વેરાવળ સોમનાથ જાેડીયા શહેરના લોકોની કમનસીબી કહો કે જે કહો પાલીકા તંત્રની અણઘડ બેદરકારીભર્યા વહીવટના કારણે ૨ લાખની પ્રજા છેલ્લા દસ દિવસથી પીવાના પાણી માટે વલખા મારી રહી છે. તો આ પરિસ્થિતિ માટે સિંચાઇ વિભાગ જવાબદાર હોવાનું પાલીકાના શાસકો જણાવી રહયા છે. જે અંગે સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવેલ કે, અમોએ એપ્રીલ માસમાં જ પાલીકાને પાણી માટે વૈકલ્પીક વ્યવસ્થા કરવા લેખીત પત્ર લખી જાણ કરી હતી. ત્યારે પાણી બાબતે પોતાની બેદરકારી છુપાવવા પાલીકાના શાસકો ગેરમાર્ગે દોરતા નિવેદનો શું કામ કરી રહયા છે તેવો સવાલ લોકોમાંથી ઉઠયો છે. વેરાવળ-પાટણ પાલીકા તંત્રની અણઘડ કામગીરી હંમેશા માટે લોકો માટે મુશ્કેલી સર્જે છે. હાલ ભર ઉનાળે વધુ એક વખત પાલીકાના શાસકોની વહીવટી બેદરકારીના કારણે શહેરીજનો દસ દિવસથી પીવાના પાણી માટે પરેશાની ભોગવી રહયા છે. તાજેતરમાં જ સપ્તાહ પૂર્વે શહેરીજનો માટે રૂા.૫.૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ ફીલ્ટર પ્લાન્ટાનું મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ લોકાપર્ણ કરેલ ત્યારે કહેલ કે, ૨ લાખ શહેરીજનોની શુધ્ધ પીવાનું પાણી મળશે તેવો દાવા કરેલ હતો. પરંતુ મુખ્યમંત્રીના લોકાર્પણ કાર્યક્રમના બે દિવસ પૂર્વેથી જ જાેડીયા શહેરમાં પીવાના પાણીની સમસ્યાની શરૂઆત થઈ ચૂકી હતી. જાે કે, શરૂઆતના બે-ચાર દિવસ લોકોએ આમ તેમ ચલાવેલ પરંતુ ત્યારબાદ પાણી ન આવતા જુદા-જુદા વિસ્તારોમાંથી પાણી ન મળતું હોવાની બુમરાટ સાથે ફરીયાદો મોટાપાયે ઉઠી હતી. આજે પણ લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જયારે પાલીકા તંત્રને પાણી માટે રજુઆત કરે તો જવાબદાર સત્તાધીશો સિંચાઈ વિભાગ જવાબદાર હોવાનો ખો આપી દેતા હોવાનો સ્થાનીકો આક્ષેપ લગાવી જણાવે છે કે, જાેડીયા શહેરને પીવાનું પાણી પૂરૂ પાડતા હિરણ ડેમમાં પાણીનો પૂરતો જથ્થો હોવા અને મળતો હોવા છતા જવાબદાર પાલીકા તંત્રની બેદરકારીના કારણે પ્રજા સુધી પહોંચતુ નથી. જેના માટે શાસકોની વાત જાજી અને કામ ઓછાની નિતી જવાબદાર છે. શહેરીજનોને પીવાના પાણી માટે વલખા મારવાની ઉદભવેલ સ્થિતિ માટે પાલીકા તંત્ર સિંચાઈ વિભાગ ઉપર ખો નાંખી તેમની (પાલીકા)ની જાણ બહાર હિરણ ડેમમાંથી પાણીનો જથ્થો છોડી ખાલી કરી દેવાયાનું પાલીકા તંત્ર હવાલો આપી રહયા છે. ત્યારે આ અંગે ઇન્ચાર્જ ચીફ ઓફીસર ડી.ડી. દવેએ જણાવેલ કે, આગોતરા આયોજના ભાગરૂપે ૧૪ મોટરો મુકી ડેમની અંદર અડધો કીમી દુર લાઇન નાંખી પાલીકાના શીપેજ સુધી પહોચાડવાની કામગીરી કરેલ તેમ છતાં પુરતો જથ્થો મળતો ન હતો. જેથી નર્મદાનું પાણી મેળવવા કાર્યવાહી હાથ ધરતા તે લાઇનમાં ત્રણ જગ્યાએ લીકેજ સામે આવેલ જે સાંધી દેવામાં આવેલ છે. હાલ શહેરની એકમાત્ર રાજેન્દ્ર ભુવનના પાણીની ટાંકી હેઠળના વિસ્તારોમાં સમસ્યા સર્જાતા પાણીના ટેન્કરો દોડાવવામાં આવેલ છે. ત્રણેક દિવસમાં સમસ્યા હલ થઇ જશે તેવી આશા છે. તો બીજી તરફ સિંચાઈ વિભાગના ડેમ અધિકારી એન.બી. સિંઘલે જણાવેલ કે, ડેમના દરવાજાઓની મરામત કામગીરી કરવાની હોવાથી ૧૨ એપ્રીલ ૨૦૨૧ ના રોજ જ લેખીત પત્ર લખી વેરાવળ પાલીકા સહિત તમામ એકમોને જાણ કરી પોતાની પાણીની જરૂરીયાત મુજબ આયોજન હાથ ઘરી વૈકલ્પીક વ્યવસ્થા કરવા જાણ કરી દેવામાં આવેલ હતી. હાલ લોકોની જરૂીયાત મુજબ હજુ દોઢથી બે માસ ચાલે તેટલો પાણીનો જથ્થો ડેમમાં રીઝર્વ રાખવામાં આવેલ છે. ડેમ સાઇટની બેકેટમાં શીપેજ અને આગળના ભાગમાં દોઢથી બે માસ ચાલે તેટલા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ બંન્ને સ્થાળોએથી પાણી ઉપાડવા પમ્પીંંગ કરવાની યોગ્ય વ્યવસ્થાો ઉભી કરવામાં આવે તો કોઇ પ્રકારની મુશ્કેલી થશે નહી. અત્રે નોંધનીય છે કે, આગ લાગે લાગે ત્યારે કૂવો ખોદવા નિકળવું જેવી પાલીકાના શાસકોના અણઘડ વહીવટના કારણે દસ દિવસથી શહેરીજનો પીવાના પાણી માટે વલખા મારી રહયા છે. જયારે સિંચાઇ વિભાગના અધિકારીના નિવેદન બાદ પાલીકાના શાસકોના ગેરમાર્ગે દોરતા બહાનાઓ (નિવેદનો)ની પોલ ખુલી પડતા શહેરીજનોમાં તેઓ સામે પ્રચંડ રોષ જાેવા મળે છે. પાલીકાના શાસકોએ વાતો કરવાના બદલે જાે સમયસર આયોજન સાથે કામ કર્યુ હોત તો આજે લોકોને પાણી માટે વલખા મારવા મજબુર ન થવુ પડત તેવું જાણકારો જણાવી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews