વેરાવળના વોર્ડ નં.૫ અને ૬ વિસ્તારમાં ચોમાસાની સીઝનમાં ગટર સુવિધા ન હોવાના લીધે ઘણા દિવસો સુધી વરસાદી પાણી ભરાયેલુ રહેવાની વર્ષો જુની સમસ્યા છે. જે ઉકેલવા બાબતે નકકર કામગીરી કરવાના બદલે પાલીકા તંત્ર ફકત વાતો કરી ઠાલા વચનો આપતુ હોવાના વિરોઘમાં કોંગ્રેસના નગરસેવક ગઈકાલે પાલીકા કચેરી સામે પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યા છે. તો બંને વોર્ડમાંથી ચુંટાયેલા કોંગ્રેસના ૮ પૈકી એક જ નગરસેવક લોકોની મુશ્કેલી બાબતે વિરોધમાં જાહેરમાં આવ્યામ છે જયારે બાકીના ૭ નગરસેવકો ન દેખાતા લોકોમાં તેઓ સામે રોષ પ્રર્વતી રહેલ છે. વેરાવળમાં ચાલીસ હજારથી વધુ લોકોનો વસવાટ છે એવા સોમનાથ ટોકીઝ વિસ્તારમાં વિકસેલ વોર્ડ નં.૫ અને ૬ માં વર્ષોથી વરસાદી પાણી ભરાવવાની ખૂબ મોટી સમસ્યા છે. જેના લીધે લોકોને ચોમાસાની સીઝનમાં અકસ્માતના જાેખમ લઇ ઘરથી બજારમાં આવન-જાવન કરવું પડે છે. તો બાળકોને બહાર લઇ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કારણ કે, બંને વોર્ડના વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ થઇ શકે તેવી કોઇ ગટર વ્યવસ્થા જ નથી. જેના લીધે બંને વોર્ડની ડઝનેક સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણી દિવસોના દિવસો સુધી ભરાયેલુ રહેતુ હોવાથી રહીશો ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના ઉકેલ માટે અનેકવાર પાલીકા તંત્રને રજૂઆતો કરવા છતાં આજદીન સુધી ઉકેલ થયો નથી. જેના વિરોધ અને સમસ્યાના કાયમી ઉકેલ માટે આજથી કોંગ્રેસના નગરસેવક અફઝલ પંજા તેમના પાંચ ટેકેદારો સાથે પાલીકા કચેરીની બાજુમાં માંડવો નાંખી પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યા છે. ગઈકાલે પ્રતિક ઉપવાસના પ્રથમ દિવસે કોંગી નગરસેવક અફઝલ પંજાને વ્યાપક સમર્થન મળી રહયુ હોય તેમ અનેક સંસ્થા, સમાજના આગેવાનો અને સામાજીક કાર્યકરોએ મુલાકાત લઇ પાલીકા તંત્રની નિંભર કામગીરીને વખોડી ઉપવાસને સમર્થન આપી રહયા હતા. આ અંગે કોંગ્રસના નગરસેવક અફઝલ પંજાએ જણાવેલ કે, બંને વોર્ડોમાં વરસાદી પાણી ભરાવાની વર્ષો જુની ફરીયાદો હોવા છતાં નિંભર પાલીકા તંત્ર ઉકેલ લાવતુ નથી. આ સમસ્યા ઉકેલવા અંગે અત્યાર સુધી પાલીકાના જવાબદારો મોટી મોટી વાતો કરી ઠાલા મૌખીક આશ્વાસનો જ આપ્યા છે. આ સમસ્યા અંગે છેલ્લા સાત માસથી પાલીકાના અધિકારી- પદાધિકારીઓનું ઘ્યાન દોરવા છતાં કામ શરૂ કરાવ્યું નથી. જેના લીધે હાલ હજારો લોકો ભરાયેલા વરસાદી પાણીથી ઉદભવેલ મુશ્કેલી મજબુરીવશ સહન કરી રહયા છે. જેથી બંને વોર્ડમાં વરસાદી પાણીના નિકાલ માટેની ગટર વ્યવસ્થાનું કામ કયારે શરૂ થશે અને કયારે પુરૂ થશે તેની લેખીતમાં પાલીકા તંત્ર ખાત્રી નહીં આપે ત્યાં સુધી પ્રતિક ઉપવાસ ચાલુ રહેશે તેવી ચિમકી ઉચ્ચારી છે. અત્રે નોંધનીય છે કે, વોર્ડ નં.૫ અને ૬ના લોકોની મુશ્કેલીને વાચા આપવા તે વિસ્તારમાંથી ચુંટાયેલા કોંગ્રસના એક માત્ર નગરસેવકે પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. જેનો સાથ આપવા કે સમર્થન કરવા બંને વોર્ડમાંથી ચુંટાયેલા કોંગ્રેસના સાત પૈકી એક પણ નગરસેવક પ્રતિક ઉપવાસના સ્થળ ઉપર ફરકયાં નથી. જેના લીધે બંને વોર્ડની પ્રજામાં કોંગી નગરસેવકો સામે રોષ પ્રર્વતેલ જાેવા મળી રહયો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews