ગીર સોમનાથ જિલ્લાની જીવાદોરી સમાન એવા ત્રણ તાલુકાની પ્રજા અને ૫ાંચ હજાર હેકટર ખેતીને પાણી પુરતા હિરણ-૨ ડેમમાં ૧૧ ફૂટ નવા પાણીની આવક થતા ખેડૂતો તથા પ્રજામાં રાહત ફેલાઇ છે. આ નવું પાણી એક માસ સુધી ચાલે તેટલુ હોવાનું જાણકારો પાસેથી જાણવા મળેલ છે. ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા આ ડેમના તળીયા દેખાવા લાગતા સૌ કોઇ ચિંતત બનેલ એવા સમયે જ મેધરાજાએ પધરામણી કરી સાંબલેધાર વરસાદ વરસાવી દેતા હિરણ-૨ ડેમમાં નવા નીરની મબલખ આવક શરૂ થતાં ૩ ફૂટ નવું પાણી આવ્યું હોવાનું જાણવા મળેલ છે. ડેમમાં આવેલ નવા નીરને વધાવવા ખેડૂતો ડેમ સાઇટ ખાતે પહોંચી વધામણા કરેલ હતા. વેરાવળ-તાલાલા રોડ ઉપર ઉમરેઠી ગામ પાસે હિરણ-૨ ડેમ આવેલ છે. ડેમમાંથી વેરાવળ-સોમનાથ, સુત્રાપાડા નગરપાલીકા ઉપરાંત વેરાવળ, સુત્રાપાડા અને માળીયા તાલુકાની જુદી જુદી જૂથ યોજના મારફત ૭૦ જેટલા ગામોની પાંચેક લાખની પ્રજાને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. આ ઉપરાંત સોમનાથ ટ્રસ્ટર તથા બે ઉદ્યોગો ઇન્ડીેયન રેયોન અને જીએચસીએલ કંપનીને પણ ડેમમાંથી પાણી આપવામાં આવે છે. આ સાથે પંથકની ૫ાંચ હજાર હેકટર ખેતીને પણ સિંચાઇ માટે પાણી પુરૂ પાડે છે. દરમ્યાન ચાલુ વર્ષે વરસાદ ખેંચાયો હોવાથી દસ વર્ષ બાદ પ્રથમ વખત હિરણ-૨ ડેમમાં તળીયા ઝાટક થઇ ગયેલ હતો. હાલ વીસેક દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો ડેમમાં ઉપલબ્ધ હોવાથી લોકો અને ખેડૂતો ચિંતાતુર બની ગયેલ હતા. મેઘરાજા વરસાદ વરસે અને ડેમ ભરાય જાય તે માટે સર્વત્ર પ્રાર્થનાઓ થઇ રહી હતી. ગીર જંગલ અને ગીર સોમનાથમાં મેઘરાજાએ એન્ટ્રીે કરી ધીમી ધારે હેત વરસાવ્યું હતું. બાદ જંગલ સહિત સમગ્ર જીલ્લામાં અવિરત વરસાદ વરસી રહયો છે. જેના પગલે ગીર જંગલ પંથક સહિત આસપાસના તાલુકાઓની નદી-નાળાઓમાં ભરપુર નવા નીરની આવક થયેલ જયારે જંગલમાંથી શરૂ થઇ વેરાવળ- તાલાલા પંથકમાંથી પસાર થતી હિરણ નદીમાં ઘોડાપુર આવ્યુ હતુ. જેના પગલે હિરણ-૨ ડેમમાં પાણીની આવક શરૂ થયેલ અને ૧૩,૨૯૨ કયુસેક (૩ ફૂટ જેટલા) નવા પાણીની આવક થઇ હોવાનું સિંચાઇ વિભાગમાંથી જાણવા મળેલ છે. ગણતરીના કલાકોમાં ડેમમાં આવેલ ત્રણ ફૂટ જેટલુ પાણી એકાદ માસ ચાલે તેટલુ હોવાનું સિંચાઇ વિભાગના વર્તુળોમાંથી જાણવા મળેલ છે. આમ, તળીયા ઝાટક થઇ ગયેલ હિરણ-૨ ડેમમાં ગણતરીના કલાકોમાં જ મબલખ પાણીની આવક થઇ હોવાના સમાચારના પગલે પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી. જેને લઇ પંથકના ખેડૂત અગ્રણી ડી.બી.સોલંકી સહિતના માલજીંજવા અને ઉમરેઠી ગામના ખેડૂતો હિરણ – ૨ ડેમ સાઇટ ઉપર જઇ ડેમમાં શ્રીફળ અને ચુંદડી પધરાવી નવા નીરના વધામણાં કર્યા હતા. ડેમમાં આવેલ મબલખ નવા પાણીના પગલે પાંચેક લાખની પ્રજા અને ૫ાંચ હજાર હેકટર ખેતીની જમીનના ખેડૂતો ઉપર મંડરાઇ રહેલા પાણીના ખતરાને મેઘરાજાએ થોડા સમય પુરતો ટાળી દીધાનું જાણકારો જણાવી રહેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews