જૂનાગઢ  શહેર અને જીલ્લામાં શ્રીકાર વરસાદને પગલે સાવચેતીની આલબેલ

0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં છેલ્લા બે દિવસ થયા ભારે વરસાદ પડી રહયો છે જેને લઈને લોકો – ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપેલી છે તો બીજી તરફ સંભવીત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારે સાવચેતીનાં પગલાઓ લેવામાં આવી રહયા છે. ગિરનારના જંગલમાં પડેલા ભારે વરસાદના કારણે દામોદર કુંડમાં પુર આવ્યું હતું જેમાં એક ગાય તણાઇ ગઇ હતી.

એસટીના રૂટ પણ બંધ

ધોધમાર વરસાદના કારણે નદીઓમાં ઘોડાપુર આવતા હાઇવે ઉપર પણ પાણી ફરી વળ્યા હતા. પરિણામે જામનગર, રાજકોટ, ઘેડ વિસ્તાર, પોરબંદર, બાંટવા તરફના એસટીના રૂટ બંધ કરવાની ફરજ પડી હોવાનું ડિવીઝનલ કન્ટ્રોલર જી.ઓ.શાહે જણાવ્યું હતું.

ગિરનાર રોપ વે બંધ

ભારે વરસાદ તેમજ તેજ ગતિથી ફૂંકાતા પવનના કારણે ગિરનાર રોપવેને બંધ રાખવાની ફરજ પડી હોવાનું રિજીયોનલ હેડ દિપક કપલીસે જણાવ્યું હતું.

બંને અન્ડર બ્રિજમાં ભરાયું પાણી

શહેરમાં ૭ ઇંચ વરસાદ પડતા ઝાંઝરડા રેલવે અન્ડર બ્રિજમાં પાણી ભરાઇ ગયું હતું જેને લઇને ૨ કલાક કરતા વધુ સમય માટે લોકોની તેમજ વાહન ચાલકોની અવર જવર અટકી પડી હતી. જ્યારે જાેષીપરા અન્ડર બ્રિજમાં પાણીનો નિકાલ થયો ન હોય આ બ્રિજ વાહન ચાલકો, રાહદારીઓ માટે બંધ કરાયો છે.

૪૧ ગામોને એલર્ટ કરાયા

બાંટવા ખારો ડેમ હેઠાણના ભલગામ, કોડવાવ, એકલેરા, સમેગા, જ્યારે ઓઝત ૨ હેઠળના બેલા, રામેશ્વર, મેવાસા, બાદલપુર, આણંદપુર,રાયપુર, સુખપુર, વંથલી, કણજા, નાગલપુર, જ્યારે ઓઝત વિયર શાપુર હેઠળના વંથલી, શાપુર, નાના કાજલીયાળા, જ્યારે હસ્નાપુર ડેમ હેઠળના બામણગામ, ડેરવાણ, ગલીવાયાડા, સાબલપુર, સરગવાડા, વિરપુર, જ્યારે ધ્રાફડ હેઠળના સરસઇ, મોટા ચાંપરડા, નવી ચાવંડ, ખીજડીયા, જ્યારે ઓઝત વિયર વંથલી હેઠળના કણજા, ટિકર, પીપલાણા, વંથલી, આખા, જ્યારે ઉબેણ વિયર કેરાળા હેઠળના કેરાળા, ઝાલણસર, વડાસીમડી અને ઓઝત વિયર આણંદપુર ડેમ હેઠળના આણંદપુર, રાયપુર, સુખપુર અને નાગલપુર ગામોને એલર્ટ કરાયા છે.

૭૮,૫૫૨ ક્યુસેક્સ પાણી ડેમમાંથી છોડ્યું

જૂનાગઢ જિલ્લામાં કુલ ૨૬ ડેમ આવલા છે. આમાંથી ધ્રાફડ ડેમ ૦.૬૦૦ મિટરે ઓવરફ્લો થતા ૨ દરવાજા ખોલી ૨,૮૯૬ ક્યુસેક, રાવલ ડેમ ૦.૧૫૦ મિટરે ઓવરફ્લો થતા ૨ દરવાજા ખોલી ૧,૨૪૨ ક્યુસેક, ઓઝત વિયર(શાપુર)૧,૮૦૦ મિટરે ઓવરફ્લો થતા ૮ દરવાજા ખોલી ૩૬,૧૬૦ ક્યુસેક,ઓઝત વિયર (વંથલી) ૨,૧૦૦ મિટરે ઓવરફ્લો થતા ૧૨ દરવાજા ખોલી ૩૬,૧૬૫ ક્યુસેક,બાંટવા ખારો ડેમ ૦.૩૦૦ મિટરે ઓવરફ્લો થતા ૨ દરવાજા ખોલી ૧,૦૪૬ ક્યુસેક, હસ્નાપુર ડેમમાંથી ૨૮૧ ક્યુસેક, અમિપુર ડેમ ૦.૪૦૦ મિટરે ઓવરફ્લો થતા ૩ દરવાજા ખોલી ૨૨૪ ક્યુસેક, સારણ ડેમ ૦.૧૫૦ મિટરે ઓવરફ્લો થતા ૨ દરવાજા ખોલી ૫૪૩ ક્યુુસેક અને રાણા ખીરસરા ડેમ ૦.૦૫૦ મિટરે ઓવરફ્લો થતા ૧ દરવાજાે ખોલી ૪૯ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

આણંદપુર પુલ ઉપરથી કાર પાણીમાં ખાબકી

ચિરાગભાઇ પરબતભાઇ કછોટ પોતાની કાર લઇ બગડુથી જૂનાગઢ તરફ જઇ રહ્યા હતા. દરમ્યાન આણંદપુર ગામે પુલ ઉપરથી કાર નીચે પાણીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી પરંતુ ચિરાગભાઇને સામાન્ય ઇજા થતા ખાનગીમાં સારવાર મેળવી હતી. જ્યારે કારને પણ કાઢી લેવામાં આવી છે.

આજે જિલ્લાભરની તમામ શાળામાં રજા જાહેર કરાઇ

જૂનાગઢ જિલ્લામાં રવિવારની મોડી રાત્રીથી મેઘરાજાએ મંડાણ કર્યા છે. સોમવારે પણ આખો દિવસમાં ભારે વરસાદ પડ્યો છે. દરમ્યાન હજુ પણ વરસાદ પડવાની આગાહી હોય આજે મંગળવારે શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. આ અંગે ડીઇઓ આર. એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે,મંગળવારે વરસાદની પરિસ્થિતીને ધ્યાને લઇ જિલ્લાની તમામ સરકારી, બિન સરકારી,અનુદાનિત, બીન અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં મંગળવાર ૧૪ સપ્ટેમ્બરના શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનું રહેશે. જિલ્લાની તમામ શાળાઓએ આ સૂચનાની અમલવારી કરવાની રહેશે તેવો આદેશ કરાયો છે. આમ આજે  જિલ્લાની તમામ શાળામાં શૈક્ષણિક કાર્ય કરવાનું ન હોય શાળામાં રજા રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!