ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામના દરીયા કિનારે સ્મશાન ઘાટ વિસ્તારમાંથી ઘણા લાંબા સમયથી તંત્રની મીઠી નજર હેઠળ બેરોકટોક રેતી ચોરી થતી હતી. દરમ્યાન દોઢ માસ પૂર્વે મધ્યરાત્રીએ એએસપી ઓમપ્રકાશ જાટએ ચુનંદા સ્ટારફ સાથે વડોદરા ઝાલા ગામના દરીયા કિનારે દરોડો પાડી રેતી ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. રેતી ચોરી અંગે ખાણ-ખનીજ વિભાગને સ્થળ તપાસ કરી ફરીયાદ નોંધાવવા સુચના આપી હતી. જેના પગલે ખનીજ વિભાગના અધિકારીએ ૧૬,૧૦૭ મેટ્રીક ટન રેતી રૂા.૪૪.૪૨ લાખની કિંમતના જથ્થાની ખનીજ (રેતી) ચોરી કર્યાની ત્રણ શખ્સોના નામ જાેગ તથા તપાસમાં ખુલે તે તમામ લોકો સામે સુત્રાપાડા પોલીસમાં ફરીયાદ નોંઘાવી છે. તો વડોદરા ઝાલા ગામના દરીયા કિનારે વર્ષોથી રેતી ચોરી થતી હોય જે બંધ કરાવવા દોઢેક વર્ષ પૂર્વે ગ્રામ પંચાયતના સરપંચ સહિતના જવાબદારોએ સંબંધિત તમામ વિભાગોને લેખીત- મૌખીક રજુઆતો કરેલ તેમ છતાં એક પણ તંત્રએ રેતી ચોરીની ગેરકાયદેસર પ્રવૃતિ બંધ ન કરાવી હોવાનો ગામના આગેવાનો આક્ષેપ કરી રહયા છે. લાંબો દરીયા કિનારો ધરાવતા ગીર સોમનાથ જીલ્લાના ઘણા કાંઠાળ વિસ્તારમાં તંત્રની મિઠી નજર અને રાજકીય રક્ષણ હેઠળ બેફામ રેતી ચોરી થાય છે. જે અટકાવીને કાયમી માટે બંધ કરાવવામાં જવાબદાર તંત્રના વિભાગો નિષ્ફળ રહયા છે. જેના કારણે જીલ્લામાં ઠેકઠેકાણે રેતી અને ખનીજ ચોરી થતી હોવાની લોકોમાં ચર્ચા થઇ રહી છે. દરમ્યાન દોઢેક માસ પૂર્વે તા.૯-૬-૨૧ ની રાત્રીના એએસપી ઓમપ્રકાશ જાટ ચુનંદા સ્ટાફ સાથે સુત્રાપાડા પંથકમાં પેટ્રોલીંગ કરી રહેલ હતા તે દરમ્યાન મળેલ માહિતીના આધારે તેઓએ તાલુકાના વડોદરા ઝાલા ગામના દરીયા કિનારા પાસે પહોંચતા ત્યાં રેતી ભરેલ ટ્રેકટર મળી આવતા તેને ઝડપી લઇ ચાલકની પુછપરછ કરતા ગેરકાયદેસર રેતી ચોરીના રેકેટનો પર્દાફાશ થયો હતો. આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ તરફથી ખાણખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી. જેના પગલે ખાણ-ખનીજ વિભાગ દ્વારા રેતી ચોરી પકડાયેલ સ્થળ ઉપર સર્વેયર દ્વારા સર્વેની કામગીરી કરાવવામાં આવી હતી. જે સર્વેમાં દરીયા કિનારા નજીકમાં જ મોટા મોટા ખાડાઓ પડી ગયા હોય અને તેની માપણી કરવામાં આવતા ૧૬,૧૦૭ મેટ્રીક ટન ચોરી કરી લઈ ગયાનું સામે આવેલ હતંુ. દરોડા સમયે પકડાયેલ ટ્રેકટરના ચાલક વડોદરા ઝાલાના ઉદય પુંજા બારડનું પોલીસે નિવદેન નોંધેલ હતુ. સર્વેના રીપોર્ટ અને નિવેદનના આધારે રોયલ્ટી ઇન્સ્પેકટર વિપુલ યોગીએ ઉદય પુંજા બારડ (ટ્રેકટર ચાલક), હરેશ હમીર ઝાલા (લોડરના ડ્રાઇવર-માલીક), સુરસિંહ મનુભાઈ ઝાલા (ટ્રેકટરના ડ્રાઇવર-માલીક) સામે વડોદરા ઝાલા ગામના દરીયા કાંઠેથી કોસ્ટેલ રેગ્યુલેશન ઝોનના પ્રતિબંધિત વિસ્તારમાંથી ૧૬,૧૦૭ મેટ્રીકટન દરીયાઇ રેતી ખનીજનું ગેરકાયદેસર ખનન-વહન કરી કુલ રૂા.૪૪,૪૨,૫૮૩ ની ખનીજ ચોરી કર્યાની ફરીયાદ નોંધાવી છે. આ ગુન્હામાં લોડર દ્વારા ટ્રેકટરો ભરાતા હોવાનું સામે આવેલ હોય પરંતુ સ્થળ ઉપરથી લોડર મળ્યું ન હોવાથી તેને કબ્જે કરવા તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે નોંઘનીય છે કે, વડોદરાઝાલા ગામના દરીયાકાંઠે પ્રતિબંઘિત વિસ્તાહરમાંથી ઘણા સમયથી તંત્રની મીઠી નજર હેઠળ બેરોકટોક રેતી ચોરી થતી હતી. જેને અટકાવવા માટે દોઢેક વર્ષ પૂર્વે સને.૨૦૧૯ સાલમાં વડોદરાઝાલા ગ્રામ પંચાયતના પદાધિકારીઓ દ્વારા ગેરકાયદેસર રેતી ચોરીની પ્રવૃતિ અટકાવી સંદતર બંધ કરાવવા ખાણ ખનીજ, કલેકટર સહિતના સંબંધિત તમામ વિભાગોને લેખીત અને બાદમાં અનેકવાર મૌખીક રજુઆતો કરી હતી. તેમ છતાં તંત્રએ ગેરકાયદેસર રેતી ચોરી અટકાવવા નકકર કાર્યવાહી ન કરેલ હોવાથી મોટા પ્રમાણમાં રેતીની ચોરી થઇ ગઇ છે. ગામમાં દરીયાના પાણી ઘુસવાનો ગંભીર ખતરો મંડરાતો હોવાનો ગ્રામજનો વારંવાર આક્ષેપો કરી રહયા છે. તાજેતરમાં જીલ્લામાં મુકાયેલ આઇપીએસ અધિકારી ઓમપ્રકાશ જાટએ કોઇની શેહ શરમ વગર રેતી ચોરીના રેકેટનો પર્દાફાશ કરેલ છે. જેને ગ્રામજનો આવકારી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews