કોઈ પશુ કે પ્રાણીને રાષ્ટ્રીય પશુ જાહેર કરવું તે અધિકાર કેન્દ્ર સરકારનો છે : નાયબ મુખ્યમંત્રી

0

ગુજરાતમાં ૨૦૨૨માં વિધાનસભા ચૂંટણી છે અને રાજકીય પક્ષો ઈલેક્શન મોડમાં આવી ગયા છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એક પછી એક વિવાદાસ્પદ નિવેદન કરી રહ્યાં છે. તેમનું વધુ એક નિવેદન ફરી ચર્ચામાં આવ્યું છે. હિન્દુત્વના મુદ્દા બાદ હવે નીતિન પટેલે ગૌમાતા ઉપર આપેલા નિવેદનથી રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે અલાહાબાદ હાઈકોર્ટના ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવાના સુચન ઉપર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, હિન્દુ ધર્મમાં અને સંસ્કૃતિમાં ગાય હજારો વર્ષથી પૂજનીય છે. ભારત સરકાર અને રાજ્ય સરકાર પણ ગાયની સુરક્ષા માટે કટિબદ્ધ છે. અને ગુજરાતમાં તો ગૌહત્યા ઉપર પ્રતિબંધ છે અને તેની સામે કડક કાયદો છે. ગૌહત્યા કરનારાઓને કડક સજા કરી જેલમાં પૂર્યા છે અને હજુ કરતા રહીશું. કારોબારીમાં સંબોધન સમયે નીતિન પટેલે કહ્યું કે, કોઈ પશુ કે પ્રાણીને રાષ્ટ્રીય જાહેર કરવું તે અધિકાર ભારત સરકારનો છે. કેવડિયા ખાતે ચાલી રહેલી ભાજપની કારોબારી બેઠકમાં નીતિન પટેલે આ નિવેદન આપ્યું છે. હિન્દુત્વ બાદ હવે નીતિન પટેલનું ગૌરક્ષા મુદ્દે નિવેદન પણ ચર્ચામાં આવ્યું છે. તો બીજી તરફ, મોદીના જન્મદિવસ ઉપર રામ મંદિરોમાં આરતી કરાશે તેવી જાહેરાત કારોબારીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કરી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું કારોબારી બેઠકમાં નિવેદન આપતા કહ્યું કે, ૧૭ સપ્ટેમ્બરે સાંજે ૭ વાગે રામમંદિરોમાં આરતી થશે. ૭,૧૦૦ ગામોમાં સાંજે રામમંદિરમાં આરતીનો કાર્યક્રમ કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ૨૭ ઓગસ્ટે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું હતું કે જે દિવસે હિન્દુઓની સંખ્યા ઘટવા લાગી અને બીજાની વધવા લાગશે એ બાદ ધર્મનિરપેક્ષતા, લોકસભા અને બંધારણ નહીં બચે અને બધુ જ હવામાં ઉડાવી દેવામાં આવશે. તેમનું આ નિવેદન ભારે ચર્ચાસ્પદ બની રહ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!