શ્રાવણ માસનાં બીજા પખવાડીયામાં ખાસ કરીને બોળચોથ, નાગપાચમનાં દિવસથી જન્માષ્ટમીનાં તહેવારોની ઉજવણીની શ્રૃંખલા શરૂ થતી હોય છે. થોડોઘણો વરસાદ પડી ગયો છે ત્યારે વાતાવરણ પણ સ્વચ્છ અને ખૂશનુમા જાેવા મળી રહ્યું છે. કોરોનાને કારણે કડક પાબંધી બાદ હાલ તહેવારોમાં ધીમે-ધીમે સરકારે અનેક પ્રકારની છૂટ મુકી છે ત્યારે જન્માષ્ટમી પર્વ ઉજવવા અનેરો ઉત્સાહ પર્વતી રહ્યો છે. આજ ગુરૂવારનાં બોળચોથના દિવસથી જન્માષ્ટમીના તહેવારનો પ્રારંભ થયો છે. આજે સવારે ગાય માતાનું પૂજન સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને આવતીકાલે નાગપંચમીની ઉજવણી થશે. નાગ દેવતાનાં મંદિરોમાં પૂજન સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવશે. આ સાથે જન્માષ્ટમીનાં તહેવારોની ઉજવણીનો પ્રારંભ થયો છે. જૂનાગઢવાસીઓમાં તહેવારોને ઉજવવાનો અનેરો થનગનાટ જાેવા મળી રહ્યો છે. કોરોનાના કારણે લાંબા સમય સુધી ઘરમાં કેદ રહ્યા બાદ હવે કોરોનાની બીજી લહેર લગભગ સમાપ્તીના આરે પહોંચી હોય લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. સાથે અનેક પરિવારોએ તો ફરવા જવાના પ્લાનીંગ પણ બનાવી લીધા છે. આજે ગુરૂવારના રોજ બોળચોથથી જન્માષ્ટમી પર્વની શરૂઆત થઈ છે અને અનેક ઘરોમાં ગાયનું પૂજન કરવામાં આવ્યું હતું. જાેકે, અનેક લોકોએ ૨૫ ઓગસ્ટે બુધવારે બોળચોથ મનાવી ગાયનું પૂજન કર્યું હતું. દરમ્યાન આવતીકાલે ૨૭ ઓગસ્ટ શુક્રવારે નાગપંચમી હોય લોકો દ્વારા રૂમાંથી નાગલા બનાવી નાગ દેવતાનું પૂજન કરવામાં આવશે. ત્યારબાદ ૨૮ ઓગસ્ટ શનિવારે રાંધણ છઠ્ઠની ઉજવણીકરવામાં આવશે. આ દિવસે મોટાભાગના ઘરોમાં વિવિધ વાનગીઓ બનાવવામાં આવશે. જ્યારે રાંઘણ છઠ્ઠના દિવસે રસોઇ કરી લીધા બાદ ચૂલા ઠારવા માટેનું મુહુર્ત સવારે ૭ઃ૩૦થી ૯ઃ૩૦, બપોરે ૧૨ થી ૪ઃ૩૦ અને સાંજે ૬ થી ૭ઃ૩૦નું રહેશે. રવિવાર ૨૯ ઓગસ્ટે શિતળા સાતમની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે અનેક પરિવારો ધાર્મિક માન્યતા મુજબ ચૂલા પેટાવશે નહિ અને શનિવાર રાંધણછઠ્ઠના દિવસે બનાવલું ભોજન કરશે. દરમ્યાન સોમવાર ૩૦ ઓગસ્ટે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. મધ્યરાત્રીના ૧૨ વાગ્યે અનેક ઘરોમાં તેમજ મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ મનાવાશે. જન્માષ્ટમીની ઉજવણીમાં મર્યાદિત સંખ્યામાં પણ લોકો હાજર રહી શકે તે માટે રાત્રી કફર્યૂનો સમય ૧૧ વાગ્યાના બદલે રાત્રીના ૧ વાગ્યાથી લાગુ કરવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. જૂનાગઢ પ્રવાસન ધામ હોય અનેક લોકો સાતમ આઠમના તહેવારને લઇ જૂનાગઢમાં આવશે. આ ઉપરાંત અનેક પરિવારોએ જૂનાગઢથી બહારગામ ફરવા જવાના પ્લાન પણ બનાવી લીધા છે. આમ જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં જન્માષ્ટમીનાં તહેવારોની ઉજવણીનો માહોલ પ્રર્વતી રહ્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews