પરમ પાવની અલકનંદા, ભાગીરથી અને ગંગાજીના તટ ઉપર પ્રવાહિત રામકથા ગંગાધારાના સાતમાં દિવસે અહીં સેવાશ્રમ ખાતે બાબા રામદેવજી અને આચાર્ય બાલકૃષ્ણજી તેમજ અન્ય સાધુ-દીદીઓ અને સન્યાસી ગણ પણ ઉપસ્થિત હતો. બાપુએ કહ્યું કે, ભક્તિ સૂત્રમાં નારદ પ્રેમ પ્રતિક્ષણ વર્ધમાન હોય છે એવું કહે છે અહીં પણ પ્રતિદિન આનંદની વૃદ્ધિ થઈ રહી છે. સવારે એક ટીવી ચેનલ દ્વારા ગંગાકિનારે યોગ નિદર્શન થયું એને યાદ કરતાં બાપુએ જણાવ્યું કે, ભારતના ભાગ્યને કારણે આપણને એક હસતો યોગી મળ્યો છે. જેણે સફેદ વસ્તુ-નમક, ચીની અને મેંદાના ઉપયોગને ઓછો કરવો એ યાદ કરાવ્યું હતું. બાપુએ કહ્યું કે, દુઃખ અને સુખના સમિધ લઈ અને ગુરૂ પાસે જવું જાેઈએ. દુઃખ સૂકી લાકડી છે અને સુખ એ ભીની લાકડી છે. સુખ થોડો ધુમાડો ઉત્પન્ન કરશે જ. યોગમાં પ્રારંભમાં શ્રમ અને પરિશ્રમ છે, પરંતુ એક કલાકના પરિશ્રમ પછી ૨૩ કલાક વિશ્રામ મળે છે. કથા પ્રવાહમાં રામ જન્મ બાદ નામકરણ સંસ્કરણ પ્રસંગ કહ્યો. ચારે ભાઈઓના નામમાં જે બધાને ભરી દેશે તેનું નામ ભરત રખાયું, જે શત્રુને નહીં પરંતુ શત્રુતાને ખતમ કરે છે તેનું નામ શત્રુઘ્ન અથવા તો રિપુસુદન રાખવામાં આવ્યું હતું અને જે બધાનો આધાર બને છે, જે બધાને સ્વીકારક છે. જે શેષ-એટલે અહીં બધા જ ભાગાકાર પછી જે વધે એવા, શેષાવતાર લક્ષ્મણ નામથી ઓળખાશે અને પુરા બ્રહ્માંડમાં જેનો વાસ છે અથવા જેનામાં પૂરૂ બ્રહ્માંડ સમાયેલું છે. એને ઉદાર રામ નામથી ઓળખવામાં આવશે. ખૂબ થોડા સમયમાં બધા ભાઈઓએ બધીજ વિદ્યા મેળવી. એ પછી તુલસીજી પોતાની લેખનીને થોડો વળાંક આપે છે અને બક્સર બિહાર પાસે શુભ આશ્રમમાં રહેતા વિશ્વામિત્ર ઋષિ તપ કરી રહ્યા છે, એ વખતે યજ્ઞાદિ કાર્યોમાં રાક્ષસો વિઘ્ન કરે છે અને રાક્ષસોનું વિઘ્ન ખૂબ જ વધે છે ત્યારે વિશ્વામિત્ર અયોધ્યા આવે છે અને રાજા દશરથ પાસે પુત્રની માંગ કરે છે. બાપુએ જણાવ્યું કે, આજ સુધી આપણા ઋષિઓએ સંપત્તિ નહીં પરંતુ સંતતિ જ માંગી છે. ધર્મ રક્ષા, યજ્ઞ રક્ષા અને રાષ્ટ્રરક્ષાને માટે સંતતિ જ મંગાઇ છે. વિશ્વામિત્રની ઘણી ભ્રાંતિઓ રામ તોડે છે. વિશ્વામિત્ર આંખ બંધ કરીને જુએ છે તો એક ક્ષત્રિયને ઘરે રામ અવતાર લઈ ચૂક્યા છે. વિશ્વામિત્ર ઈશ્વર પ્રાપ્તિ માટે ક્ષત્રિય મટીને બ્રાહ્મણ બને છે અને ઈશ્વરે ક્ષત્રિયને ઘરે જન્મ લીધો ! આ પહેલી ભ્રાંતિ તૂટ્યા પછી વિશ્વામિત્ર રાજાના દરબારમાં આરામ કરે છે અને બધા જ ભોજન પછી રામ તેને મળે છે આ બીજી ભ્રાંતિ છે કે ઉપવાસ અને તપ કરવાથી જ ઈશ્વર મળે એ ભ્રાંતિ રામ તોડે છે. ઈશ્વર ક્યારેય પણ, કોઈને પણ મળી શકે છે. દશરથ કહ્યું કે, બે અક્ષરવાળા રામને બદલે બે-બે અક્ષર વાળી કોઈપણ વસ્તુ માંગી શકો છો જેમ કે, સેના, ભૂમિ, ધેનું, ગાયો, ધન આ બધું જ આપીશ પણ રામને ના માંગો. અંતે ઋષિ વશિષ્ઠની આજ્ઞાથી અનુજ લક્ષ્મણ સહિત રામને વિશ્વામિત્ર-એક પિતાતુલ્ય ઋષિને સોંપવામાં આવે છે અને રામ ત્યાંથી જ પોતાનું અવતારકાર્ય શરૂ કરે છે. વનમાં જતાં જ બધા જ રાક્ષસોની ભૂમિકા-જનની એવી તાડકાનો વધ કરીને તાડકાને નિર્વાણપદ આપે છે. એક હી બાન પ્રાન હરી લિન્હા;દીન જાની નીજ પદ દિન્હા. પતંજલિ સેવાશ્રમમાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ આવ્યા હતા. બાબાએ બાપુની ઉપસ્થિતિમાં આવનારા સમયમાં પતંજલિ તરફથી નવા-નવા પ્રકલ્પો અને પાંચસોમાંથી બે હજાર, પછી પાંચ હજાર પછી દશ હજાર વિદ્યાર્થીઓને સમાવી શકે એવી આંતરરાષ્ટ્રીય સંસ્થા વિષે માહિતી આપી અને એના આયોજન બાબત વાત કરી હતી. તેમજ સેવાશ્રમમાં મોરારીબાપુ ઉપસ્થિત રહી અને કથા રસપાન કરાવ્યું તેનો આનંદ અને આભાર વ્યક્ત કર્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews