ગીર સોમનાથ જીલ્લાનાં તાલાલામાં ૬.૫ અને ઉનામાં પાંચ ઇંચ જેટલા શ્રીકાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા

0

ગીર સોમનાથ જીલ્લાના છએય તાલુકાઓમાં ગઈકાલે સવારથી શરૂ થયેલ અવિરત મેઘસવારીએ ચાર કલાકમાં સાંબલેધારે વરસાદ વરસાવી દેતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે. જયારે નદી-નાળાઓમાં નવા નીર વહેતા થતા ઘોડાપૂર જેવી સ્થિતિ ઉભી થઇ છે. ગઈકાલે સવારથી સાંજ સુધીમાં જીલ્લામાં સૌથી વઘુ તાલાલા ગીર ૧૬૩ મીમી (૬.૫ ઇંચ) અને સૌથી ઓછો કોડીનારમાં ૬૭ મીમી (૨.૫ ઇંચ) જેટલો વરસાદ વરસ્યો  છે. જયારે ઉનામાં ૫ાંચ ઇંચ, ગીરગઢડામાં ૪ ઇંચ, વેરાવળમાં ૪ ઇંચ, સુત્રાપાડામાં ૩ ઇંચ વરસાદ વરસ્યોે છે. ચાલુ વર્ષે વરસાદ ખેંચાયો હોવાથી પાક સૂકાય રહયો હતો એવા સમયે ગઈકાલે સવારથી જીલ્લાભરમાં વરસેલ સાર્વત્રીક શ્રીકાર વરસાદથી ખેતીના પાકો પરનું સંકટ ટળ્યું હોવાથી ખેડૂતોમાં ખુશી છવાઇ હતી. ગીર પંથકમાં પડી રહેલ ભારે વરસાદના પગલે તાલાલા ગીર પંથકની હિરણ નદીમાં ઘોડાપુર આવેલ જયારે અનેક નદી-નાળાઓમાં વરસાદના પાણી ઘસમસતા વહેતા જાેવા મળતા હતા.

જીલ્લાના તાલુકામાં વરસેલ વરસાદ

મંગળવારની રાત્રીથી ગીર સોમનાથ જીલ્લાના છએય તાલુકામાં મેઘરાજાએ મુકામ કરી ઝાપટારૂપી હેત વરસાવી રહેલ હતા. સમગ્ર રાત્રી દરમ્યાન જીલ્લાના છએય તાલુકામાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. બાદમાં બુધવારની સવારથી મેઘરાજાએ મન મુકીને વરસવાનું શરૂ કરેલ હતુ. જેના પગલે જીલ્લાભરમાં સરરેશ અઢી થી સાડા છ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જયારે ગીર જંગલ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી રહયો હોવાનું જાણવા મળેલ છે. જીલ્લાના છએય તાલુકાઓમાં વેરાવળમાં ૧૦૦ મીમી (૪ ઇંચ), તાલાલામાં ૧૬૩ મીમી (૬.૫ ઇંચ), સુત્રાપાડામાં ૭૦ મીમી (૩ ઇંચ), કોડીનારમાં ૬૭ મીમી (૨.૫ ઇંચ), ગીરગઢડામાં ૧૦૧ મીમી (૪ ઇંચ) અને ઉનામાં ૧૨૪ મીમી (૫ ઇંચ) વરસાદ વરસી ગયેલ છે.

તાલાલામાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા

ગઈકાલે સવારથી જીલ્લાભરમાં થઇ રહેલ શ્રીકાર વર્ષામાં ખાસ તાલાલા ગીર પંથકમાં ભારે ૬.૫ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જેમાં સવારે પ્રથમ બે કલાકમાં ૧.૫ ઇંચ બાદ સવારે ૮ થી ૧૦ માં ૪.૫ ઇંચ જેટલો અનરાધાર વરસાદ વરસી જતા અનેક ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા  હતા. જેમાં તાલાલા તાલુકાના આંબળાસ, જેપુર ગીર, ધરમપુર ગીર, ગલીયાવાડ સહિતના અનેક ગામોના રસ્તાઓ ઉપર વરસાદી પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવેલ છે. જયારે પંથકમાં પડી રહેલ ધોધમાર વરસાદના પગલે નદી-નાળા અને વોકળામાં પણ વરસાદી પાણીની ભરપુર આવક જાેવા મળતી હતી.

હિરણ નદીમાં ઘોડાપુર આવ્યું

ઉપરવાસમાં પડી રહેલ ભારે વરસાદના કારણે ગીર પંથકની હિરણ નદીમાં નવા નીરની ભરપૂર આવકના પગલે નદીમાં ઘોડાપુર આવ્યુ હતુ. આ નદી તાલાલાના ભાગોળેથી પસાર થતી હોવાથી ઘોડાપુરનો નજારો જાેવા લોકો ઉમટી રહયા હતા. તાલાલા ગીર પંથકમાં શ્રીકાર વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. તાલાલાના જેપુર-ધણેજ ગામમાંથી પસાર થતી આંબાખોય નદીના પાણી ફરી વળ્યા હતા. આ નદી આગળ જતાં હિરણ નદીમાં ભળી જાય છે.

વેરાવળ પંથકના અનેક ગામોમાં ગોઠણસમા પાણી ભરાયા

વેરાવળ શહેર અને પંથકમાં પણ સતત થઇ રહેલ મેઘ સવારી વચ્ચે ૩ ઇંચ જેટલો વરસાદ વરસી જતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવા લાગ્યા હતા. જયારે શહેરના અનેક મુખ્ય સહિતના માર્ગો ઉપર વરસાદી પાણી સાથે ગટરો ઉભરાતા ગંદા પાણી ફરી વળ્યા હતા. જેના લીધે શહેરીજનો અને ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહેલ હતો. જયારે તાલુકાના ભેટાળી, ઈન્દ્રોય, ઇશ્વરીયા, કોડીદ્રા, સોનારીયા, ભેરાળા, ઇણાંજ સહિતના ગામોમાં વરસાદી પાણી ફરી વળવાની સાથે અનેક માર્ગો અને શેરીઓમાં ગોઠણ સમા પાણી ભરાય ગયા હતા. જયારે અનેક ગામોમાં ખેતરોના પાણી ફરી વળ્યા હતા. જયારે ગીરમાં પડી રહેલ ધોધમાર વરસાદના પગલે અનેક માર્ગો ઉપર નદીમાં આવેલ નવા નીરના પાણી ફરી વળ્યા હતા. જેમાં તાલાળા-ગડુને જાેડતા પુલ ઉપર પાણી ફરી વળેલ જાેવા મળ્યા હતા. ઉના-ગીરગઢડા તાલુકા અને ગીર જંગલ વિસ્તારરમાં પણ પડી રહેલ ધોધમાર વરસાદના પગલે અનેક ગામોની શેરીઓ અને માર્ગો ઉપર પાણી ભરાયા હોવાનું જાણવા મળેલ છે. જીલ્લાભરમાં થઇ રહેલ શ્રીકાર વરસાદના પગલે લાંબા સમયથી વરસાદની રાહ જાેઇ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ પ્રસરી ગયો હતો. આ મેઘ મહેરના પગલે ખેતરોમાં સૂકાતા પાકને જીવતદાન મળતાં ખેડૂતમાં હરખની હેલી જાેવા મળતી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!