રાજકોટના મીડિયા કર્મીઓ માટે યોજાયો કેન્સર પ્રત્યેની જાગૃતિ અંગેનો પરિસંવાદ : તજજ્ઞ વક્તાઓની ઉપસ્થિતિ

0

રાજકોટ કેન્સર  સોસાયટી, ચિકિત્સા ભવન મેડિકલ ડાયરેકટર ડો. વી.કે. ગુપ્તાએ ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના સંયુકત ઉપક્રમે રાજકોટ ખાતે યોજાયેલા કેન્સર સામે સતર્કતા અંગેના સેમિનારમાં જણાવ્યું હતું કે, નવી પેઢી વ્યસન તરફ જતા અટકે તે માટે તમાકુનું  સેવન ટાળવું જ જાેઈએ યુવાધનને તમાકુના વ્યસનથી મુકત થવા મનની મકકમતા જ જરૂરી હોય છે. વધુમાં ડો. વી.કે. ગુપ્તાએ સમગ્ર વિશ્વ, દેશ અને ગુજરાતમાં હાલ કેન્સરની સ્થિતિ અને કેન્સર સામે જાગૃતિની જરૂરીયાત અંગે અભ્યાસુ વકતવ્ય પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી આપી કહ્યું હતું કે, સમગ્ર દેશમાં મોઢું અને ગળાના કેન્સરનું સૌથી વધુ પ્રમાણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં જાેવા મળે છે, જે માટે તમાકુનું સેવન કારણભૂત છે, આથી તમાકુનું  સેવન ટાળવું જ જાેઈએ. સમગ્ર વિશ્વમાં જાેવા મળતા કેન્સર પૈકી પાંચથી દસ ટકા વારસાગત કારણોસર અને ૯૦ ટકા  કેન્સર જીવનશૈલી આધારીત જણાતા હોય છે. કેટલાક કેન્સર ખાસ કરીને જીવનશૈલી બદલાવ અને વ્યસન ન કરવાથી અને જરૂરી એડવાન્સ ટેસ્ટ સહિતની સતર્કતાથી  ૫૦ ટકા સુધી કેન્સર ટાળી શકાય તે પ્રકારના હોય છે, પ્રતિ વર્ષ ૧૨ લાખ લોકો  દેશમાં કેન્સરથી મૃત્યુ પામે છે.  કેન્સર અટકાયત માટે રાજકોટમાં કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન દ્વારા લેવાઇ રહેલા વિવિધ કાર્યક્રમોનો ટૂંક સાર રજૂ કર્યો હતો અને સૂર્યપ્રકાશથી બચવા, રસી લેવા, નિયમિત સમયાંતરે શારીરિક પરીક્ષણો કરવા, જાેખમી વર્તણૂકો  ટાળવા, તમાકુના વ્યસનથી બચવા વગેરે જેવા પગલાં લેવા અનુરોધ કર્યો હતો. કેન્સર રોગનું નિદાન થયા બાદ તબીબી અધિકારી સલાહ વગર જરૂરી રેડિયેશનવાળા તબીબી પરીક્ષણો ન કરાવવા તથા જરૂરી પ્રાથમિક જાણકારી મેળવવા ઉપર ડો. ગુપ્તાએ ભાર મૂક્યો હતો. મુળ મોરબીના વતની અને સમયાંતરે મોરબીમાં કેન્સર નિદાન અંગે કેમ્પ કરી સેવાકીય પ્રવૃતિ કરતા અને મુંબઇના કેન્સર તજજ્ઞ ડો. વિક્રમ સંઘવીએ પ્રશ્નોત્તરીના માધ્યમથી ઉપસ્થિત પત્રકારોની કેન્સર અંગેની જિજ્ઞાસા સંતોષી હતી. રાજકોટ ખાતે કરાઈ રહેલા કેન્સર રોગને નાથવાના પ્રયત્નોમાં કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશનની ભૂમિકાની તેમણે ખૂબ સરાહના કરી હતી. અને સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ આયોજકોને અભિનંદન આપ્યા હતા. માહિતીખાતા દ્વારા  યોજાયેલા આ કાર્યક્રમને આવકારી આવી જાગૃતિ સમયની માંગ છે તેમ જણાવ્યું હતું. કેન્સર અટકાયત અંગેના કોઇ પણ કાર્યક્રમમાં સદૈવ સહકાર આપવા ડોક્ટર સંઘવીએ ખાતરી ઉચ્ચારી હતી. કેન્સર અંગે જનજાગૃતિ કેળવવા માટે ગ્રાસરૂટ લેવલે કામ કરતા ભાવનગરના વર્ષાબેન જાનીએ કેન્સર અંગેના પોતાના અંગત અનુભવો મીડીયા કર્મીઓ સમક્ષ વર્ણવ્યા હતા અને ગ્રામ્ય તથા વંચિત વિસ્તારોના નાગરિકોને કેન્સરની પૂરેપૂરી સારવાર લેવા હિમાયત કરી હતી. કેન્સરથી બચવા માટે ઘરનો જ ખોરાક લેવા, ઓર્ગેનિક આહારનો આગ્રહ કેળવવા, સતર્કતા દાખવવા, ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા, નિયમિત જીવનશૈલી અપનાવવા વગેરે ઉપર જાનીએ ભાર મૂક્યો હતો.  ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ અને રાજકોટ કેન્સર સોસાયટીના સંયુક્ત ઉપક્રમે અનિલાબેન કોઠારી કેન્સર ચિકિત્સા ભવન ખાતે “કેન્સર સામે સતર્કતા” વિષયક પરિસંવાદ યોજાયો હતો. આમંત્રિતોના હસ્તે આ કાર્યક્રમનો દિપપ્રાગટ્યથી શુભારંભ કરાયો હતો. સહાયક માહિતી નિયામક જગદીશભાઈ સત્યદેવે સ્વાગત પ્રવચન કર્યું હતું. ભુજના નાયબ માહિતી નિયામક મિતેષ મોડાસીયાએ વક્તાઓનો પરિચય આપ્યો હતો અને કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી. આ પરિસંવાદમાં સંયુક્ત માહિતી નિયામક એસ.એમ. બુબડીયા, નાયબ માહિતી નિયામક નીરાલા જાેષી, રાજકોટના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો, કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશનના સભ્યો, ઇન્ટર્ની જર્નાલિસ્ટસ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેતન દવેએ અને આભાર દર્શન સહાયક માહિતી નિયામક હેતલભાઈ દવેએ કર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!