શિક્ષણ એક પ્રકારનો પારસ્પરિક પ્રભાવ છે જેનો હેતુ બીજી વ્યક્તિઓમાં અપેક્ષિત પરિવર્તન લાવવાનો છે અને આ પરિવર્તન શિક્ષક જ લાવી શકે છે. શિક્ષક બાળકોમાં શિક્ષણ સંબંધી યોગ્યતાઓનો વિકાસ કરે છે. શિક્ષકોના શ્રેષ્ઠ કાર્યને બિરદાવવાનો શ્રેષ્ઠ દિવસ એટલે પાંચમી સપ્ટેમ્બર. સમગ્ર ભારત દેશમાં પાંચમી સપ્ટેમ્બરને ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન નિમિત્તે શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમનો જન્મ ૫ સપ્ટેમ્બર ૧૮૮૮ના રોજ તમિલનાડુના તિરૂત્તાની ગામમાં થયો હતો. તેમની માતૃભાષા તેલુગુ હતી. તેમને તેમના સેવાકાર્ય માટે કેટલાક બ્રિટિશ અને ભારતીય ઇલ્કાબોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૫૪માં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ૧૯૭૫માં ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા ટેમ્પલટન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ તેજસ્વી વિદ્યાર્થી હોવાથી સમગ્ર શૈક્ષણિક જીવન દરમ્યાન સ્કોલરશીપ પ્રાપ્ત થઈ હતી. તત્વજ્ઞાનમાં તેમણે સ્નાતક કર્યું અને એમ.એ.ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. તેમણે યુનિવર્સિટી ઓફ કલકત્તા, યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ અને યુનિવર્સિટી ઓફ મૈસુરમાં શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવી હતી. તેઓ આંધ્રા યુનિવર્સિટી અને બનારસ હિંદુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે પણ રહી ચૂક્યા છે. તેઓ આપણા દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને સ્વતંત્ર ભારતના બીજા રાષ્ટ્રપતિ હતા. વિદ્યાર્થીઓના જીવનનું સાચું ઘડતર શિક્ષક દ્વારા જ થાય છે. કેળવણીના આદર્શોને મૂર્તિ સ્વરૂપ આપવાનું કાર્ય અંતે તો શિક્ષક દ્વારા જ શક્ય બને છે. સમાજમાં પરિવર્તન શિક્ષણ દ્વારા જ લાવી શકાય છે. કોઈપણ રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં શિક્ષણનો ફાળો હોય છે શિક્ષણ સાથે શિક્ષકની ભૂમિકા દેશના ભાવિ નાગરિકોનું ઘડતર કરે છે. રાષ્ટ્રના ભાવિ વિકાસનો આધાર વિદ્યાર્થીઓના ઘડતર ઉપર આધારિત છે. આજની બાળ પેઢીના વિકાસનો મહત્વનો તબક્કો શાળા છે અને તેનું હાર્દ શિક્ષક છે. ડો. રાધાકૃષ્ણના મતે બાળક દેશની સંપત્તિ છે અને તેમની શક્તિઓને યોગ્ય માર્ગે વાળીને આપણે સમગ્ર સમાજના શારીરિક અને માનસિક આરોગ્યને સુધારી શકીએ છીએ. બાળકોની સુષુપ્ત શક્તિઓને જાગ્રત કરીને ઇચ્છિત દિશામાં વિકસાવવા માટે શિક્ષક અને શાળાની જરૂર રહે છે. કોઈ પણ દેશનો સાંસ્કૃતિક ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે શિક્ષક રાષ્ટ્રનો ઘડવૈયો છે કારણકે શિક્ષકનો વ્યવસાય પરિવર્તન પામતા સમાજના ભાવિ પડકારો સાથે સંકળાયેલો છે. શિક્ષકને વર્ગખંડમાં વિદ્યાર્થીઓને શિક્ષિત કરવા માટે પૂરતો સમય આપવો જાેઈએ. શિક્ષકને માત્ર વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસલક્ષી પ્રવૃત્તિની જવાબદારી સોંપવી જાેઈએ. નાગરિકમાં શિક્ષણના ઊંચા પ્રમાણથી રાષ્ટ્રની લોકશાહી સફળ બની શકે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews