વેરાવળ શહેરના વોર્ડ ન.૫ અને ૬ માં દિવસો સુધી ભરાયેલા રહેતા વરસાદી પાણીની સમસ્યાનું એક કારણ યોગ્ય નિકાલ ન થતો હોવાનું છે તો બીજું કારણ બંને વોર્ડમાં ઉપરવાસમાંથી આવતું વરસાદી પાણીના નિકાલ માટે નેશનલ હાઇવે ઓથોરીટીએ યોગ્ય ડાયવર્ઝન ન આપ્યુ હોવાનું છે. તો આ સમસ્યાના ઉકેલ માટે તે વોર્ડના કોંગી નગરસેવકે હાઇવે ઓથોરીટીના અધિકારી સાથે રૂબરૂ મુલાકાત કરી સમસ્યાનું કારણ દેખાડી વહેલી તકે નિરાકરણ લાવવા અંગે રજૂઆત કરી છે. જે અંગે હાઇવે ઓથોરીટીના એન્જીનીયરે પાલીકા અને બાંધકામ વિભાગ સાથે મળી કામ કરી સમસ્યાના ઉકેલ લાવવા માટે જરૂરી કાર્યવાહી કરવાનું જણાવેલ છે. વેરાવળમાં તાલાલા રોડ ઉપર સોમનાથ ટોકીઝ વિસ્તારમાં વિકસેલ વોર્ડ નં.૫ અને ૬ માં વર્ષોથી દર ચોમાસામાં થોડા એવા વરસાદમાં પાણી ભરાય જવાની સમસ્યા છે. જયારે ઉપરવાસમાં ભારે વરસાદ પડે તો ત્યાંનું વરસાદી પાણી પણ બંને વોર્ડના વિસ્તારોમાં ફરી વળતુ હોવાથી અંદાજે ત્રીસેક હજાર લોકો મોટી મુશ્કેલીમાં મુકાય જતા જીવન અસ્તવ્યસ્ત થઇ જાય છે. એટલું જ નહીં દિવસોના દિવસો સુધી આ વરસાદી પાણી ભરાયેલુ રહે છે. જેના લીધે મોટા પ્રમાણમાં ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ થતા લોકો રોગોમાં સપડાતા હતા. આ સમસ્યા વર્ષો જુની હોવા છતાં તેના ઉકેલ માટે ન તો જવાબદાર પાલીકા તંત્રએ કે ન બંન્ને વોર્ડમાંથી ચુંટાતા પ્રજાના પ્રતિનિધિઓએ કસી કામગીરી કરી હોય તેવું જાેવા મળતુ નથી. દરમ્યાન તાજેતરમાં આ વોર્ડમાંથી ચુંટાયેલા કોંગી નગરસેવક અફઝલ પંજાએ નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારી સાથે મુલાકાત કરી સમસ્યા વર્ણવતા કહેલ કે, ઓથોરીટીની મોટી અને ગંભીર ભૂલના કારણે વરસાદી પાણી રહેણાંક વિસ્તારમાં ફરી વળી રહયુ છે. કારણ કે બાયપાસ હાઇવે બનાવતા સમયે વરસાદી પાણી ડાયવર્ડ કરવાની કામગીરીમાં જે તે સમયના જવાબદારોએ બેદરકારી દાખવી હોય જેનું પરીણામ બંને વોર્ડમાં રહેતા હજારો લોકો ભોગવી રહયા છે. જેને લઇ હાઇવે ઓથોરીટીના એન્જીનીયર સંદીપ યાદવે રૂબરૂ મુલાકાત લઇ સમસ્યા જાણી હતી. ત્યારે એન્જીનીયરને લેખીત પત્ર આપી સમસ્યાના કાયમી ઉકેલ માટે માંગણી કરી હતી. જેના પ્રત્યુતરમાં આગામી સમયમાં બાંધકામ વિભાગ અને પાલીકા સાથે મળી નિરાકરણ લાવવા કામગીરી કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, વોર્ડ નં.૫ અને ૬ માં વર્ષોથી ઉપરવાસના વિસ્તારોનું વરસાદી પાણી ભરાતુ હોવાની સમસ્યા છે. જે તંત્રના અધિકારીઓથી લઇ ચુંટાયેલા પ્રતિનિધિઓ અને તે વિસ્તારના આગેવાનો સહિત સૌ કોઇ જાણતુ હોવા છતાં આજદીન સુધી તેનો ઉકેલ લાવી શકયા નથી. આ સમસ્યાનું કારણ નેશનલ હાઇવેના થયેલ કામ સમયે યોગ્ય ડાયવર્ઝન ન અપાયુ હોવાનું છે. તો તે બાબતે અત્યાર સુધી કેમ કોઇ કામગીરી કરાવી નહીં તેવો સવાલ બંને વોર્ડના રહીશોમાં ચર્ચાય રહયો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews