ખંભાળિયા નજીક ગ્રામ્ય તળાવમાંથી મોરમનું ગેરકાયદેસર ખનન ઝડપાયું

0

ખંભાળિયા પંથકમાં અવારનવાર સરકારી જમીનમાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી પ્રકાશમાં આવે છે. ખંભાળિયા-દ્વારકા વચ્ચે ચાલી રહેલા ફોરલેન હાઈવે પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટર દ્વારા સરકારી જમીનમાંથી મંજૂરી વગર મોરમ કાઢી અને તેનો ઉપયોગ કરાતો હોવાનું પ્રાંત અધિકારીને ધ્યાને આવતા મોડી રાત્રિના સમયે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ટ્રક, ડમ્પર વિગેરે જેવા રૂપિયા દોઢ કરોડની કિંમતના સાત વાહનો મારફતે કરવામાં આવેલી ૮,૦૨૯ મેટ્રિક ટન મોરમની ચોરી ખુલવા પામી છે. આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા વિસ્તારના પ્રાંત અધિકારી પ્રશાંત મંગુડા દ્વારા અહીંના ખાણ ખનીજ કચેરીના સ્ટાફને રાખીને રાત્રિના ત્રણેક વાગ્યે સઘન ચેકીંગ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ખંભાળિયા સલાયા માર્ગ ઉપર આવેલા હરીપર પાસે આવેલા એક તળાવ પાસેથી બિનઅધિકૃત રીતે જુદા જુદા સાત ડમ્પર/ ટ્રક મારફતે મોરમ ખનીજનું ખોદાણ તથા વહન થઇ રહ્યું હતું. આથી તંત્ર દ્વારા વધુ કાર્યવાહી અંતર્ગત ઉપરોક્ત સાત વાહનો/ એક્સ્કેવેટર મશીન કે જેની કિંમત રૂપિયા દોઢ કરોડ દર્શાવવામાં આવી છે, આ વાહનો તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યા છે. વધુમાં સીઝ કરવામાં આવેલા મશીન દ્વારા તાજા ખોદકામવાળા વિસ્તારમાં કરવામાં આવેલી માપણી મુજબ આશરે ૮૦૨૯ મેટ્રિક ટન જેટલી મોરમ(ખનીજ)નું બિનઅધિકૃત રીતે ખોદકામ થયું હોવાનું ખુલવા પામ્યું છે. આ વાહનો તથા એક મશીન જયહિન્દ બિલ્ડકોન પ્રાઇવેટ લિમિટેડ નામના એક કોન્ટ્રાક્ટરની માલિકીના હોવાનું પણ વધુમાં તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. સરકારી જગ્યામાંથી મંજૂરી વગર આ મોરમ મેળવી અને તેનો ઉપયોગ હાઈવેના પુરાણમાં ઉપયોગ કરવામાં આવતો હતો. બિનઅધિકૃત રીતે કરવામાં આવેલા ખોદકામ તથા અનઅધિકૃત રીતે પરિવહન સંદર્ભે તંત્ર દ્વારા આશરે રૂપિયા ૨૫ લાખ જેટલા દંડની વસુલાત કરવા અંગેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવનાર હોવાનું વધુમાં જાણવા મળ્યું છે. પ્રાંત અધિકારી તથા ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીએ ખનીજ ચોરી કરતા તત્વોમાં દોડધામ પ્રસરાવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!