Sunday, November 28

ગીર સોમનાથ જીલ્લામાં સર્વત્ર શ્રીકાર વર્ષા : તાલાલામાં ૬ અને વેરાવળમાં ૩ ઇંચ વરસાદ

0

ગીર સોમનાથ જિલ્લાના ૬ તાલુકામાં સતત બીજા દિવસે અવિરત મેઘસવારી ચાલુ હોવાના પગલે સર્વત્ર પાણી પાણી થઇ ગયુ છે. જિલ્લામાં સૌથી વધુ તાલાલા ગીર પંથકમાં ૮ કલાકમાં ૬ ઇંચ અને વેરાવળમાં ૩ ઇંચ જેવો વરસાદ વરસી જતા હિરણ, દેવકા, સરસ્વતી સહિતની નદીઓ ગાંડીતુર બની વહી રહી છે. જ્યારે ગીર જંગલ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ગીર સોમનાથ જિલ્લાના મહત્વના બે મોટા હિરણ- ૧ અને ૨ બંન્ને ડેમોમાં એક ઝટકામાં ૫૦ ટકા જેટલો નવો પાણીનો જથ્થો આવી જતા લોકો અને પ્રાણીઓના પીવાના પાણીની સમસ્યા મહંદઅંશે હલ થઇ ગઇ છે. ગીર પંથકમાં પડી રહેલા ભારે વરસાદના પગલે વેરાવળ-તાલાલા સ્ટેટ હાઇવે ઉપર ગોઠણડુબ પાણી ભરાઇ જતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. જ્યારે જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોને તાલુકા મથકો સાથે જાેડતા માર્ગો અને વોકળાઓ ઉપર ઘસમસતા પૂરના પાણી વહેતા થતા અનેક માર્ગો બંધ થઇ ગયા છે.

વરસાદના આંકડા

ગીર સોમનાથ જિલ્લાના ૬ તાલુકામાં સોમવારે મેઘરાજાએ હેત વરસાવ્યાા બાદ ફરી સોમવારે મોડીરાત્રીથી સમગ્ર જિલ્લામાં અને ગીર જંગલ વિસ્તારમાં મેઘરાજાએ પધરામણી કરી વીજળીના ચમકારા સાથે વરસાદ વરસાવવાનું શરૂ કર્યું હતું. જે મંગળવારે સવારે પણ અવિરત ચાલુ રહ્યા બાદ નવેક વાગ્યાથી મેઘસવારી થંભી ગઇ હતી. આ દરમ્યાન સોમવારે રાત્રીના ૨ વાગ્યાથી મંગળવારે સવારે ૧૦ વાગ્યા ( ૮ કલાકમાં) સુધીમાં જિલ્લાના વેરાવળમાં ૭૦ મિમી (૩ ઇંચ), તાલાલામાં ૧૪૮ મિમી (૬ ઇંચ), સુત્રાપાડામાં ૩૭ મિમી (૧.૫ ઇંચ), કોડીનારમાં ૪૦ મિમી (૧.૫ ઇંચ), ગીરગઢડામાં ૪૦ મિમી (૧.૫ ઇંચ) અને ઉનામાં ૬૪ મિમી (૨.૫ ઇંચ) વરસાદ વરસી ગયો છે. જયારે સવારે ૧૦ વાગ્યા બાદ સાંજે છ સુધીમાં જીલ્લાના ૬ તાલુકામાં ઝાંપટારૂપી વરસાદ વરસી રહયો હતો.

ભારે વરસાદના પગલે દેવકા નદી ગાંડીતૂર

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પાણીની આવક વેરાવળ શહેરની ભાગોળેથી પસાર થતી દેવકા નદીમાં ભરપૂર થતા નદી ગાંડીતૂર બની છે. દેવકા નદીમાં ઉપરવાસમાંથી મબલક પાણી આવી રહ્યું હોવાથી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જેના પગલે વેરાવળ શહેરના પ્રવેશદ્વારની હુડકો, સાંઈબાબા મંદિર વિસ્તાર, ડાભોર રોડ ઉપરની શિક્ષક કોલોની, શક્તિનગર સહિતની અનેક સોસાયટી વિસ્તારમાં દેવકા નદીના પાણી ભરાવવાનું શરૂ થઈ ગયું છે. હાલ સોસાયટી વિસ્તારોમાં એકથી દોઢ ફૂટ પાણી ભરાય ગયા છે. જેના પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દેવકા નદી ગાંડીતૂર બનતાં વેરાવળ તાલુકાનું ચમોડા ગામ બેટમાં ફેરવાયુ છે. જ્યારે ચમોડા ગામમાં ગોઠણડુબ પાણી ભરાય જતા ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયા છે.ગીર જંગલ વિસ્તારમાં પણ ભારે મુશળધાર વરસાદ વરસી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. બે દિવસથી પડી રહેલા અવિરત ધીમી પણ ધીંગીધારના વરસાદના લીધે લોકો અને ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે. જ્યારે ભારે વરસાદના પગલે ડુબવાના આરે પહોંચી ગયેલા ખેતરોના ખાલી ખમ કૂવાઓ બે દિવસથી થઇ રહેલા અવિરત મેઘમહેરના પગલે છલકાઇ જતા ખેડૂતોની ચિંતા દુર થવા પામી હતી.

તાલાલા ગીર પંથકમાં મેઘરાજા અનરાધાર

તાલાલા ગીર પંથક ઉપર મેઘરાજા મહેરબાન હોય તેમ સૌથી વધારે પડ્યો હોવાનું નોંધાયું છે. જેમાં ગઈકાલે સવારે ૪ થી ૬ બે કલાકમાં જ તાલાલા ગીર પંથક માં ૪ ઇંચ જેટલો વરસાદ વરસી ગયા બાદ વધુ બે ઇંચ મળી કુલ ૬ ઇંચ અવિરત વરસાદ વરસ્યાના પગલે રોડ-રસ્તાઓ ઉપર વરસાદી પાણીની નદીઓ વહેતી થઇ ગઇ હતી. જ્યારે પંથકના નદી-નાળા છલકાયા ગયાની સાથે જળાશયોમાં નવા નીરની ભરપૂર આવક શરૂ થયેલી જાેવા મળતી હતી. પંથકમાં અનરાધાર વરસાદના પગલે આંબળાસ સહિતના અનેક ગામોની શેરી અને મુખ્ય માર્ગો ઉપર ઘસમસતા પાણી વહેતા થયા હતા. પંથકના ખેતરોમાં વરસાદી પાણીથી તરબોતળ થઇ ગયા હતા. જ્યારે ગીર પંથકની હિરણ, સરસ્વતી, વાગડીયો, આંબાખોડી સહિતની નદીઓમાં ઘોડાપૂર આવી ગયા હતા.

પંથકના ગામો અને રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા

વેરાવળ-સોમનાથ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયુ હતું. જેમાં ૬ કલાકમાં ધીમી પણ ધીંગીધારે ૩ ઇંચ વરસાદ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જ્યારે ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસ્યો હોવાના પગલે પંથકના ભેટાળી ગામે આવેલા વોકળામાં પૂરનું પાણી વહેતુ થયેલું જાેવા મળતુ હતુ. જ્યારે તાલુકાના ખંઢેરી- તાલાલા ગીર થઇ વેરાવળ જવા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારના માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હોવાના પગલે અનેક રસ્તાઓ બંધ થઇ ગયા હતા. જેના લીધે વાહનચાલકો અને ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. પંથકના ખેતરોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા.

વેરાવળથી તાલાલાને જાેડતા સ્ટેટ હાઇવે ઉપર ગોઠણડુબ પાણી ભરાયા

ગીર જંગલ અને તાલાલા પંથકમાં ભારે વરસાદના પગલે વેરાવળથી તાલાલાને જાેડતા સ્ટેટ હાઇવે ઉપર કમ્મરડુબ પાણી ભરાઇ ગયા હતા. જેના પગલે ટ્રાફિકથી દિવસભર ધમધમતા આ હાઇવે ઉપરનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ હાઇવે ઉપર જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસવડા કચેરી, જિલ્લા પંચાયત કચેરી સહિત અનેક ગામોને જાેડતા મહત્વના સ્ટેટ હાઇવે ઉપર ગોઠણડુબ પાણી ભરાઇ જતા અનેક વાહનો અધવચ્ચે ફસાઇ ગયા હતા. જયારે અમુક વાહનો બંધ પડી જતા ચાલકોએ ધક્કા મારી બહાર કાઢતા જાેવા મળ્યા હતા.

દેવકા નદીનું પાણી વેરાવળના સીમાડામાં ઘુસ્યું

ઉપરવાસના ભારે વરસાદના પગલે ભરપૂર પાણીની આવક થતા વેરાવળના સીમાડે પ્રવેશદ્વારમાંથી પસાર થતી દેવકા નદી ગાંડીતૂર બની હતી. જેના લીધે વેરાવળથી આંબલીયાળા તાંતીવેલાને જાેડતા મુખ્ય રસ્તા ઉપર દેવકા નદીનું પાણી ફરી વળતા બંધ થઇ ગયો હતો. જ્યારે દેવકા નદી ગાંડીતૂર બની ઘસમસતી વહી રહી હોવાથી વેરાવળના ડાભોર રોડ ઉપર ગોઠણડુબ પાણી ભરાઇ જતા તે રસ્તો બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવવાની તંત્રને ફરજ પડી હતી.

પાંચ લાખની પ્રજા અને ખેડુતોનું જળસંકટ દૂર થયું

ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા પાંચ દિવસ પૂર્વે સુધી હિરણ-૨ ડેમમાં માત્ર ૩૫ ટકા જેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો. બે દિવસથી સતત અવિરત વરસી રહેલી મેઘસવારીના પગલે હિરણ – ૨ ડેમમાં ૧૧ ફૂટ નવું પાણી આવતા ૯૨ ટકા જેટલો ભરાય ગયો છે. પાંચ લાખની પ્રજા અને ૬ હજારથી વધુ હેકટર ખેતીની જમીનને એક વર્ષ સુધી પાણીની જરૂરીયાત મેઘરાજાએ એક જ ઝાટકે પુરી કરી દીધી હોવાનું ડેમ અધિકારી એન.બી. સિંઘલે જણાવેલ છે. હિરણ-૨ ડેમમાંથી ત્રણ તાલુકાના બે શહેરો અને ૮૦ ગામોની ૫ લાખથી પ્રજાને, બે ઉદ્યોગોને, સોમનાથ ટ્રસ્ટની પીવાની પાણીની જરૂરીયાત તેમજ ૬ હજારથી વધુ હેકટર ખેતીની જમીનમાં સિંચાઈનું પાણી પુરૂ પાડવામાં આવે છે. વધુમાં કહેલ કે, ડેમ ઓવરફલો થવામાં પોણા બે ફૂટ જ બાકી હોવાથી ડેમની હેઠળવાસમાં આવતા ઉમરેઠી, માલજીંજવા, ભેરાળા, મંડોર, ઇશ્વરીયા, ઇન્દ્રોય, નાવદ્રા, સોનારીયા, સવની, બાદલપરા, મીઠાપુર, કાજલી સહિતના ૧૩ ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.

ગડુ નજીક હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી

વેરાવળ નજીકના ગડુ ગામ નજીક અક્ષરવાડી પાસેના સોમનાથ- જેતપુર નેશનલ હાઈવે ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. બે કલાકથી વધુ સમય સુધી નેશનલ હાઇવે બંધ રહયા બાદ પાણી ઉતરવાનું શરૂ થતાં ધીમેધીમે વાહન વ્યવહાર શરૂ થયો હતો. ગડુ આસપાસ નેશનલ હાઇવે સંપૂર્ણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવેલ હતા. જેના પગલે ગડુની બંને બાજુ હાઇવે ઉપર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી.

દ્રોણેશ્વર ડેમ અને મચ્છુન્દ્રી નદીમાં પિક અપવિઅરમાં સારા વરસાદથી નવા નીરની ભરપૂર આવક

ગીર સોમનાથ જિલ્લામાં ગીરગઢડા તાલુકાના દ્રોણેશ્વર ડેમ અને મચ્છુન્દ્રી નદીમાં પિક અપવિઅરમાં સારા વરસાદથી નવા નીરની ભરપૂર આવક થઈ છે. જેના પગલે દ્રોણેશ્વર ડેમમાંથી પાણી વહેતુ થતાં અલ્હાદાયક નજારો જાેવા મળ્યો હતો. સમગ્ર સોરઠમાં બે દિવસથી અવિરત સારો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગીરના જંગલમાં પણ ધમધોકાર મેઘ સવારી વરસી રહી છે. જેમાં મચ્છુન્દ્રી નદીમાં તથા દ્રોણેશ્વર ડેમમાં નવા નીરની ભરપૂર આવક થતાં ડેમ ઓવરફ્લો વહી રહ્યો છે. જેથી એક વર્ષ સુધી આજુબાજુના વિસ્તારના ૧૮ થી વધુ ગામોની પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે. પંથકના ખેડૂતોને પણ શિયાળું પાક માટે રાહત મળી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!