રાજયના ફીશના નિકાસકારોને ચીની તંત્ર દ્વારા થઇ રહેલ કનડગત અને ગત સીઝનમાં ભારતીય નિકાસકારોએ નિકાસ કરેલ ફીશના માલની અંદાજે ૩૬ કરોડથી વધુ રકમ ફસાઇ ગયેલ હોય જે અંગે ત્યાંનુ તંત્ર સકારાત્મક વલણ ન દાખવતુ હોવાથી ફીશ નિકાસકારો મોટી મુશ્કેલીનો સામનો કરી રહયા છે. દરમ્યાન આગામી મહિનાથી શરૂ થતી ફીશીંગની નવી સીઝનમાં ચીન સાથે વેપાર કરવો કે કેમ તે અંગે વેરાવળમાં મળેલ ફીશ એક્ષપોર્ટ એસોસીએશન ઇન્ડીયાના હોદેદાર સભ્યોની એક બેઠકમાં મનોમંથન કરવામાં આવેલ હતુ. જેમાં આગામી દિવસોમાં એસોસીએશનાના પ્રતિનિધિ મંડળ કેન્દ્ર સરકારના કોમર્સ, ફાયનાન્સ, વિદેશ સહિતના સંબંધિત વિભાગોના મંત્રી-અધિકારીઓને મળી ચીની તંત્રની કનડગત અંગે વાકેફ કરી હવે શું કરવું તે અંગે માર્ગદર્શન માંગવાનું નકકી કરાયેલ છે. વેરાવળમાં ફીશ એક્ષપોર્ટર એસોસીએશન ઓફ ઇન્ડીયાની એક બેઠક રાષ્ટ્રીય પ્રમુખ જગદીશભાઇ ફોફંડી, ગુજરાત પ્રમુખ પીયુષભાઇ ફોફંડીના અઘ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ફીશ નિકાસકારોને થઇ રહેલ મુશ્કેલીઓ અંગે મંથન કરવાની સાથે મત્સ્યોદ્યોગની વર્તમાન સ્થિતી અંગે ચર્ચાઓ કરવામાં આવેલ હતી. પ્રમુખ જગદીશભાઇ ફોફંડીએ જણાવેલ કે, ચીનમાં ગુજરાતના ફીશ નિકાસકારોના અંદાજીત રૂા..૩૬ કરોડથી વધુ રકમ ફસાયેલ છે. જે અંગે સરકારની સંસ્થા MPEDA થકી ચીનમાં કાર્યરત ભારતના દુતાવાસને જાણ કરાયેલ છે. જેના પગલે ભારતીય દુતાવાસના અધિકારીઓએ ચીનના ઈમ્પોટર્સોની યાદી પણ વારંવાર આપી હોવા છતાં આ બાબતે ચીની સરકાર તરફથી કોઇજાતના સકારાત્મક પગલાં લેવાયા નથી. ઉલ્ટાનું ભારતમાંથી ફીશનો જે કંઈ માલ ચીન પહોંચે છે ત્યારે GACC (જનરલ એડમીનસ્ટ્રેશન ઓફ કસ્ટમસ ઓફ ધ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના) સંસ્થાએ માલનું સેમ્પલ લઇ તેનું કોવીડ-૧૯ ટેસ્ટીંગ કરે છે, હાલ આવું ટેસ્ટીંગ કોઈ દેશ કરતું નથી. ભારતની MPEDA સંસ્થાએ GACC સાથે મિટીંગ યોજી આ મુદે ચર્ચા કરી જરૂરી દસ્તાવેજાે સુપ્રત કરાયેલ હોવાથી આ ટેસ્ટીંગ બંધ કરી દેવાની સુચના પણ આપવાનું નકકી થયા પછી GACC સંસ્થાનું વલણ આ બાબતમાં ગમગીન રહ્યું છે. એમના પેકેજીંગ મટેરીયલ ઉપર કોરોનાના મૃત DNA મળે ત્યારે GACC તે કંપનીને ચોકકસ મુદત માટે સસ્પેન્ડ કરે છે. જયારે અમુક કેસોમાં તો પૂર્ણ રીતે જ સસ્પેન્સન આપી દીધેલ છે. વધુમાં પેકીંગ મટેરીયલમાં કોરોના પોઝીટીવ આવતા નિકાસકારે કન્ટેનર પાછું બોલાવવું પડતુ હોવાથી એના ખર્ચામાં વધારો થવાથી મોટું નુકશાન સહન કરવું પડે છે. પોર્ટમાંથી ટેસ્ટ પાસ થઇ જાય તો કન્ટેનરને કસ્ટમ સ્ટોરેજમાં લઇ જઈ માલને DISINFICT કરી એનું પાછું ટેસ્ટીંગ થાય છે. તેમાં પોઝીટીવ આવે તો પછી નિકાસકકારને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યાં GACC કોઈપણ જાતના પુરાવા આપતી ન હોવાથી ચીનના ઈમ્પોર્ટર ઘણી વખત ફાયદો ઉઠાવાનું કરે છે. ટેસ્ટીંગ પ્રક્રીયાના કારણે કન્ટેનર લાંબા સમય માટે પોર્ટ ઉપર પડયુ રહે છે. જેના લીધે શીપીંગ લાઈનના ડેમરેજના ચાર્જ નિકાસકારે ચુકવવા પડે છે. વધુમાં ગત વર્ષની MEIS સ્કીમની નિકાસકારોની બાકી નિકળતી રકમ વ્હેલીતકે કેન્દ્ર સરકાર છુટે કરે તે અને રોડ ટેપ સ્કીમના દરો વહેલી તકે જાહેર થાય તે સહિતના પ્રશ્નોની ચર્ચા થઇ હતી. દેશ અને ખાસ કરીને ગુજરાતના ફીશ નિકાસકારો ચીની તંત્રની કનડગતના લીધે મોટી મુશ્કેલીનો સામનો કરી રહયા હોવાથી આગામી ઓગષ્ટ માસથી શરૂ થતી નવી સીઝનમાં ચીન સાથે વેપાર કરવો કે કેમ તે પ્રશ્નો મુંઝવી રહયો છે. જે અંગે માર્ગદર્શન મેળવવા આગામી દિવસોમાં એસોસીએશનનું પ્રતિનિધિ મંડળ કેન્દ્રના કોમર્સ, વિદેશ, ફાયનાન્સ સહિતના વિભાગોના મંત્રી-અધિકારીઓને રૂબરૂ મળી પરિસ્થિતિથી વાકેફ કરી મદદરૂપ થવા માંગણી કરશે. આ બેઠકમાં સંસ્થાના ઉપપ્રમુખ કરસનભાઈ સેલેટ, ફૈયાઝભાઈ કરાટેલા, સેક્રેટરી નરેશભાઈ વણીક, લખમભાઇ ફોફંડી, ઇસ્માઇલભાઈ મોઠીયા, કેન્ની થોમસ, કિશનભાઇ ફોફંડી સહીતના નિકાસકારો હાજર રહયા હતા. અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાંથી થતી ફીશ નિકાસની કુલ ટકાવારીનો ૬૦ થી ૭૦ ટકા જેટલી નિકાસ એક માત્ર ચીનની માર્કેટમાં જ થાય છે. જેના કારણે ચીનમાં ફીશના નિકાસકારોને થતી કનડગત સીધી રીતે સૌથી વધુ ગુજરાતના ફીશ વેપારને અસર કરે છે. જેથી કેન્દ્ર અને રાજય સરકાર ફીશના નિકાસકારોને થતી કનડગત વહેલીતકે દુર કરાવે તેવી માંગણી નિકાસકારો કરી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews