી તેજ. શિતલતેજ પ્રભાવી હોય છે અને જે જલાવે તપ્ત કરે એ આસુરી તેજ પ્રતાપી હોય છે. ઠંડક દે એ તેજ પ્રભાવી, તપ્ત કરે એ તેજ પ્રતાપી છે. ક્ષમા-ક્ષમા બડન કો ચાહિયે, છોટનકો ઉત્પાત. આ દૈવી લક્ષણ છે. ક્ષમા ખૂબ મોટું દાન છે. જેણે જેટલું બગાડ્યું એને એટલી વધારે ક્ષમા આપવી જાેઈએ. એ જ રીતે ધૃતિ-ધૈર્ય-ધીરતા અને છેલ્લું લક્ષણ ઃ શૌચ-શરીર મન અને વાણીની પવિત્રતા આ દેવત્વ છે અને જેનામાં આ લક્ષણો છે એ દેવ છે અથવા તો દેવત્વથી ભરેલો મનુષ્ય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!