રાજ્યની પ્રજાને સાયબર ક્રાઈમનો ભોગ બનતા અટકાવવા ‘સાયબર સેફ મિશન’ કેમ્પેઈનનો પ્રારંભ

0

ગુજરાત રાજ્યમાં સાઈબર ક્રાઈમને લગતા ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા તેને અટકાવવા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવાનું જણાવતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સાયબર સેફ મિશન’ કેમ્પેઈનનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસે અદ્યતન ટેકનોલોજી અને સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને સાયબર ક્રાઈમ સહિતના ગુનાઓ ઉગતા જ ડામી દેવાની સજ્જતા કેળવી છે. સાયબર અંગેના ગુનાઓ સામે નાગરિકોને જાગૃત કરવા આ ‘સાયબર સેફ મિશન’ કેમ્પેઈન શરૂ કરાયું છે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ગુનો બને પછી તેની તપાસ કરવી અને ગુનેગારો સુધી પહોંચવાની જગ્યાએ હવે નવા જમાના અને ટેકનોલોજીને અનુરૂપ પ્રો-એક્ટીવ પોલીસીંગનું કૌશલ્ય પોલીસ બેડાએ કેળવ્યું છે. તેમણે કહ્યું કે, હવેનો યુગ મોબાઈલ અને ઈન્ટરનેટ તથા સાયબરનો યુગ છે અને તેના વધતા વ્યાપ સાથે સાયબર ક્રાઇમ કરનારા લોકો પણ મોટા પ્રમાણમાં આવા ગુનાઓ કરી લોકોને છેતરવા, નાણાં હજમ કરી જવા જેવી પ્રવૃતિ આચરતા થયા છે ત્યારે સમાજમાં આવા ગુનાઓ સામે જન-જાગૃતિ જગાડવામાં આ સાયબર સેફ મિશન એક સક્ષમ માધ્યમ બનશે. નાગરિકોનો ઓછામાં ઓછી અથવા નહિવત મુશકેલીઓમાંથી પસાર થવું પડે તે પ્રકારના આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ અને આયોજનો સરકારે હાથ ધર્યા છે જેનાથી રાજ્યના નાગરિકોની જનસુખાકારીમાં વધારો થઇ રહ્યો છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. લોકોને સાયબર ક્રાઈમનો ભોગ બનતા અટકાવવા માટે એક જન આંદોલન ઊભું કરવાની જરૂર છે, લોકો જેટલા વધુ માહિતગાર હશે એટલા જ સુરક્ષિત રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યની મહિલાઓને સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન આપતું ડો. અનંત પ્રભુ દ્વારા લિખિત ‘સાયબર સેફ ગર્લ’ પુસ્તકનું વિમોચન કરવા સાથે આર.એલ. નરસિમ્બા રાવ દ્વારા સાયબર અંગેના ગુનાઓ, વિવિધ હેકીંગ પ્રવૃતિઓની માહિતી આપતી વેબસાઇટ પણ મુખ્યમંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, સાયબર સેફ્ટીની માત્ર વાતો નહીં સાયબર ક્રાઇમ અટકાવવાના નક્કર આયોજન સાથે પોલીસદળ માટે પૂરતી નાણાંકીય જાેગવાઇ કરવા રાજ્ય સરકાર તત્પર છે. ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના નાગરિકોની નાનામાં નાના વિષય અનુરૂપ ફરીયાદને પણ અત્યંત ગંભીરતાપૂર્વક ન્યાય આપીને તેનું નિરાકરણ લાવવાના સધન પ્રયાસો હાથ ધરવામાં આવે છે તેમ જણાવી સાયબર સેફ મિશન કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ શહેરના ૪૦૦થી વધુ નાગરિકોના ખોવાયેલા અને ચોરી થયેલા મોબાઇલને શોધીને સુપ્રત કરવામાં આવ્યું હોવાનું દ્રષ્ટાંત તેમણે આપ્યું હતું. આ પ્રસંગે શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત પોલીસ તેની કર્તવ્યનિષ્ઠા સાથે રાજ્યના નાગરિકોની સલામતીની કામગીરી શ્રેષ્ઠ પણે કરી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!