ગુજરાતનાં પ્રથમ નંબરનાં પ્રવાસન ક્ષેત્રનાં સ્થળ તરીકે જેની ગણના થાય છે અને એશિયાનાં સૌથી મોટા એવા ગિરનાર રોપ-વે શરૂ થયાને આવતીકાલે એક વર્ષ પૂર્ણ થઈ રહયું છે ત્યારે ઉષા બ્રેકો કાું. દ્વારા તેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સાથે દેશમાં ૧૦૦ કરોડ લોકોને કોરોનાની રસી મુકાવવાનો વિક્રમ સર્જાયો છે ત્યારે સ્વાભિમાન ભારત શાબાશ ભારત અંતર્ગત આવતીકાલે પ્રથમ ૧૦૦ વ્યકિતઓ કે જેણે કોરોનાની રસીનાં બે ડોઝ લીધા હશે તેમને રોપ-વેની ફ્રીમાં યાત્રા કરાવવાની જાહેરાત કંપની દ્વારા કરવામાં આવી છે. જૂનાગઢ અને સોરઠવાસીઓની ઘણા લાંબા સમયની લાગણી-માગણી અને અપેક્ષા હતી તેવી ગિરનાર રોપ-વે યોજનાનો ર૪ ઓકટોબર ર૦ર૦નાં રોજ ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે શુભારંભ થયો હતો. કોરોના કાળમાં વર્ચ્યુઅલ ઉદઘાટનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે અંતર્ગત જૂનાગઢ ખાતે તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન ક્ષેત્રનાં વિકાસ માટે સરકાર દ્વારા લેવાયેલા પગલા અંગેની વિગતો આપવામાં આવી હતી. એશિયાનાં સૌથી મોટા ગિરનાર રોપ-વે શરૂ થયાને આવતીકાલે ર૪ ઓકટોબર ર૦ર૧નાં રોજ એક વર્ષ પૂર્ણ થશે. ત્યારે ઉષા બ્રેકો કાું. દ્વારા પ્રથમ વર્ષગાઠની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉષા બ્રેકો કાું.નાં પ્રાદેશિક હેડ દિપક કપલીસ તેમજ જૂનાગઢ ખાતે ગિરનાર રોપ-વેનાં ઈન્ચાર્જ એચ.એમ. પટેલનાં જણાવ્યા અનુસાર ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોનાના જંગમાં મોટા પડકાર સામે દેશનાં લોકોને કોરોની સામે સુરક્ષા માટે રસીકરણનું અભિયાન શરૂ કરવામાં આવેલ અને ૧૦૦ કરોડ લોકોને સફળ રીતે રસીકરણ સંપન્ન થયું છે જે વિક્રમી ઘટના છે. આ ઘટના ગૌરવશાળી છે અને તેને આવકારવા તેમજ વડાપ્રધાનશ્રીનાં અભિયાનને સહયોગ આપવાનાં ભાગરૂપે ગિરનાર રોપ-વે તેમજ અંબાજી રોપ-વે, પાવાગઢ રોપ-વે માટેની યાત્રાળુઓને પ્રથમ દિવસની ફ્રી યાત્રા અંગેની જાહેરાત થઈ છે જેમાં જે લોકોએ રસીકરણનાં બે ડોઝ લીધા છે તેવા પ્રથમ ૧૦૦ વ્યકિતને આવતીકાલે રોપ-વેની યાત્રા ફ્રીમાં કરાવવામાં આવશે. વિશેષમાં ઉષા બ્રેકો કાું.નાં હેડ દિપક કપલીસે જણાવ્યું હતું કે આવતીકાલે ગિરનાર રોપ-વે ખાતે પ્રથમ ૧૦૦ વ્યકિતઓને વિનામુલ્યે યાત્રા કરાવવામાં આવશે ત્યારબાદ જૂનાગઢનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની ઉપસ્થિતિમાં જેતપુર ખાતેથી વૃધ્ધાશ્રમનાં ૧૦૦ થી ૧રપ વ્યકિતઓને વિનામુલ્યે યાત્રા તેમજ ભોજન સહીતની વ્યવસ્થા ઉષા બ્રેકો કાું. દ્વારા કરવામાં આવી રહી છે. ગિરનાર રોપ-વે શરૂ થયાનાં એક વર્ષ દરમ્યાન કુલ સાડા છ લાખથી વધારે યાત્રાળુઓએ રોપ-વેની યાત્રા કરી છે. તેમજ ગિરનાર ઉપર બિરાજતા અંબાજી માતાજીનાં દર્શનનો પણ લાભ લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉષા બ્રેકો કાુ.નાં પ્રાદેશિક હેડ દિપક કપલીસ, ગિરનાર રોપવેનાં ઈન્ચાર્જ એચ.એમ. પટેલનાં માર્ગદર્શન હેઠળ વિશાલભાઈ તેમજ સમગ્ર રોપ-વેની ટીમ દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે આગવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એટલું જ નહી કોરોનાના કાળમાં સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સેનેટાઈઝર, માસ્ક સહીતની વ્યવસ્થા ઉપરાંત ગઈકાલે ગિરનાર ક્ષેત્રમાં સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હોવાનું કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews