માંગરોળમાં સતત ૧૩ કલાક સુધી મેઘરાજા અવિરત વરસતા ગઈકાલે બપોર સુધીમાં ૧૨ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. પેશકદમીની અનેક ફરીયાદો અને તંત્રના ભેદી મૌન વચ્ચે ધોધમાર વરસાદથી સોસાયટીઓમાં પાણી ભરાતા મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા અને તંત્રના પાપે લોકોને પાણી ઉલેચવાની નોબત આવી હતી. શહેરમાં મંગળવારે રાત્રીના વરસાદ શરૂ થતા વહેલી સવાર સુધીમાં ૧૨૭ મી.મી. વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ બાદ પણ વરસાદે વિરામ ન લેતા બપોર સુધીમાં વધુ ધોધમાર ૧૬૭ મી.મી. ખાબકતા કુલ ૧૨ ઈંચ જેટલું પાણી પડ્યું હતું. લાંબા સમય સુધી રાહ જાેવડાવ્યા બાદ વરસેલા મુશળધાર વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા હતા. તો બીજી તરફ તળાવમાં પેશકદમીની અનેક ફરીયાદો બાદ પણ તંત્રએ કાર્યવાહી હાથ ન ઘરતા અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. વરસાદી પાણીના નિકાલના અભાવે શહેરના છેવાડાની સંતોષીનગર, ભવાનીનગર, ગાયત્રીનગર તેમજ છાપરા સોસાયટી, બાયપાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે તિરૂપતિ નગરમાં પાણીનો પ્રવાહ વધતા ૩૦ જેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. રહેવાસીઓએ મહા મહેનતે પાણી ઉલેચ્યા હતા અને તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. તળાવ નજીક જ માંગરોળ-કેશોદ રોડ ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ચોતરફ પાણી વચ્ચે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ઓછા-વત્તા અંશે સારા વરસાદના વાવડ મળી રહ્યા છે. ઉપરવાસમાં પણ વરસાદ અને ખેતરોમાંથી નીકળતા પાણીથી લંબોરા ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews